અમદાવાદ-ગાંઘીનગર ભારે વરસાદ (RAIN), રાત સુધીમાં અડધો ઇંચ વરસાદ

By: nationgujarat
17 Sep, 2023

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 4 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. જેમાં મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં મોડી રાત્રે 3 વાગ્યાથી સવારે છ વાગ્યા સુધીમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. તો અમદાવાદમાં વહેલી સવારથી ઠંડા પવન સાથે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. શહેરમાં હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો છે. તો બીજી તરફ રાજકોટમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ 11:45 વાગ્યાની આસપાસ વરસાદી ઝાપટું વરસતા વાતાવરણમાં ઠંડક ફરી વળી હતી અને રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. આ ઉપરાંત છેલ્લા 24 કલાકથી એકધારા પડી રહેલા વરસાદનાં પગલે ગોધરા શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને શહેરના મધ્યમાં આવેલ મેશરી નદી બંને કાંઠે વહેતા આજુબાજુ કિનારાઓમાં રહેતા લોકોના મકાનો પાણીમાં તરબોળ થયા હતા.

શહેરમાં હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે અમદાવાદ શહેરમાં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે. રાત્રે 3 વાગ્યાથી વહેલી સવારે છ વાગ્યા સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ત્રણ કલાકમાં સરેરાશ અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. વહેલી સવારે પણ શહેરના વિવિધ વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં વહેલી સવારથી ઠંડા પવન સાથે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. શહેરમાં હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો છે અને આજે રવિવારની રજા હોવાથી મોટાભાગના લોકો ઘરે હોવાને પગલે વાતાવરણનો આનંદ મેળવી રહ્યાં છે.

સાબરમતી નદીના ચાર ગેટ ખોલાયા
વહેલી સવારે ત્રણ વાગ્યાથી છ વાગ્યા સુધીમાં શહેરના રાણીપ, આશ્રમ રોડ, વાડજ, ઉસ્માનપુરા, પાલડી, એલિસબ્રિજ, ચાંદલોડિયા, નિર્ણયનગર, દુધેશ્વર અને શાહીબાગ વિસ્તારમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે ઓઢવ, રખિયાલ, વિરાટનગર, રામોલ, મેમકો, જોધપુર, સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સાબરમતી નદીના ચાર જેટલા ગેટ ખોલવામાં આવ્યા છે. બે ગેટ એક ફૂટ અને બીજા બે ગેટ બે ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે. શહેરમાં વરસાદી વાતાવરણ હાલમાં જોવા મળી રહ્યું છે.

અમદાવાદમાં બે જગ્યાએ વૃક્ષ ધરાશાયી
મોડી રાત્રે વરસાદના કારણે શહેરના ડીકેબીન વિસ્તારમાં આવેલી બંસીધર સોસાયટીમાં વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની હતી. જ્યારે મણીનગર વિસ્તારમાં એલજી હોસ્પિટલમાં વૃક્ષ પડ્યું હતું. જેને લઇ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડ દ્વારા વૃક્ષને કાપી અને હટાવવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

રાજકોટમાં લાંબા સમય બાદ વરસાદનું આગમન
રાજકોટ શહેરમાં આજે વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. સવારથી સૂર્યનારાયણ વાદળો વચ્ચે છુપાયા હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. 11:45 કલાકે શહેરનાં રેસકોર્સ, યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, એરપોર્ટ રોડ તેમજ ફૂલછાબ ચોક સહિતનાં વિસ્તારોમાં વરસાદી ઝાપટું વરસ્યું હતું. જેને લઈને રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા અને વાતાવરણમાં ઠંડક ફરી વળી હતી.

વરસાદી ઝાપટાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર અને જિલ્લામાં પણ લાંબા સમયથી વરસાદ વરસ્યો નથી. જેને લઈ ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. મગફળીનું વાવેતર મોટા પ્રમાણમાં થયું હોય વરસાદ નહીં પડતા ઉભા પાકને નુકસાન થવાની દહેશત હાલ ખેડૂતોમાં જોવા મળી રહી હતી. ત્યારે વરસાદી ઝાપટું વરસતા ફરી જગતના તાતને આશા જાગી છે. અને મેઘરાજા મહેર વરસાવી મુરજાતી મોલાતને નવજીવન આપે તે પ્રાર્થના ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે.

