નવસારી જિલ્લાને મેઘરાજાએ ધમરોળી નાખ્યો,24 કલાકમાં 11 ઇંચ વરસાદ

By: nationgujarat
28 Jul, 2023

અહેવાલ -હિતેશ વઘેપા- નવસારી

નવસારી શહેર સહિત જિલ્લાને મેઘરાજાએ ધમરોળી નાખ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન નવસારીમાં 11 ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. શહેરના અનેક વિસ્તારો જળમગ્ન બનતા જનજીવન ઠપ થયું છે. શહેરમા વરસાદી પાણી ભરાઈ જતા અનેક લોકોનું સ્થળાંતર કરાયું છે. મોડી રાતે અચાનક પાણી આવી જતા લોકો પોતાનો કિંમતી સામાન મૂકીને સુરક્ષિત સ્થળે જવા મજબૂર થયા છે.

જિલ્લાની અનેક નદીઓ બે કાંઠે
​​​​​​​જિલ્લાની પૂર્ણા, કાવેરી અને અંબિકા નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. અંબિકા નદીની સપાટી માત્ર બે કલાકમાં 10 ફૂટ વધી 25.50 ફૂટ ઉપર વહેતી થઈ છે. તો પૂર્ણા નદી 21.50 ફૂટ ઉપર વહેતી થતા મોટું સંકટ વર્તાઇ રહ્યું છે. જ્યારે કાવેરી નદી પણ બે કાંઠે વહેતી થઈ 13 ફૂટ ઉપર પહોંચી છે. કાવેરી નદીના જળસ્થર વધતા તડકેશ્વર મહાદેવનું મંદિર પાણીમાં ગરકાવ થયું છે. તો અનેક કોઝવે પાણીમાં ગરકાવ થયા છે. તો ભારે વરસાદના કારણે ચીખલીથી હરણ ગામ જતો માર્ગ અવર-જવર માટે બંધ કરવામાં આવ્યો છે.

દાદરા નગર હવેલીમાં 21 લોકોનું રેસ્ક્યૂ કરાયું
વલસાડ જિલ્લાને અડીને આવેલા દાદરા નગર હવેલીમાં અને ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને લઈને મધુબન ડેમનું લેવલ જાળવવા માટે મધુબન ડેમમાંથી દર કલાકે 1 લાખ ક્યુસેટથી વધુ પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું હતું. જેને લઈને દાદરા નગર હવેલીના ખાનવેલના વિલ તલાવલી ખાતે ખાડીના તટ વિસ્તારમાં ખાડીના પાણી ફરી વળ્યાં હતા. જેમાં 21 લોકો ફસાઇ ગયા હતા. ઘટનાની જાણ ડિઝાસ્ટરની ટીમને થતા સ્થાનિક ફાયર અને અન્ય ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

રેસ્ક્યૂ કરવામાં ભારે તકલીફો ઉભી થઇ ​​​​​​​
​​​​​​​પાણીનો કરંટ વધારે હોવાને કારણે રેક્સ્યુ કરવામાં ભારે તકલીફો ઉભી થઇ રહી હતી. જેને લઈને દાદરા નગર હવેલીના ડિઝાસ્ટર વિભાગે વલસાડ ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવેલી ગુજરાતની વડોદરા NDRFની ટીમની મદદ લઈને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. સ્થાનિક લેવલે રેસ્ક્યુ ઓપરેશનમાં સફળતા ન મળતા વલસાડ જિલ્લામાં સ્ટેન્ડ બાઈય રહેલી વડોદરા NDRFની 6 ટીમની મદદ લઈને ખાડીના તટ વિસ્તારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

21 લોકોને સેલટર હોમ ખાતે ખસેડાયા
મધ્ય રાત્રીએ ખાડીના તટ વિસ્તારમાં NDRFની ટીમે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં 6 પુરુષ, 12 મહિલાઓ અને 3 બાળકોનું NDRFની બોટ વડે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. NDRFની ટીમે 2.30 કલાકના દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને કુલ 21 લોકોનું રેસ્ક્યૂં કરીને નજીકના સેલટર હોમ ખાતે સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હતા.


Related Posts

Load more