મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન આયોજિત નીલકંઠવર્ણી સ્મૃતિ યાત્રાનો પ્રારંભ કરાયો

By: nationgujarat
02 Oct, 2023

ભગવાનના અવતારો, ઋષિઓ, સંતો, મોટા સતપુરુષોના સંબંધથી પૃથ્વી પવિત્ર તીર્થરૂપ બને છે. પૂર્વે ભગવાનના અવતારો અને સતપુરુષોએ જ્યાં જ્યાં વિચરણ કર્યું છે તે બધા સ્થાન તીર્થો બન્યા છે. વળી, એમાં પણ સર્વોપરી, સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન અનંત જીવોના કલ્યાણ કરવા માટે અનેક સ્થળે વિચરણ કર્યું છે. તે સ્થળોમાં આનંદ ઉસ્તાવ અને લીલા ચરિત્રો કરી તથા ઉપદેશો આપીને તે તે સ્થળોને તથા વસ્તુને તીર્થરૂપ દિવ્ય બનાવી દીધા છે.

વૈરાગ્યમૂર્તિ સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમપ્રકાશમાં જણાવ્યુ છે કે,

ભાગ્ય મોટા એ ભૂમિના, જયાં હર્યા ફર્યા હરિ આપ;
પાવન થઈ એ પૃથ્વી, હરિચરણને પ્રતાપ …..

જ્યાં જ્યાં શ્રીજીમહારાજે વિચરણ કર્યું છે તે ભૂમિના મોટા ભાગ્ય છે. અને તે ધરતી પાવનકારી તીર્થરૂપ બની ગઈ છે.

બસો વર્ષ પૂર્વે સર્વોપરી, સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન – શ્રી નીલકંઠવર્ણી ૧૧ વર્ષની કુમળી વયે વનવિચરણ દરમ્યાન પુનિત પાદરેણુથી ઉત્તર ભારતના પુલ્હાશ્રમ, મુક્તિનાથ, નેપાળ, અયોધ્યા વગેરે સ્થળો પાવન થયા છે.

શ્રી નીલકંઠવર્ણી પોતે પુલ્હાશ્રમમાં ચાતુર્માસનાં પવિત્ર દિવસોમાં ભયંકર વાવાઝોડા અને વરસાદ વચ્ચે આકરું તપ કર્યું હતું. હાડ ગાળી નાખે એવા ઠંડીના સૂસવાટાઓ વચ્ચે નીલકંઠવર્ણીએ ઊર્ધ્વ બાહુ રાખીને એક પગે આકરું તપ કર્યું હતું. તેમના શરીરનું એક્ક એક હાડકું દેખાય તથા શરીરની નાડીઓ પણ ઉપસી આવી હતી અને કોમળ શરીર તદ્દન કૃશ થયું ગયું હતું એવું આકરી તપશ્ચર્યા કરી હતી. શ્રી નીલકંઠવર્ણીને તપશ્ચર્યા કરવાનો હેતુ પણ એ જ હતો કે આ લોકમાં વિવિધ ભાગોમાંથી સંકોચ રાખીને કલ્યાણનાં માર્ગ પર ચાલવાની મુમુક્ષુઓને પ્રેરણા મળે તે માટે જ શ્રી નીલકંઠવર્ણીએ ઉગ્ર તપશ્ચર્યા કરી હતી. પુલ્હાશ્રમ- મુક્તિનાથમાં શ્રી નીલકંઠવર્ણીએ વન વિચરણ દરમ્યાન ચાર માસનું રોકાણ કર્યું હતું.