ગોધરા શહેરના મધ્યમાંથી પસાર થતી મેસરી નદી બે કાંઠે
છેલ્લા 24 કલાકથી એકધારા પડી રહેલા વરસાદનાં પગલે ગોધરા શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ઠેર ઠેર પાણી ભરાયાની બૂમો ઉઠવા પામી છે. જ્યારે ગોધરા શહેરના મધ્યમાં આવેલ મેશરી નદી બંને કાંઠે વહેતા આજુબાજુ કીનારાઓમાં રહેતા લોકોના મકાનો પાણીમાં તરબોળ થયા હતા. બીજી બાજુ મેશરી નદીના પટમાં પાણીનો પ્રવાહ ધીમે ધીમે વધતો જઈ રહ્યો છે. ત્યારે ગમે ત્યારે નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો ગરકાવ થયા તેવી પૂરેપૂરી શક્યતા જોવાઇ રહી છે. ત્યારે લાગતા વળગતા તંત્ર નદી કાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવે તે આવશ્યક બન્યું છે.

રસ્તા પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને મુશ્કેલી
મઘ્ય ગુજરાતમાં આવેલા પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં એકાએક વાતાવરણમાં પલટો આવતાં વરસાદ ખાબક્યો હતો. આજે ગોધરા શહેરમાં કાળા ડીબાંગ વાદળો સાથે જ વરસાદ વરસી રહ્યો છે. ગોધરા શહેરમાં સર્વત્ર પાણી..પાણીની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના પગલે જનજીવન પણ પ્રભાવિત થયું છે. ગોધરામાં વરસી રહેલા ભારે વરસાદના પગલે બાઈક પર જઈ રહેલા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રેઈન કોટ પહેર્યા હોવા છતાં બાઈક પર જતાં લોકોને ભીંજાઈ જવાનો વારો આવે તે પ્રકારે વરસાદ પડી રહ્યો છે. રસ્તા પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગોધરા વિસ્તારમાં આવેલી નીચાણવાળી સોસાયટીમાં પણ પાણી ઘૂસી જવાની ફરિયાદ સામે આવી છે.

પાનમ નદી બે કાંઠે વહેતી થઈ
પંચમહાલ જિલ્લાના તમામ તાલુકામાં 24 કલાકથી મેઘરાજાએ સવારી શરૂ કરી હતી. ગોધરા શહેરમાં વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. જિલ્લાના મોરવા હડફ તાલુકામાં પણ વરસાદ પડ્યો હતો. જેમાં મોરવા તાલુકામાંથી પાનમ નદી પસાર થાય છે. તેના ઉપરવાસમાં વરસાદને કારણે નવા નીર આવ્યા હતા. જેના કારણે પાનમ નદી બે કાંઠે વહેતી થઈ હતી. આજે એકધારા પડેલા વરસાદને પગલે ગોધરાની જિલ્લા પંચાયત ઓફિસની ચારે તરફ પાણી ફરી વળ્યાં હતાં. જેના લીધે રસ્તામાં અવરજવર કરતા રાહદારીઓ અને વાહનચાલકોને પાણીમાંથી પસાર થવા મજબૂર બનવું પડ્યું હતું. સતત 24 કલાક સુધી અવિરત ચાલુ રહેલા વરસાદના લીધે ગોધરા શહેરમાં આવેલા અંકલેશ્વર મહાદેવ, લાલબાગ બસ સ્ટેન્ડ, ભુરાવાવ વિસ્તાર, શહેરા ભાગોળ, સિંધુરી માતા મંદિર, આદ્ય મહેશ્વરી સોસાયટી, સિંધી ચાલી ખાડી ફળિયા, ચિત્રાખાડી તેમજ અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતાં. તો કેટલાક વિસ્તારોમાં ગટરલાઈન બ્લોક થઈ જતાં ગંદું પાણી રોડ ઉપર રેલાવા લાગ્યું હતું. એને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આમ, પંચમહાલ પંથકમાં પ્રસરી જવા પામી હતી.

