કોઈ તમને ફોટો-વીડિયો વાઇરલ કરીને બ્લેકમેઇલ કરે છે? ડરો નહીં, આ રીતે ફરિયાદ કરો

By: nationgujarat
04 Aug, 2023

થોડા દિવસ પહેલાં કર્ણાટકની એક કોલેજના બે વિદ્યાર્થીએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું હતું. આ આત્મહત્યા પાછળનું અસલી કારણે એ હતું કે બે મહિના પહેલાં બંનેનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં બંને કોલેજની છત પર વાંધાજનક સ્થિતિમાં જોવા મળ્યા હતા. વીડિયોના કારણે બદનામી થઈ હતી. અંતે, બંનેએ કંટાળીને આપઘાત કરીને જીવનનો અંત લાવી દીધો હતો. વીડિયો વાઇરલ કરનારી વ્યક્તિ અજાણી હતી.

આજે મને તમને જણાવીશું કે શું કોઈ પાસે તમારી જાણ વગર તમારો ફોટો લેવાનો કે વીડિયો બનાવવાનો અધિકાર છે? કાયદાને પણ સમજો. આ સાથે અમે તમને માહિતગાર કરીશું કે જો તમારા પરિવારમાં કોઈની સાથે આવી ઘટના બને છે, તો તમે તેમનો સામનો કેવી રીતે કરશો.

સૌપ્રથમ તો આપણે પ્રાઇવસી સાથે સંબંધિત 4 મુદ્દા સમજીએ…

  • રાઈટ ટુ પ્રાઇવસી: તમારી રૂટિન લાઈફમાં પણ કોઈ દખલ કરે એ જ રાઈટ ટુ પ્રાઇવસી છે. આ દરેક વ્યક્તિનો બંધારણીય અધિકાર છે. તમારા અથવા આપણા જીવનમાં કેટલીક ગોપનીયતા, એટલે કે ખાનગી ક્ષણ અને વાત હોય છે, જેમાં બીજું કોઈ દખલગીરી કરી શકતું નથી.
  • સન્માન : જો આપણે કોઈ અજાણી વ્યક્તિનો વીડિયો કે ફોટો લઈને વાઈરલ કરીએ તો એ કાયદાની નજરમાં ગુનો ગણાશે. ફોટો કે વીડિયો વાઇરલ કરવાથી તે વ્યક્તિની ગરિમાને ઠેસ પહોંચે છે. ભારતના દરેક નાગરિકને સન્માન સાથે જીવવાનો અધિકાર છે.
  • સામાજિક નુકસાનઃ વ્યક્તિનો વીડિયો કે ફોટો વાઇરલ કરવાથી સામાજિક રીતે નુકસાન થશે, એટલે કે સમાજમાં તેમનું માન ઘટી જશે. એ પણ એક પ્રકારનો ગુનો જ છે.
  • અકળામણ : વીડિયો કે ફોટો દ્વારા કોઈને માનસિક રીતે અથવા કોઈપણ રીતે શરમમાં મૂકી દેવું એ પણ ખોટું છે.

પ્રશ્ન: શાળા-કોલેજ, મોલ, રોડ કે પબ્લિક પ્લેસ પર કોઈપણ વ્યક્તિ તમને પૂછ્યા વગર તમારો વીડિયો બનાવે તો તમે તેની ફરિયાદ કરી શકો?
જવાબ:
 હા, ચોક્કસ તમે ફરિયાદ કરી શકો છો. જો કોઈએ તમારો ફોટો, વીડિયો, અંગત માહિતી પોસ્ટ કરી હોય અથવા તમારી જાણકારી વગર સોશિયલ મીડિયા પર તમારો વીડિયો અપલોડ કર્યો હોય, તો તમે તેને દૂર કરવા માટે કહી શકો છો.

જો તમે વીડિયો બનાવનારી વ્યક્તિ સુધી પહોંચી શકતા નથી અથવા તે વીડિયો હટાવવાનો ઇનકાર કરે છે, તો તમે પોલીસને તેની જાણ કરી શકો છો. શેર કરવામાં આવેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રિપોર્ટ કરવાનો વિકલ્પ છે. ત્યાં જઈને તરત ફરિયાદ કરો.