એ જ શ્રી સ્વામિનારાયણ ભગવાનની સાર્વભૌમ નાદવંશીય ગુરુપરંપરાના ચતુર્થ વારસદાર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ ઈ.સ. ૧૯૭૩માં સંતો હરિભક્તોએ સહિત “ઉત્તર ભારત મોક્ષદાયી યાત્રા” કરી, પુનિત પાદર્પણથી પાવન કરી હતી. અને એ જ શ્રી સ્વામિનારાયણ ભગવાનની સાર્વભૌમ નાદવંશીય ગુરુપરંપરા પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની સ્મૃતિ ઉપક્રમે ઈ.સ. ૨૦૧૫માં “ઉત્તર ભારત શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ યાત્રા” નું આયોજન કરી સહુને સૌભાગી બનાવ્યા હતા.

અત્યારે પણ, એ જ શ્રી સ્વામિનારાયણ ભગવાનની સાર્વભૌમ નાદવંશીય ગુરુપરંપરાના ષષ્ઠ વારસદાર જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં ઈ.સ. ૨૦૨૩માં ” શ્રી નીલકંઠવર્ણી સ્મૃતિ યાત્રા”નું આયોજન કરી સહુને ધન્યભાગી બનાવ્યા છે.

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનાં આચાર્ય શ્રી જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં “શ્રી નીલકંઠવર્ણી સ્મૃતિ યાત્રા” સંતો તથા દેશ વિદેશના હરિભક્તો ૬૩૦ ના વિશાળ સમુદાય સાથે તારીખ: ૨૪/૦૯/૨૦૨૩ થી તારીખ: ૦૬/૧૦/૨૦૨૩ સુધી કુલ ૧૩ દિવસની સ્મૃતિ યાત્રા નેપાળ રાષ્ટ્રના ભૈરવહા, લુમ્બિની, પશુપતિનાથ – કાઠમંડુ, પોખરા, પુલ્હાશ્રમ, મુક્તિનાથ વગેરે પવિત્ર સ્થળોનો દબદબાભેર પ્રારંભ કરાયો.

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનાં આચાર્ય શ્રી જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજનું સંત હરિભક્તોના વિશાળ સમુદાય સાથે ભારતના ગોરખપુરથી
“શ્રી નીલકંઠવર્ણી સ્મૃતિ યાત્રા” નો પ્રારંભ કરાયો હતો. ત્યાર બાદ નેપાળમાં ભગવાન બુદ્ધના જન્મ સ્થાન લુમ્બિની મંદિરમાં પધાર્યા હતા, ત્યારે લુમ્બિની મંદિરના મહંતશ્રીએ પરમ પૂજ્ય આચાર્ય જ્ઞાનમહોદોધિ સ્વામીશ્રી મહારાજનું પુષ્પહાર પહેરાવી, શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. ત્યારબાદ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી મહારાજ સંતો હરિભક્તોના વિશાળ સમુદાય સહિત પશુપતિનાથ મંદિર કાઠમંડુમાં પધાર્યા હતા. ત્યારે પશુપતિનાથ મંદિરના મુખ્ય પૂજારીશ્રીએ પરમ પૂજ્ય જ્ઞાનમહોદોધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજનું રુદ્રાક્ષની માળા પહેરાવીને પરમ ઉલ્લાસભેર સન્માન કર્યું હતું. ત્યારબાદ પરમ પૂજ્ય જ્ઞાનમહોદોધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજ સંતમંડળ અને વિશાળ હરિભક્તોના વિશાળ સમુદાય સાથે પોખરા પધાર્યા હતા. ” શ્રી નીલકંઠવર્ણી સ્મૃતિ યાત્રા” માં હવે પોખરા, મુક્તિનાથ , પુલ્હાશ્રમ, અયોધ્યા, છપૈયામાં યાત્રા યોજાશે. જ્યાં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનના પુનિત પદાર્પણથી પાવન થયેલી લીલાના સંસ્મરણ માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી નીલકંઠવર્ણી સ્મૃતિ યાત્રામાં આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, કેનેડા, ઈંગ્લેન્ડ, ભારત આદિ દેશ- વિદેશના વિશાળ સંખ્યામાં હરિભક્તોએ ઉપસ્થિત રહીને આ યાત્રામાં લાભ માણી રહ્યા છે.


Related Posts

Load more