IND VS PAK: અમદાવાદમાં ભારત પાકિસ્તાન મેચમાં ટીમ ઈન્ડિયા નહીં પહેરે ભગવો ડ્રેસ, BCCIએ આપ્યું કારણ

By: nationgujarat
10 Oct, 2023

ભારતમાં વર્લ્ડકપ 2023ની ધમાકેદાર શરૂઆત થઇ ચુકી છે. તેમજ ભારતે પોતાની વર્લ્ડકપ યાત્રા ઓસ્ટ્રેલિયા સામે જીત નોંધાવીને શરુ કરી છે. એક તરફ ફેન્સ વર્લ્ડકપને લઈને ઉત્સાહિત છે, તો બીજી તરફ ભારતીય ક્રિકેટરોને કેસરિયા આઉટફિટમાં જોતાં ફેંન્સમાં ચર્ચા ચાલી રહી છે કે પાકિસ્તાન સામે અમદાવાદ ખાતે રમાનારી મેચમાં ભારતીય ખેલાડીઓ ભગવા રંગના ડ્રેસમાં મેદાને ઉતરશે. ત્યારે BCCIએ આ બાબતે મહત્વનું નિવેદન આપીને ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.

દાવો કરાઈ રહ્યો હતો કે, રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમ આગામી 14 ઓક્ટોબરે અમદાવાદમાં પાકિસ્તાન વિરુદ્ધ રમાનારી મેચમાં બ્લ્યુ કલર સિવાયની અન્ય કેસરી કીટમાં મેદાને ઉતરી શકે છે. ત્યારે BCCIએ આ અહેવાલોને નકારી કાઢ્યા છે. BCCIએ કહ્યું છે કે ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ વર્લ્ડકપ 2023માં પાકિસ્તાન સામેની મેચમાં અલગ કીટ પહેરશે નહીં.

BCCIના ખજાનચી આશિષ શેલારે ન્યુઝ એજન્સી ANI સાથે વાત કરતાં જણાવ્યું કે, “ટીમ ઇન્ડિયા પાકિસ્તાન સામેની મેચમાં ઓપ્શનલ કીટ પહેરશે તેવા મીડિયા અહેવાલોને અમે ફગાવીએ છીએ. આ રિપોર્ટ્સ પાયાવિહોણા છે અને આ કોઈકની કલ્પનાં માત્ર છે. મેન ઈન બ્લુ ભારતના રંગોમાં રમશે– Blue at ICC Cricket World Cup 2023.”

જણાવી દઈએ કે વર્ષ 2019ના વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે ઓરેન્જ સ્લીવ્સવળી ડાર્ક બ્લુ શેડ્સની અલગ કીટ પહેરી હતી. જોકે, આ વખતે આવું કંઈ કરવાની યોજના નથી.


Related Posts