Ind Vs Pak -કુલદીપ ની બોલીંગ સામે પાકના બેટર ડુલ, ભારતની સૌથી મોટી જીત

By: nationgujarat
11 Sep, 2023

ભારતે વન-ડેના ઈતિહાસમાં પાકિસ્તાન સામે સૌથી મોટી જીત હાંસલ કરી છે. ટીમે એશિયા કપની સુપર-4 મેચમાં પાકિસ્તાની ટીમને 228 રનથી હરાવ્યું હતું. આ પહેલા આ રેકોર્ડ 104 રનનો હતો જે ભારતે 2008માં મીરપુર મેદાનમાં બનાવ્યો હતો.

આવી રીતે પડી પાકિસ્તાનની વિકેટ…

પહેલી: જસપ્રીત બુમરાહ પાંચમી ઓવરમાં રાઉન્ડ ધ વિકેટથી બોલિંગ કરવા આવ્યો હતો. તેણે બીજા બોલ આઉટ-સ્વિંગરને ઑફ સ્ટમ્પની બહાર સારી લેન્થ પર ફેંક્યો. ઇમામ ડિફેન્ડ કરવા ગયો, પરંતુ આઉટ સાઇડ એડ્જ વાગતા બીજી સ્લિપમાં ઊભેલા શુભમન ગિલે કેચ કર્યો હતો.

બીજી: 11મી ઓવરના ચોથા બોલે હાર્દિક પંડ્યાએ ઇન સ્વિંગર નાખ્યો, જેને કેપ્ટન બાબર આઝમ રમી ન શક્યો અને બોલ્ડ થયો હતો.

ત્રીજી: 12મી ઓવરના ચોથા બોલે શાર્દૂલ ઠાકુરે લેન્થ બોલ નાખ્યો, જેમાં આઉટ સ્વિંગ થતા રિઝવાન ડિફેન્ડ કરવા જતા એડ્જ વાગી અને વિકેટકીપર કેએલ રાહુલે કેચ કર્યો હતો.

ચોથી: 20મી ઓવરના બીજા બોલે કુલદીપ યાદવે ફખર ઝમનને ફ્લાઇટર નાખ્યો, જેને ઝમનને સ્લોગ સ્વિપ મારવા ગયો, પણ મિસ થઈ જતા બોલ્ડ થયો હતો.

પાંચમી: 24મી ઓવરે કુલદીપ યાદવે આગા સલમાનને LBW આઉટ કર્યો હતો. આગા સલમાન કુલદીપના બોલ પર સ્વિપ શોટ મારવા ગયો, પણ મિસ થઈ જતા આઉટ થયો હતો.

છઠ્ઠી: 28મી ઓવરના ચોથા બોલે કુલદીપ યાદવે બોલ નાખ્યો જેને શાદાબ ખાને લોંગ ઓન પર શોટ માર્યો, પણ ટાઇમિંગ ના હોવાથી ત્યાં ઊભેલા શાર્દૂલ ઠાકુરે કેચ કરી લીધો હતો.

સાતમી: 30મી ઓવરના ત્રીજા બોલે કુલદીપ યાદવે સીધો બોલ નાખ્યો, જેને ઇફ્તિખાર અહેમદ શોટ મારવા જતા બોલર કુલદીપે જ કેચ કર્યો હતો.

આઠમી: કુલદીપ યાદવે પાંચમી સફળતા મેળવતા 32મી ઓવરે શાહીન શાહ આફ્રિદીને બોલ્ડ કર્યો હતો.

ટીમ ઈન્ડિયાની ઇનિંગ…પાકિસ્તાન સામે સર્વોચ્ચ સ્કોરની બરાબરી કરી
ટીમ ઈન્ડિયાએ રિઝર્વ ડે પર 50 ઓવરમાં 2 વિકેટે 356 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ પોતાની કારકિર્દીની 47મી ODI સદી ફટકારી હતી. તેણે 94 બોલમાં 122 રનની અણનમ ઇનિંગ રમી હતી. કેએલ રાહુલે પોતાની કારકિર્દીની છઠ્ઠી ODI સદી ફટકારી છે. તેણે 106 બોલમાં 111 રનની અણનમ ઇનિંગ રમી હતી.

ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ વન-ડેમાં પોતાના સર્વોચ્ચ સ્કોરની બરાબરી કરી લીધી છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ 2005માં વિશાખાપટ્ટનમમાં પાકિસ્તાન સામે 356/9 રન બનાવ્યા હતા.

એશિયા કપમાં પાકિસ્તાન સામે ભારતનો આ સૌથી મોટો સ્કોર પણ છે. આ પહેલા 2012માં ભારતે મીરપુર મેદાન પર 330 રન બનાવ્યા હતા. તે મેચમાં કોહલીએ 183 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે 84 બોલમાં સદી ફટકારી હતી. તેણે શાહીન આફ્રિદીના બોલ પર સિંગલ લઈને તેની વન-ડે કારકિર્દીની 47મી સદી ફટકારી હતી. ત્રણેય ફોર્મેટમાં આ તેની 77મી સદી હતી, તેના નામે ટેસ્ટમાં 29 સદી અને T20માં એક સદી છે.

કોહલીએ ઇનિંગમાં 98મો રન લેતાની સાથે જ પોતાની વન-ડે કરિયરના 13 હજાર રન પણ પૂરા કરી લીધા હતા. તે ભારત માટે 13 હજાર રન બનાવનાર બીજો ભારતીય બન્યો છે. માત્ર સચિન તેંડુલકર જ તેના કરતા આગળ છે. વન-ડેમાં સચિનના નામે 18426 રન છે.


Related Posts

Load more