Dakor માં 11 મે પછી જશો તો થશે આટલો ખર્ચ! સેવા-પૂજાના દરોમાં ધરખમ વધારો

By: Nation Gujarat Team
08 May, 2026

Dakor: ખેડા જીલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં બિરાજતા રાજા રણછોડરાયજી (Ranchhodraiji) ના દર્શને આવતા શ્રદ્ધાળુઓ (Devotees) માટે હવે મનોરથ કરવા મોંઘા પડશે. ડાકોર ટેમ્પલ કમિટી (Dakor Temple Committee) દ્વારા વિવિધ સેવા પૂજા અને મનોરથના ભાવમાં મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે. ખાસ કરીને મંદિરમાં ધરાવવામાં આવતા રાજભોગ માટે હવે ભક્તોએ 7,500 રૂપિયા ચૂકવવા પડશે. આ સિવાય સામગ્રીના દરોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં 3 કિલો ઘી માટે પ્રતિ કિલો 615 રૂપિયા લેખે ચાર્જ વસૂલવામાં આવશે. આ નિર્ણયને પગલે સામાન્ય ભક્તોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.

ધજા રોહણના દરોમાં ફેરફાર

પ્રાપ્ત માહિતી અનુસાર મંદિરના શિખર પર ધજા ચઢાવવાની પરંપરા સાથે જોડાયેલા શુલ્કમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે મંદિરમાં ધજા ચઢાવવા માટે ન્યૂનતમ 2,500 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. જો ધજાની લંબાઈ 8 ફૂટથી વધુ હશે, તો ભક્તોએ 5,000 રૂપિયા ચૂકવવા પડશે. સૌથી મહત્વની વાત એ છે કે, આસ્થાના પ્રતીક સમાન બાવનગજની ધજા ચઢાવવા માટે હવે 11,000 રૂપિયાનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. મંદિર પ્રશાસન દ્વારા આ ભાવ વધારો આગામી 11 મેથી અમલી બનાવવામાં આવશે.

વિવિધ મનોરથો માટે 56 હજાર સુધીનો ખર્ચ

ટેમ્પલ કમિટી દ્વારા જાહેર કરવામાં આવેલી નવી યાદી મુજબ, અલગ-અલગ પ્રકારના મનોરથો માટેના ભાવ પણ વધારી દેવામાં આવ્યા છે. વિવિધ ધાર્મિક વિધિઓ અને વિશેષ પૂજાના મનોરથ માટે હવે ન્યૂનતમ 12,000 રૂપિયાથી લઈને મહત્તમ 56,000 રૂપિયા સુધીનો ખર્ચ (Expenditure) કરવો પડશે. મોંઘવારીના જમાનામાં પ્રસાદીની સામગ્રી અને વ્યવસ્થાપન ખર્ચને પહોંચી વળવા માટે કમિટી દ્વારા આ આર્થિક બોજ વધારવામાં આવ્યો હોવાનું મનાય છે. 11 મેથી લાગુ થનારા આ નવા દરોને કારણે હવે ડાકોરમાં માનતા કે મનોરથ પૂરા કરવા માટે ભક્તોએ આર્થિક રીતે વધુ સજ્જ રહેવું પડશે.


Related Posts

Load more