Canada-India Conflict : કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકારે ભારત જતા મુસાફરોની વધુ તપાસ કરવાનો નિર્ણય પરત ખેંચી લીધો છે. કેનેડાના ટ્રાન્સપોર્ટ મંત્રીની ઓફિસે નિર્ણય પરત ખેંચાયો હોવાની જાહેરાત કરી છે. આ નવા નિયમો ગયા સપ્તાહે જ લાગુ કરાયા હતા. કેનેડાના પરિવહન મંત્રી અનિતા આનંદે ગયા સોમવારે કહ્યું હતું કે, કેનેડાથી ભારત જતા મુસાફરો માટે અત્યંત સાવધાની રાખવામાં આવી રહી છે. એર કેનેડા દ્વારા ભારત જતા મુસાફરોને એક નોટિસ પણ મોકલવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, કડક સુરક્ષાના આદેશ હેઠળ ભારત જતા તમામ મુસાફરોની વધુ તપાસ કરવાનો નિર્ણય લીધો હોવાથી તેમની આગામી ફ્લાઇટ્સમાં વિલંબ થવાની સંભાવના છે.
આ પહેલા કેનેડા સરકારે ભારત જતા મુસાફરોને ચિંતા વધારતો નિર્ણય લીધો હતો. સરકારે ગત સોમવારે ભારત આવતા મુસાફરોની વધુ સુરક્ષા તપાસ કરવાનો તેમજ તેમના સામાનનું એરપોર્ટ પર ખાસ સ્ક્રિનિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન એમ પણ કહ્યું હતું કે, આ સુરક્ષા કારણોસર મુસાફરોની તપાસમાં થોડો વધુ સમય આગશે. કેનેડાના પરિવહન મંત્રી અનિતા આનંદે સોમવારે સાંજે આ નિર્ણય વિશે વાત કરતા તેને નવા અસ્થાયી પ્રોટોકોલનો એક ભાગ ગણાવ્યો હતો, જેને ખૂબ જ સાવધાની પૂર્વક લાગુ કરવામાં આવ્યો છે.