કુમકુમ મંદિર દ્વારા શ્રી હરિના ચરિત્રોની કથા યોજાઈ.

By: nationgujarat
11 Jan, 2024

સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર અને પાલડી અમદાવાદ ખાતે સત્સંગ સભા યોજાઈ હતી. આ પ્રસંગે શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીએ કુમકુમ મંદિર ખાતે શ્રી હરિના દિવ્ય ચરિત્રોનું સૌ હરિભક્તોને પાન કરાવ્યું હતું અને શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીએ શ્રી ગોપાળાનંદ સ્વામીના જીવન પ્રસંગોનું વર્ણન કર્યું હતું.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ સ્વામિનારાયણ મહામંત્ર અંગે જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાનના જીવન ચરિત્રો આપણા ચારિત્ર્યને ઘડે છે. જીવનમાં જો સુખી થવું હોય તો ચર્ચા, મર્ચા અને ખર્ચા ઓછાં કરવા જોઈએ.

આપણે જીવનમાં સમયનું મૂલ્ય સમજવું જોઈએ. સમય એ સોનું છે. જે સમયને સાચવે છે,તેને સમય સાચવે છે. તેથી પોતાના સમયને વેડફવો ના જોઈએ. પરંતુ તેનો સદ્‌ઉપયોગ કરવો જોઈએ. બીજા માણસોની ખોટી ચર્ચા કરીને સમયનો બગાડ ના કરવો જોઈએ.

બીજી મહત્વની વાત એ છે કે, દરેક વસ્તુનો માપસર ઉપયોગ કરવો જોઈએ. વધુ પડતાં મર્ચાનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્યને હાનિ પહોંચે છે. સ્વાસ્થ્ય સારું રહે તો ભગવાનનું ભજન કરી શકાય છે . તેથી મર્ચાનો વધુ ઉપયોગ ના કરવો જોઈએ. વધુ તામસી આહાર કરવાથી માણસનો સ્વભાવ ક્રોધી બને છે.

ત્રીજી મહત્વની વાત એ યાદ રાખવી જોઈએ કે, આપણે કરકસરપૂર્ણ જીવન જીવવું જોઈએ. પોતાની આવક પ્રમાણે ખર્ચ કરવો જોઈએ. શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ શિક્ષાપત્રીમાં આ જ વાત સમજાવી છે કે, આવક કરતાં વધુ ખર્ચ કરવાથી દુઃખ થાય છે. તેથી જીવનમાં સુખી થવું હોય તો દેખાદેખી કરીને ખોટા ખર્ચા ના કરવા જોઈએ.

તેથી જીવનમાં સુખી થવા માટે ચર્ચા,મર્ચા અને ખર્ચા ઓછા કરવા જોઈએ. તો સુખી થવાશે.

– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ


Related Posts

Load more