Ahmedabad News : અમદાવાદમાં આવેલા કાંકરિયા તળાવ ખાતે બાલવાટિકા તૈયાર કરવામાં આવ્યું છે, ત્યારે બાલવાટિકામાં પ્રવેશવાની ફી નક્કી કરવામાં આવી છે. જેમાં નવા ભાવ મુજબ બાલવાટિકાના મુલાકાર્થીઓને 50 રૂપિયા એન્ટ્રી ફી આપવી પડશે. નવનિર્મિત બાલવાટિકા 21 જેટલી અલગ-અલગ એક્ટિવિટીનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં વિવિધ આકર્ષણોનો ટિકિટ દર રૂ.60થી 450 સુધી રહેશે.
નવનિર્મિત બાલવાટિકા તૈયાર
અમદાવાદના કાંકરિયામાં આવેલા બાલવાટિકામાં AMC દ્વારા રિડેવલપમેન્ટ કરવામાં આવ્યું હતું. હવે નવનિર્મિત બાલવાટિકા તૈયાર છે, ત્યારે એન્ટ્રી ફીમાં વધારો કરાયો છે. જેમાં અગાઉ 3 રૂપિયા એન્ટ્રી ફી હતી, જેમાં 2 એક્ટિવિટી ફ્રી હતી. જ્યારે હવે 50 રૂપિયાની એન્ટ્રી ફી છે, ત્યારે 6 એક્ટિવિટી ફ્રી રહેશે. તેમજ બાલવાટિકાની મુલાકાતે આવતા લોકો રૂ.60થી લઈને 450 રૂપિયા સુધી અન્ય 21 એક્ટિવિટીનો આનંદ લઈ શકશે.
મળતી માહિતી મુજબ, નવનિર્મિત બાલવાટિકામાં ડાયનાસોર અને હેરણ ટ્રેન, લેઝી રિવર, ભૂલ ભૂલૈયા, ફલાઇંગ થિયેટર, એડવેન્ચર રાઇડસ, ગ્લાસ ટાવર સ્નો-પાર્ક, સહિતના નવા આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે. જેને લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, ‘કાંકરિયામાં બાલવાટિકા 22 કરોડના ખર્ચે તૈયાર કરાયું છે. જેમાં બાલવાટિકામાં સિક્યુરિટી, કર્મચારીનો પગાર, મેન્ટેનન્સ, લાઈટ બિલ સહિતની જવાબદારી સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા.લિને સોંપવામાં આવી છે.’ પહેલા મહાનગરપાલિકાને વાર્ષિક 10 લાખની આવક થતી હતી. જ્યારે હવે નવનિર્મિત બાલવાટિકાની એન્ટ્રી ફી અને એક્ટિવિટી વધારી છે, ત્યારે તેમાંથી 40 લાખ આવક થવાની AMCનો અંદાજ છે.