સાળંગપુરધામ, 31 ઓગસ્ટ 2026: પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે ભક્તિમય અને અલૌકિક માહોલ જોવા મળ્યો હતો. શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના ગર્ભગૃહમાં ‘શિવલિંગ થીમ’ આધારિત વિશેષ શિવસ્વરૂપ શણગાર કરવામાં આવ્યો હતો. હનુમાન દાદાના આ અનોખા શિવસ્વરૂપના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.
પ.પૂ. શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ સોમવાર, તા. 31 ઓગસ્ટના રોજ શ્રીકષ્ટભંજનદેવ મંદિરના ગર્ભગૃહમાં આ વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને ભગવાન શિવના સ્વરૂપમાં વિશેષ શણગારવામાં આવ્યા હતા. દાદાને રૂદ્રાક્ષની માળાઓ, વાઘામ્બર તથા મસ્તક પર અર્ધચંદ્ર ધારણ કરાવવામાં આવ્યો હતો. સાથે જ ત્રિશૂળ અને ડમરૂ સાથે દાદાનું શિવસ્વરૂપ ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
‘નમઃ શિવાય’ લખેલા વિશેષ વાઘા સાથે દાદાનો શણગાર કરવામાં આવ્યો હતો, જેનાથી સમગ્ર ગર્ભગૃહમાં શિવમય વાતાવરણ સર્જાયું હતું.
શ્રીકષ્ટભંજનદેવ મંદિરના ગર્ભગૃહને પણ ‘શિવલિંગ થીમ’ને અનુરૂપ ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું. ગર્ભગૃહમાં શિવલિંગ, ત્રિપુંડ અને ત્રિશૂળની આકૃતિઓ તૈયાર કરવામાં આવી હતી. સમગ્ર શણગારને કારણે મંદિર પરિસરમાં ભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો અનુભવ ભક્તોને થયો હતો.
સોમવારે વહેલી સવારે 5:45 કલાકે પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. આરતી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દિવ્ય શિવસ્વરૂપના દર્શનનો લાભ લીધો હતો.
દાદાના આ અનોખા અને અલૌકિક શિવસ્વરૂપના દર્શન માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અનેક ભક્તોએ મંદિર ખાતે પ્રત્યક્ષ દર્શન કર્યા હતા, જ્યારે મોટી સંખ્યામાં ભક્તોએ ઓનલાઈન માધ્યમથી પણ દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
શ્રાવણ માસ દરમિયાન શ્રી નિલકંઠ મહાદેવ મંદિર ખાતે વિશેષ ધાર્મિક આયોજન પણ કરવામાં આવ્યું છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા વિધિવત્ શિવપૂજન કરવામાં આવશે.
આ શિવપૂજન સવારે 7:00 કલાકથી સાંજે 6:00 કલાક સુધી ચાલુ રહેશે. શ્રાવણ માસમાં સાળંગપુરધામની મુલાકાતે આવતા ભક્તો માટે આ ધાર્મિક આયોજન વધુ એક આધ્યાત્મિક આકર્ષણ બની રહ્યું છે.
શ્રાવણના પવિત્ર માસમાં હનુમાન દાદાના શિવસ્વરૂપના આ દિવ્ય દર્શનથી સાળંગપુરધામ ‘હર હર મહાદેવ’ અને ‘જય શ્રીકષ્ટભંજનદેવ’ના ભક્તિમય ભાવથી ગુંજી ઉઠ્યું હતું.