તા. ૧૬ – ૧ર – ર૦ર૩ – માગશર સુદ ચોથ – શનિવારના રોજ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનના મુખમાંથી નીકળેલી વાણીનો ગ્રંથ જે વચનામૃત તેની ર૦૪મી જયંતી શ્રી સ્વામિનારાયણ – કુમકુમ – મંદિર – મણિનગર ખાતે ઉજવાશે. આ પ્રસંગે તેનું પૂજન,અર્ચન અને પઠન કરવામાં આવશે.
કુમકુમ મંદિરના શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે,આ પ્રસંગે સવિશિષ્ટ ૪ x ૩ ફૂટની વિશિષ્ટ વચનામૃતની કૃતિ તૈયાર કરવામાં આવેલ છે.તેનું પૂજન કરવામાં આવશે.
શ્રી સ્વામિનારાયણ ભગવાનના મુખમાંથી આ જે વાણી વહી તેનાં કુલ ર૭૩ વચનમૃતો છે.જેનો સંગ્રહ સદ્.શ્રી ગોપાળાનંદ સ્વામી, સદ્.શ્રી મુક્તાનંદસ્વામી,સદ્.શ્રી નિત્યાનંદસ્વામી, સદ્.શ્રી બ્રહ્માનંદ સ્વામી, સદ્.શ્રી શુકાનંદસ્વામી એ કર્યો છે.આ વચનામૃત હાલ સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી એમ ચારેય ભાષામાં ઉપલબ્ધ છે.તેથી આજેય અસંખ્ય માણસો તેનો લાભ લઈને કૃતાર્થ બને છે.આ વચનામૃતમ્ ગ્રંથ સૌને શીરાની જેમ ગળે ઉતરી જાય અને શ્રી સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતો સમજાય તે માટે શ્રીજીસંકલ્પમૂર્તિ શ્રી જીવનપ્રાણ અબજીબાપાશ્રીએ આ વચનામૃત ઉપર “રહસ્યાર્થ પ્રદીપિકાટીકા” કરી છે.
માગશર સુદ- ચોથના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનના મુખમાંથી જે વાણી વહી તેનો અદ્ભૂત ગ્રંથ વચનામૃતને ર૦૪ વર્ષ પૂર્ણ થશે. તેથી સારાય સત્સંગીઓ આ વચનામૃત વાંચે, વિચારે અને પોતાનું જીવન વધુ ઉદ્ધત બનાવે તે હેતુથી વચનામૃત સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટ્યુબ ચેનલ ઉપર મૂકવામાં આવશે. જેમાં આજના યુગની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવેલ છે. જેનો દેશ વિદેશના અનેક ભક્તો લાભ પ્રાપ્ત કરી શકશે.
આજથી ર૦૪ વર્ષ પૂર્વે શ્રી સ્વામિનારાયણ ભગવાનના સ્વમુખમાંથી “વચનામૃત” રૂપી વાણી અવતરી. ભાષાકીય સરળ શૈલી, દ્રષ્ટાંતસભર સચોટ શૈલી અને ઉપનિષદિક પ્રશ્નોત્તર શૈલીનું પ્રયાગ એટલે વચનામૃત.
વચનામૃત એટલે શ્રી સ્વામિનારાયણ ભગવાન અને તેમના પરમહંસો તથા હરિભક્તોની આદ્યાત્મિક ગોષ્ઠી.
શ્રી સ્વામિનારાયણ ભગવાન દિવસે કે રાત્રે જ્યારે પણ સભામાં વાતો કરતા તે પાંચ સંતો નોંધી લેતા. તેમાં સ્થળ, તિથિ, સમય, શ્રી હરિનો પહેરવેશ, પ્રશ્નોત્તરમાં સંમેલિત વ્યક્તિઓ વગેરે બાબતોનો ઐતિહાસિક પ્રમાણ સાથેનો આ વચનામૃત અદ્ભૂત ગ્રંથ છે.