સવાલ: સોશિયલ મીડિયા પર ફોટા અને વીડિયો શેર કરવાની ફરિયાદ કોઈ સાંભળતું નથી કે પોલીસ પાસે જતાં ડર લાગે ​​છે, તો પછી શું કરવું અને ક્યાં જવું?
જવાબઃ
 જો તમે પોલીસ પાસે જવામાં શરમાતા હો તો સાયબર ફોરેન્સિક એક્સપર્ટની મદદ લો.

સાયબર લો એક્સપર્ટ સોનાલી ગુહા કહે છે કે જો કોઈનો ફોટો-વીડિયો ક્યાંક વાઈરલ થયો હોય અને તે વ્યક્તિ પોલીસ પાસે જવાનું ટાળી રહી હોય તો તે ફોરેન્સિક એક્સપર્ટની મદદ લઈ શકે છે, જેમાં વીડિયો કે ફોટો વાઈરલ થયો છે એ વેબસાઇટમાંથી દૂર કરવામાં તમારી મદદ કરી શકે છે.

આ સાથે સાયબર ફોરેન્સિક નિષ્ણાતો કેટલાક AI સ્કેનિંગ ટૂલ્સનો પણ ઉપયોગ કરશે, જે જણાવશે કે તમારા જેવા ચહેરાના ફોટા અને વીડિયો ક્યાં અને કયા સમયે અપલોડ કરવામાં આવ્યા છે.

આ એક પ્રકારની ફેસ ડિટેક્શન સિસ્ટમ છે. આ તમારા વાઇરલ ફોટો-વીડિયોને ઓળખવામાં મદદ કરે છે.

સવાલ: પૂછ્યા વગર ફોટો-વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા માટે શું સજા છે?
જવાબ:
 IT એક્ટ, 2000ની કલમ 66E ગોપનીયતાના ભંગ સાથે સંબંધિત છે. આ કલમ હેઠળ કોઈપણ વ્યક્તિની મંજૂરી વિના તેમના પ્રાઇવેટ એરિયા અથવા તેમનો ફોટો અથવા વીડિયો બનાવવો, પછી તેને સોશિયલ મીડિયા પર શેર કરવો એ દંડ પાત્ર ગુનો છે.

આઈટી એક્ટ, 2000ની કલમ 67 ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં અશ્લીલ કન્ટેન્ટના પ્રસારણને પ્રતિબંધિત કરે છે, જેમાં જાતીય અને લોકોને ભ્રષ્ટ કરતી કોઈપણ સામગ્રીનો સમાવેશ થાય છે.

જે આવું કરશે તે દોષિત સાબિત થશે. આ સ્થિતિમાં તેને 3 વર્ષ સુધીની જેલ અને બે લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંને થઈ શકે છે.

આ સિવાય જો કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયા પર બદનક્ષીભરી માહિતી શેર કરે છે તો તેની વિરુદ્ધ IPCની કલમ 499, 500 અને 501 (ગુનાહિત માનહાનિ)નો કેસ દાખલ થઈ શકે છે.

સવાલ: જો કોઈ તમારો વીડિયો કે ફોટો વાઈરલ કરે તો શું ધ્યાનમાં રાખવું જોઈએ?
જવાબ:
 પહેલા તો હિંમત રાખો, ગભરાશો નહીં અને આ 5 મુદ્દાનું પાલન કરો…

  • ઘણીવાર લોકો ડરી જાય છે અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે, એ ન કરો.
  • પરિવારને આખી વાત કહો, તેઓ ગુસ્સે થશે, પરંતુ તેઓ મદદ પણ કરશે.
  • વાઈરલ વીડિયો કે ફોટોનો સ્ક્રીનશોટ લેવાની ખાતરી કરો અથવા એને સેવ કરો.
  • જો તમને સોશિયલ મીડિયા સાઇટ પર ટેગ કરવામાં આવ્યા હોય, તો તમારી જાતને અનટેગ કરો.
  • ચોક્કસ વેબસાઈટ પર જઈને વીડિયો કે ફોટો ડિલિટ કરવાની ફરિયાદ કરો.