ધોધમાર વરસાદથી સોસાયટી વિસ્તારોમાં પાણી ઘૂસ્યું
પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય ઉકળાટ અને ગરમીના લીધે શહેરવાસીઓ ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. ત્યારે છેલ્લા 24 કલાક સુધી ગોધરાનગરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. શ્રીકાર વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં તરબોળ થઈ ગયા હતા. ગોધરા શહેરના આદ્ય મહેશ્વરી સોસાયટી અને વાલ્મીકિવાસ ખાતે પસાર થતી વરસાદી કાંસની કેનાલમાં સતત 24 કલાક સુધી ચાલુ રહેલા અવિરત વરસાદને પગલે સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. ગોધરા શહેરના સિંદુરી માતા મંદિર પાસે આવેલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સબયાર્ડ પાસે પસાર થતી વરસાદી કાસની કેનાલમાં નગરપાલિકા તંત્ર દ્વારા પ્રી-મોન્સૂન કામગીરી હાથ ન ધરતાં ખેતીવાડી ઉત્પન્ન બજારના મેઇન ગેટ આગળ કચરાઓની ભરમાળાઓ જામ થઈ ગયેલી કેનાલમાં નજરે પડી રહી હતી. જે ખુદ પ્રી-મોન્સૂન કામગીરી સામે સવાલ ઊભા કરે છે.

અંડરપાસ બ્રિજમાં વરસાદી પાણી ભરાયાં
ગોધરામાં આવેલા શહેરા ભાગોળ રેલવેફાટક પાસે નિર્માણ પામી રહેલા અંડરપાસ બ્રિજમાં આજે સવારે સતત 24 કલાક સુધી પડી રહેલા વરસાદના પગલે બ્રિજની અંદર પાણી ભરાઈ ગયાં હતાં. જ્યારે બીજી તરફ અનરાધાર વરસાદને પગલે અંડરપાસ બ્રિજની બાજુમાં જાણે ધોધ વહી રહ્યો હોય એમ પાણી અંડરપાસ બ્રિજમાં પડી રહ્યું હતું.

ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
ગોધરા શહેરના શહેરા ભાગોળ પેટ્રોલ પંપ પાસે 24 કલાકથી શરૂ થયેલા વરસાદના પગલે ચારે બાજુ પાણી જ પાણી ભરાયાં હતાં. જેના લીધે સવારે શાકભાજીનો ધંધો કરતા પથારાવાળાઓને ધંધો કરવા માટે ભારે હાલાકી ભોગવી પડી હતી. ગોધરા શહેરના ખાડી ફળિયા વિસ્તારમાં આવેલા રામેશ્વર નગર ખાતે આજે સવારે પડેલા અનરાધાર વરસાદના પગલે આખી સોસાયટીમાં પાણી ફરી વળ્યાં હતાં. જેના લીધે જનજીવન પ્રભાવિત બન્યું હતું. જ્યારે ચારેબાજુ વરસાદનાં પાણી ભરાવાને લીધે સોસાયટીના લોકોને બહાર નીકળવું અને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડી હતી.

પંચમહાલ જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો હતો
ગોધરા-193 મીમી
હાલોલ-105 મીમી
કાલોલ-72 મીમી
મોરવા હડફ-253મીમી
જાંબુઘોડા-158મીમી
શહેરા -243મીમી

રેલવે લાઈન પર પાણી ભરાયાં
મૂશળધાર વરસાદને કારણે વેસ્ટર્ન રેલવેમાં રેલવે વ્યવહારને ગંભીર અસર થવા પામી છે. ભારે વરસાદને કારણે ગોધરા રેલવે સ્ટેશને રેલવેના લાઈનમાં પાણી ભરાઈ જવાના કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. જેના કારણે મુસાફરો અટવાયા હતા.


Related Posts