ટીમ ઈન્ડિયાએ ગઈકાલે બાંગ્લાદેશ સામે 7 વિકેટે જીત મેળવીને વર્લ્ડ કપમાં સતત ચોથી જીત હાંસલ કરી છે. આ જીત સાથે જ ભારતે સેમિફાઈનલનું સ્થાન વધુ મજબૂત કર્યું છે. બાંગ્લાદેશે આપેલા 257 રનના ટાર્ગેટને ચેઝ કરવામાં ચેઝ માસ્ટરે વધુ એક સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ વન-ડે કરિયરની 48મી સદી અને ઈન્ટરનેશનલ કારકિર્દીની 78મી સદી પૂરી કરી છે. ક્રિકેટના કિંગે ક્રિકેટના ભગવાન ગણાતા સચિનના આ સદી સાથે જ ઘણા રેકોર્ડ્સ તોડ્યા છે.
ચાલો કોહલીએ બનાવેલા અથવા તોડેલા રેકોર્ડ્સ ઉપર નજર કરીએ…
1. વિરાટ સચિનના રેકોર્ડ તોડવાથી બે કદમ દૂર
ટીમ ઈન્ડિયાના સુપરસ્ટાર વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામે રનચેઝમાં વધુ એક સદી ફટકારતા વન-ડે કરિયરની 48મી સેન્ચુરી ફટકારી હતી. આ સદી સાથે જ તે સચિનના હાઇએસ્ટ સેન્ચુરીના રેકોર્ડની નજીક પહોંચી રહ્યો છે. કોહલી હવે સચિનના રેકોર્ડની બરાબરી કરવાથી એક સદી દૂર છે. ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે ODI ફોર્મેટમાં કુલ 49 સદી મારી છે. ત્યારે હવે કોહલી તેમનો આ રેકોર્ડ તોડવાથી માત્ર 2 સદી દૂર છે. અને બરાબરી કરવાથી એક સદી દૂર છે.2. વિરાટે 78મી ઈન્ટરનેશનલ સેન્ચુરી ફટકારી
વિરાટ કોહલી એક પછી એક સિદ્ધિઓ સર કરતો જાય છે. તે સદીઓ ઉપર સદીઓ ફટકારતો જાય છે. કોહલીએ ગઈકાલે 48મી ODI સેન્ચુરી તો પૂરી કરી જ હતી. આ સાથે જ તેણે 78મી ઈન્ટરનેશનલ સદી પૂરી કરી હતી. તે સૌથી વધુ સદીના મામલે બીજા નંબરે છે. આ લિસ્ટમાં પહેલાં નંબરે સચિન તેંડુલકર છે, જેમણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 100 સેન્ચુરી મારી છે. આ લિસ્ટમાં ત્રીજા નંબરે ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ છે, જેમણે 71 સદી ફટકારી છે.
3. કોહલીએ સચિનનો વધુ એક રેકોર્ડ તોડ્યો
બાંગ્લાદેશ સામે વિરાટ કોહલી (103* રન)એ તેની 48મી વન-ડે સદી ફટકારી. આ મેચમાં તેણે સૌથી ઝડપી 26 હજાર આંતરરાષ્ટ્રીય રન પણ પૂરા કર્યા છે. તેણે 567 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. કોહલી પહેલાં સચિન તેંડુલકરે 600 ઇનિંગ્સમાં આટલા રન બનાવ્યા હતા. વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે હવે ચોથા નંબરે આવી ગયો છે. તેણે શ્રીલંકાના મહેલા જયવર્ધનેને પાછળ છોડ્યો છે. શ્રીલંકાના લેજેન્ડ મહેલા જયવર્ધને કુલ 25, 957 રન બનાવ્યા છે. જ્યારે કોહલીએ તેને પાછળ છોડતા અને આ લિસ્ટમાં ચોથા નંબરે આવતા 26, 026* રન બનાવ્યા છે.
4. ICC ટુર્નામેન્ટમાં કોહલી સૌથી વધુ પ્લેયર ઑફ ધ મેચનો અવોર્ડ જીત્યો
વિરાટ કોહલીને બાંગ્લાદેશ સામે 103 રનની ક્લાસિક ઇનિંગ માટે પ્લેયર ઑફ ધ મેચનો અવોર્ડ મળ્યો હતો. તેણે ICC ટુર્નામેન્ટમાં 11મી વખત આ અવોર્ડ જીત્યો. આ સાથે, તે ICC ટુર્નામેન્ટમાં સૌથી વધુ વખત આ અવોર્ડ જીતનાર ભારતીય ખેલાડી બન્યો. તેણે ICC ટુર્નામેન્ટમાં 10 વખત પ્લેયર ઑફ ધ મેચ રહી ચૂકેલા સચિનનો રેકોર્ડ તોડ્યો હતો.
5. વિરાટે ICC ટુર્નામેન્ટમાં ખેલાડી તરીકે સૌથી વધુ મેચ જીતી
વિરાટ કોહલીએ ICC ટુર્નામેન્ટમાં ખેલાડી તરીકે તેની 53મી મેચ જીતી હતી. આ સાથે તે ICCની તમામ ટુર્નામેન્ટમાં સૌથી વધુ મેચ જીતનાર ભારતીય બન્યો છે. તેણે પૂર્વ કેપ્ટન અને લેજેન્ડ મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ તોડ્યો હતો, જે 52 જીતમાં સામેલ રહ્યા હતા.
6. ICC ટુર્નામેન્ટમાં રનચેઝમાં પહેલી સદી ફટકારી
વિરાટ કોહલીને આમ તો ચેઝ માસ્ટર કહેવાય છે, પરંતુ તેણે વર્લ્ડ કપમાં રનચેઝમાં પહેલીવાર સદી ફટકારી છે. કોહલી ICC ટુર્નામેન્ટમાં રનચેઝમાં અત્યાર સુધીમાં એકપણ વખત સદી ફટકારી શક્યો નહતો. આની પહેલાં 50 ઓવરની ICC ટુર્નામેન્ટમાં તેનો હાઇએસ્ટ સ્કોર ICC ચેમ્પિયન્સ ટ્રોફી-2017માં આવ્યો હતો. જે 96* રન હતો. આ 96* રન પણ સેમિફાઈનલમાં બાંગ્લાદેશ સામે આવ્યા હતા. પરંતુ તેણે બાંગ્લાદેશ સામે રનચેઝમાં સદી ફટકારતા આ ‘દિવાલ’ને તોડી પાડી હતી.
7. વર્લ્ડ કપમાં સૌથી વધુ સેન્ચુરી મારવાના મામલે પાંચમા સ્થાને
ક્રિકેટના કિંગ કહેવાતા કોહલીએ વર્લ્ડ કપની કુલ ત્રીજી સદી ફટકારી છે. તે વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી મારવાના મામલે ભારતીયોની લિસ્ટમાં પાંચમા નંબરે આવી ગયો છે. પહેલાં નંબરે રોહિત શર્મા છે, જેણે ટુર્નામેન્ટમાં કુલ 7 સદી ફટકારી છે. તો સચિન તેંડુલકર (6 સદી), સૌરવ ગાંગુલી (4 સદી) અને શિખર ધવન (3 સદી), અનુક્રમે બીજા, ત્રીજા અને ચોથા નંબરે છે.