સવાલ: ડેટા ડિલિટ કર્યા પછી વીડિયો-ફોટો શેરિંગ પકડાય છે કે નહીં?
જવાબઃ
 સાયબર લો એક્સપર્ટ સોનાલી ગુહાનું કહેવું છે કે જો કોઈ વ્યક્તિ એવું વિચારે છે કે પ્રાઈવેટ વીડિયો-ફોટો શેર કરવા અને તેના ફોન તથા લેપટોપમાંથી ડેટા ડિલિટ કરવા જેવા ગુના કર્યા પછી તે પકડાશે નહીં તો એ વિચારવું ખોટું છે.

યાદ રાખો કે ફોરેન્સિક અને ડિઝાસ્ટર રિકવરી દ્વારા તમામ ડેટા રિકવર કરી શકાય છે.

ખાતરી કરો કે જ્યારે પણ આ ડેટા રિકવર કરવામાં આવે છે, ત્યારે નિષ્ણાત ત્યાં હાજર હોવા જરૂરી છે. જે એક સર્ટિફિકેટ આપે છે કે એક્સટ્રેક્ટ કરાયેલો ડેટા આ ડિવાઈસમાંથી જ મળ્યો છે.

પ્રશ્ન: શું કોઈપણ ડિવાઇસમાં લગાવવામાં આવેલા કેમેરાનો દુરુપયોગ થઈ શકે છે?
જવાબ:
 હા, ચોક્કસ, તમે ઉપયોગ કરો છો એ તમામ ડિવાઇસ ઇન્ટરનેટ સાથે જોડાયેલા છે, તેથી તેમના કેમેરાનો સરળતાથી દુરુપયોગ થઈ શકે છે.

કેમેરા હેકિંગથી બચવા માટે આ 5 ટિપ્સ અનુસરો

  • તમારા ડિવાઇસના કેમેરાને અમુક ટેપ વગેરે વડે કવર કરો. આ માટે બજારમાં વિવિધ પ્રકારનાં સ્ટિકરો પણ ઉપલબ્ધ છે.
  • નોંધ કરો કે ટેપ કર્યા બાદ તમારા ડિવાઇસને બંધ કરવામાં કોઈ સમસ્યા ઊભી થવી જોઈએ નહીં.
  • સારા અને ભરોસાપાત્ર એન્ટીવાઇરસનો ઉપયોગ કરો. સસ્તામાં પડશો નહીં.
  • અજાણી લિંક પર ક્લિક કરશો નહીં. અજાણ્યા સ્ત્રોતોમાંથી એપ્સ ડાઉનલોડ કરવાનું ટાળો.
  • માત્ર સુરક્ષિત Wi-Fi નો ઉપયોગ કરો.

હવે જાણીએ આ ઘટનાનું મનોવૈજ્ઞાનિક પાસું મનોચિકિત્સક પ્રિતેશ ગૌતમ પાસેથી
વાંધાજનક વીડિયો વાઇરલ થયા પછી વ્યક્તિની માનસિક સ્થિતિ એવી નથી હોતી કે તે વીડિયો ડિલિટ કરે અથવા સાયબર સેલમાં એની ફરિયાદ કરે. આ સ્થિતિમાં જો તમારી આસપાસ આવી કોઈ ઘટના બની રહી છે, તો વ્યક્તિને ખરાબ મૂડમાંથી બહાર કાઢવામાં આસપાસના લોકોની ભૂમિકા ખૂબ જ જરૂરી હોય છે.

પ્રશ્ન: આવી વ્યક્તિનું મન કેવી રીતે પ્રતિક્રિયા આપે છે?
જવાબ
 : જ્યારે કોઈ એવી ઘટના બને છે ત્યારે વ્યક્તિની માનસિક સ્થિતિને કારણે નિર્ણય લેવાની ક્ષમતા ગુમાવી બેસે છે. તે વ્યક્તિ પોતાને પ્રશ્ન પૂછે છે અને જવાબ પોતે જ શોધે છે અને જ્યારે તમારું મન આઘાતને કારણે મૂંઝવણમાં હોય છે, ત્યારે તે ખોટા નિર્ણયો લે છે.

જેને માનસિક આઘાત કહેવામાં આવે છે, જેમાં મન અને શરીર બંને અલગ-અલગ રીતે પ્રતિક્રિયા આપે છે. સ્ટ્રેસ હોર્મોન બહાર આવે છે જે યોગ્ય રીતે વિચારવા દેતા નથી.


Related Posts