સુરત-સનગ્રેસ હોસ્પિટલની લિફ્ટ પહેલા અને બીજા માળે ફસાતા 10 લોકોના જીવ તાળવે ચોંટ્યા

By: nationgujarat
31 Aug, 2023

સુરતમાં ગત મોડીરાત્રે સનગ્રેસ હોસ્પિટલની લિફ્ટ પહેલા અને બીજા માળની વચ્ચે ફસાઈ હતી. આથી અંદર રહેલા 10 લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે ફાયરબ્રિગેડને જાણ કરતા ટીમ દોડી આવી હતી અને પહેલા અને બીજા માળ વચ્ચે કોંક્રિટની દીવાલ તોડી હતી. તેમજ લિફ્ટનું પણ પતરૂવ કાપી બાકારૂ બનાવી તમામ લોકોને સહી સલામત બહાર કાઢ્યા હતા. જોકે આ ઘટનામાં 2 કલાક સુધી લોકો લિફ્ટની અંદર જ ફસાઈ રહેતા તમામના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે, બહાર નિકળતા જ તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ફાયર વિભાગના દિલધડક ઓપરેશનથી આજે મોટી દુર્ઘટના થતા રહી ગઈ છે.

હોસ્પિટલ માટે લિફ્ટનો ઉપયોગ થતો
સુરત મહાનગરપાલિકાના ફાયર કંટ્રોલરૂમને મોડીરાત્રે 3:30 વાગ્યે કોલ મળ્યો હતો કે, વેસુ વિસ્તારમાં અલથાણા કેનાલ રોડ પર આવેલ ટાઈમ વર્લ્ડ કોમર્શિયલ બિલ્ડિંગમાં આવેલી સનગ્રેસ હોસ્પિટલની લિફ્ટ પહેલા અને બીજા માળની વચ્ચે ફસાઈ છે. લિફ્ટમાં 10 લોકો પણ ફસાયા છે. આથી ફાયરબ્રિગેડની વેસુ ફાયર સ્ટેશનની ટીમ અધિકારીઓ સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી.

અડધો કલાક લિફ્ટ ખોલવા પ્રયાસ કર્યો પણ સફળતા ન મળી
ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા પ્રથમ અને બીજા માળ વચ્ચે લીફ્ટ ફસાયેલી જોવા મળી હતી. તેમજ લિફ્ટમાં 10 લોકો પણ જોવા મળ્યા હતા. આ લિફ્ટનો ઉપયોગ ત્રીજા માળે આવેલી સનગ્રેસ હોસ્પિટલ માટે જ થતો હતો અને પહેલા તથા બીજા માળે દુકાનો આવેલી છે. ફક્ત હોસ્પિટલ માટે જ આ લીફ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. લિફ્ટ બંધ થયાની જાણ હોસ્પિટલના સંચાલક દ્વારા લિફ્ટ કંપનીના ટેક્નિશિયનને પણ કરી હતી. તેઓ પણ દોડી આવતા અંદાજિત અડધા કલાક સુધી લિફ્ટ ઉપર લાવવા અને ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં સફળતા મળી નહોતી.

લિફ્ટ ન ખુલતા દીવાલ તોડવી પડી
ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું હતું કે હોસ્પિટલની લિફ્ટમાં લોકો ફસાયા હોવાનું જાણવા મળતા જ ઘટનાની ગંભીરતાને લઈને તાત્કાલિક અમારી ટીમ ઘટનાસ્થળ ઉપર પહોંચી ગઈ હતી. લિફ્ટ નહીં ખુલતા આખરે અમારે ટીમે પ્રથમ અને બીજા માળે વચ્ચે આવેલી કોંક્રિટ દીવાલને તોડી પાડી હતી બાદમાં લિફ્ટમાં ફસાયેલા તમામ લોકોને સહી સલામત બહાર કાઢ્યા હતા. તમામને રેસ્ક્યુ કરતા અંદાજિત 2 કલાક જેટલો સમય લાગ્યો હતો.

Related Posts

Load more