કુમકુમ “આનંદધામ” ખાતે સંતમહિમા પર્વની ઉજવણી કરવામાં આવી

By: nationgujarat
29 Dec, 2023

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – આનંદધામ હીરાપુર ખાતે બાળકોમાં સારા સંસ્કારનું સિંચન થાય તે માટે સંત મહિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બાળકો અને યુવાનોએ સંત મહિમા ઉપર પ્રવચન કર્યાં હતા, અને ત્યારબાદ
શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી, શ્રી હરિવલ્લભદાસજી સ્વામી, શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીએ પણ જીવનમાં સંતોનું શું પ્રદાન છે ? સંતોનો શું મહીમા છે ? તે વિષય ઉપર તેમની વાણીનો સૌને લાભ આપ્યો હતો.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, કેટલીક વાર આપણને વડીલ સંતો અને હરીભક્તો કહેતાં હોય છે કે, નિત્ય મંદિરે જાઓ અને ભગવાનના સંતો, હરિભક્તો, સત્પુરુષોની સેવા કરવામાં ધન્ય ભાગ્ય માનો પણ ઘણાં યુવાનોને એમ થાય છે કે, આમ કંઈ સેવા કરવાથી શું મળી જતું હશે? એની માટે કામમાંથી કંઈ બ્રેક ન લેવાય, એ તો કોઈ દિવસ સમય મળશે તો કરીશું, પણ એવું નથી.

ભગવાનના સંતો હરિભક્તોની સેવાનું ફળ ખૂબ મોટું છે. એક વખત સંતોનું મંડળ ફરતું હતું. તેમાં ઘણાં દ્વેષવૃત્તિવાળા બાળકોએ સંતોને ખૂબ માર માર્યો. તેથી સંતો ચાલી શકે નહીં તેવા થઈ ગયા ત્યારે એક ગરીબ વ્યક્તિ ગામની બહાર ઝૂંપડી બાંધીને રહેતો હતો તેણે શાસ્ત્રોની અને લોકની મર્યાદા લોપેલી હોવાથી તેને નાત બહાર કરેલો હતો. તેણે સંતોને આવી હાલતમાં જોયા. તેથી સંતોને પોતાની ઝૂંપડીએ લઈ ગયો અને શેક તથા ઔષધી આદિથી સંતોની ખૂબ સેવા કરી. તેથી સંતોએ રાજી થઈને કલ્યાણ કરવાનો કોલ આપ્યો. ત્યારે તેણે સંતોને કહ્યું કે, મારા જેવો પાપી કોઈ નથી. મેં આવેશમાં આવીને એક હત્યા કરેલી છે. તેથી મને પાપ લાગેલ છે.

ત્યારે સંતો કહે કે, જે શ્રી સ્વામિનારાયણ ભગવાનના સંતો ભક્તોનો પક્ષ રાખે અને સેવા કરે તો તેના ગમે તેવા પાપ નાશ પામી જાય છે. તેથી તારું કલ્યાણ અવશ્ય થાશે. પછી તે વ્યક્તિ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દર્શને વડતાલ સમૈયામાં આવ્યો અને ભગવાનનાં દર્શન થતાં જ તેને સમાધિ થઈ ગઈ અને અક્ષરધામના દર્શનનાં સુખને પામ્યો.આમ, સંતોની સેવા કરવાથી પાપ નાશ પામી ગયા અને ભગવાનની પ્રાતિ થઈ ગઈ.

આપણા અહોભાગ્ય છે કે, આપણને સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી જેવા વિરલ સંતની સેવાનો લાભ મળ્યો હતો. જેમણે જેમણે એમની સેવા કરી છે, તેઓ આજે પણ આલોકમાં પણ સુખી છે અને અવશ્ય તેમને ભગવદ્‌ સુખની પ્રાપ્તિ થશે.


Related Posts

Load more