રિવાબા સાથેના વિવાદ અંગે સાંસદે મૌન તોડ્યું

By: nationgujarat
18 Aug, 2023

જામનગરમાં ગુરુવારે ભાજપના ત્રણ દિગ્ગજ મહિલા નેતાઓ વચ્ચે થયેલી બોલાચાલી લઈને સમગ્ર રાજ્યનું રાજકારણ ગરમાયું છે. આ મામલે જામનગરના મેયર અને ધારાસભ્ય રિવાબા જાડેજાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. જોકે, સાંસદ પૂનમ માડમે કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. ત્યારે રાત્રે પૂનમ માડમે પોતાની વાત મીડિયા સમક્ષ રાખીને કહ્યું હતું કે, પ્રદેશ અધ્યક્ષની અનુમતિ લઇને હું પ્રતિક્રિયા આપી રહી છું. મેયર મારા મોટાબેન જેવા છે અને રિવાબા નાનાબેન સમાન છે. મોટાબેનનું માનસન્માન જળવાય એટલે હું મારી નાનીબેનને એક અધિકારથી રોકી શકું.. રિવાબા હજી પહેલી વખત ધારાસભ્ય બન્યાં છે એટલે ક્યાંક ગેરસમજ અને જલદીથી પ્રતિક્રિયા આપવી એવું જ બન્યું છે.

ગેરસમજના લીધે વાતાવરણ તંગ બન્યું: સાંસદ
સાંસદ પૂનમ માડમે મીડિયા સમક્ષ વાત કરતાં જણાવ્યું કે, સ્થળ પર મારી આખી વાત હતી, મારો વ્યવહાર હતો એ પાર્ટીને શોભે એવો હતો. ભારતીય જનતા પાર્ટી એક પરિવાર અને શિસ્તબદ્ધ પાર્ટી છે, પાર્ટીની શિસ્તાનો અમે ક્યાંય ભંગ નથી કર્યો. મને આ વિષયે કોઇ વ્યક્તિગત પ્રતિક્રિયા આપવી એ સમયે લાગ્યું નહોતું. પણ જ્યારે આટલી બધી વાતો થઇ છે, ત્યારે મને લાગ્યું કે મારે મારી વાત પણ મૂકવી જોઇએ. ગુરુવારના કાર્યક્રમમાં નાની ગેરસમજ થઇ હતી. મેયર મારાં મોટાબેન જેવા છે, જ્યારે રિવાબા નાનાબેન સમાન છે. નાની ગેરસમજના લીધે વાતાવરણ તંગ બન્યું હતું અને ઘણીવાર આવું બનતું હોય છે. આમાં વધુ કંઇ નથી. અમારી પાસે કોઇ સમય જ નહોતો કે અમે અંદરોઅંદર વાત કરી શકીએ. પરિવારમાં ક્યાંક કકળાટ હોય છે અને વાસણ ખખડે એવું બનતું હોય છે.

રિવાબાને ઉતાવળમાં મગજમાં એવું આવી ગયું: સાંસદ
સાંસદ પૂનમ માડમે વધુમાં જણાવ્યું કે, રિવાબાને ક્યાંક ઉતાવળમાં મગજમાં એવું આવી ગયું હોય, ગેરસમજ થઇ હોય અને તાત્કાલિક પ્રતિક્રિયા આપી હોય એવું બન્યું છે. મારી ભૂમિકા માત્ર સાંસદ તરીકે નહોતી. પાર્ટીના એક કાર્યકર્તા તરીકે પણ મારી ફરજ આવે કે બીનાબેન મારા મોટાબેન છે એમનું માનસન્માન જળવાય. એટલે હું મારી નાનીબેનને એક અધિકારથી રોકી શકું એ પ્રકારે મારી ભૂમિકા હતી એનાથી વધુ વાત નથી. આ નાની ગેરસમજ છે. આ અડધી મિનિટના સંવાદથી આગળ કોઇ વાત નથી કે પાછળ કોઇ વાત નથી. આનાથી વધુ પણ ક્યારેક કંઇ થાય તો પણ પાર્ટીનું એવું વાતાવરણ છે કે કોઇ ડિસ્ટર્બ નહીં કરી શકે. પરિવાર કોઇ દિવસ છુટ્ટો ન પડે, એમ પાર્ટીનો આ પરિવાર પણ કોઇ દિવસ છુટ્ટો નહીં પડે એવી મને ખાતરી છે. આવતા દિવસોમાં નાગરિકોની સેવા અમે બધા સાથે મળીને કરીશું

એ ચર્ચાનું સ્થળ નહોતું એટલે મેં સોરી કહ્યું: સાંસદ
પૂનમ માડમે વધુમાં જણાવ્યું કે, જે સોરીની વાત છે એ મેં બીનાબેનને કહ્યું કે મારી ઉપસ્થિતિમાં વાતાવરણ તંગ બન્યું અને રિવાબાને મેં સોરી એટલે કહ્યું કે, આપણે આ આખી વાતની અત્યારે અહીં ચર્ચા ન કરવી જોઇએ એ દૃષ્ટિથી કહ્યું.. એ કોઇ ચર્ચા કરવાનું સ્થળ નહોતું. રિવાબા હજી પહેલી વખત ધારાસભ્ય બન્યાં છે. ક્યાંક ગેરસમજ અને જલદીથી પ્રતિક્રિયા આપવી એવું જ બન્યું છે. આ કોઇ મોટી વાત નથી.

મેં શહીદોની રિસ્પેક્ટ કરીને ચંપલ ઉતાર્યા: રિવાબા
ગુરુવારે બોલાચાલીની ઘટના બાદ રિવાબાએ મીડિયા સમક્ષ આવી સમગ્ર ઘટના વિશે જણાવતાં કહ્યું હતું કે, કોર્પોરેશનનો મેરી મિટ્ટી મેરા દેશ અંતગર્ત શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ હતો, જેમાં સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી સહિતના અગ્રણીઓ હાજર હતા. જ્યારે એમ.પી. માડમ શહીદ સ્મારકને હાર અર્પણ કરવા ગયાં ત્યારે તેમણે ચંપલ પહેરેલાં હતાં. ત્યાર બાદ હું માળા અર્પણ કરવા ગઇ ત્યારે મેં શહીદોની રિસ્પેક્ટ કરીને ચંપલ ઉતારીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ત્યાર બાદ ઘણા આગેવાનોએ ચંપલ ઉતારીને શ્રદ્ધાંજલિ આપી હતી.

એમ.પી. માડમની ટિપ્પણી મને માફક ન આવી: રિવાબા
રિવાબાએ વધુમાં કહ્યું હતું કે, શ્રદ્ધાંજલિ આપીને અમે બધાં સાઇડમાં ઊભાં હતાં, ત્યારે એમ.પી. માડમે જોરથી કહ્યું, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ પણ આવા કાર્યક્રમમાં ચંપલ નથી ઉતારતા, પણ ભાન વગરના લોકો કે જેમને કંઇ ભાન નથી પડતી એવા એક્સ્ટ્રા ઓવર સ્માર્ટ થઇને ચંપલ ઉતારે છે. આ તેમનું સ્ટેટમેન્ટ હતું, એટલે મારે ન છૂટકે સેલ્ફ રિસ્પેક્ટ માટે બોલવું પડ્યું, કારણ કે આવા કાર્યક્રમમાં જ્યાં આપણે શહીદોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ ત્યાં તેમની આવી ટિપ્પણી મને માફક ન આવી એટલે મેં સેલ્ફ રિસ્પેક્ટના ભાગરૂપે તેમને કહ્યું- બેન, તમે મારા વિશે જે ટિપ્પણી કરી છે એ યોગ્ય નથી. મેં પાર્ટી વિરુદ્ધ કોઇ કામ નથી કર્યું, મેં તમને કંઇ નથી કહ્યું. મેં શહીદોને એક્સ્ટ્રા રિસ્પેક્ટ આપીને ચંપલ ઉતાર્યાં છે, એ કોઇ ખોટી વાત નથી.

તમે જે કોઇને કહેતા હોવ પર્સનલી કહો: રિવાબા
મેં એમપીને એવું કહ્યું તો તેમણે કહ્યું, મેં તમને કંઇ નથી કહ્યું, હું બીનાબેનને કહું છું, પણ મેં જ પહેલાં ચંપલ ઉતારીને શ્રદ્ધાંજલિ આપી હતી, એટલે મેં તેમને કહ્યું હતું કે તમે જે કોઇ વ્યક્તિને કહેતા હોવ, નામજોગ વાત કરો અથવા તેમને પર્સનલી કહો, જાહેરમાં આવી ટિપ્પણી ન કરો. એટલે આમાં બીનાબેન જોડે કોઇ વાત નહોતી. મારી અને એમપી માડમ વચ્ચેની વાત હતી.

બીનાબેન વચ્ચે કૂદી પડ્યાં: રિવાબા
આ દરમિયાન બીનાબેન એમ.પી.ની ફેવર લઇને મારી સાથે વાત કરતાં હતાં. બરાબર મોઢા પર આવીને બોલતાં હતાં. એટલે સેલ્ફ રિસ્પેક્ટ જાળવવા મારે તેમને કહેવું પડ્યું, કારણ કે આ મેટરમાં તેમને કંઈ લેવાદેવા નહોતી છતાં પણ તેઓ વચ્ચે કૂદી પડીને મારી સાથે તોછડાઇથી વાત કરતાં હતાં, એટલે મારે તેમને ન છૂટકે કહેવું પડ્યું. બીનાબેનનો લોકો સાથે વાતચીત કરવાનો જે ટોન છે એ જામનગરની જનતા જાણે જ છે. મારે એમાં કંઇ કહેવાની જરૂર નથી.

આમાં પાર્ટી ઠપકો આપે કે શાબાશી આપે? રિવાબા
મીડિયાએ જ્યારે રિવાબાને સવાલ કર્યો કે પાર્ટી દ્વારા કોઇ ઠપકો મળ્યો? તો જવાબમાં રિવાબા જાડેજાએ કહ્યું, એમાં ઠપકો શેનો? મેં ચંપલ કાઢીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી એમાં પાર્ટી ઠપકો આપે કે શાબાશી આપે? આપણા વડાપ્રધાન સંસદભવનનું ઉદઘાટન થતું હોય ત્યારે દંડવત્ કરે છે એ કંઇ પ્રોટોકોલ નથી. જ્યારે શ્રદ્ધાંજલિ અને સેલ્ફ રિસ્પેક્ટની વાત આવે ત્યારે હું નહીં પણ સામાન્ય નાગરિકને પણ લાગી આવે. આ મેટર કોઇ એટલી બધી મોટી નથી.


Related Posts