Israel Hamas War :ઇઝરાયલને હમાસની ધમકી … સપનામાં પણ નહી વિચારે તેવો બદલો લેવાશે

By: nationgujarat
12 Oct, 2023

ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ જેમ જેમ  સમય પસાર થઇ રહ્યો છે તે સાથે વધુ તીવ્ર બની રહ્યું છે. ઈઝરાયેલ ગાઝા પટ્ટીમાં વિસ્ફોટો કરી રહ્યું છે, પરંતુ હવે સીરિયાના બે એરપોર્ટ પણ ઈઝરાયેલના ફાઈટર પ્લેનના નિશાના પર છે. ઈઝરાયેલે દમિસ્ક અને અલેપ્પોના એરપોર્ટ પર બોમ્બમારો કર્યો છે. એવું માનવામાં આવે છે કે ઈઝરાયેલની આ કાર્યવાહી ઈરાનથી હિઝબુલ્લાહને મળી રહેલ હથિયારોના કન્સાઈનમેન્ટને રોકવા માટે છે.

આ દરમિયાન હમાસે ઈઝરાયેલને ચેતવણી આપી છે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ઈઝરાયેલને નષ્ટ કરવા માટે 15 પોઈન્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. વાસ્તવમાં, ઓપરેશન અલ અક્સા બાદ હમાસે હવે શુક્રવારે અલ અક્સા ઓપરેશનની જાહેરાત કરી છે. હમાસના હુમલાખોરોએ ટીવી માટે એક વીડિયો સંદેશ જાહેર કર્યો છે. જેમાં તેણે કહ્યું કે, ગાઝામાં ઈઝરાયેલ દ્વારા બાળકો અને મહિલાઓની હત્યાનો બદલો લેવા માટે હમાસ શુક્રવારે મોટો હુમલો કરવા જઈ રહ્યું છે. તેણે કહ્યું કે શુક્રવારે તે એવો બદલો લેશે કે ઇઝરાયલે સપનામાં પણ નહીં વિચાર્યું હોય.

હમાસ અલ-કુદ્સ બ્રિગેડે જેરુસલેમ, ડોડો, બેરશેબા, અશ્કેલોન, નેટીવોટ અને સેડેરોટ પર 130 મિસાઈલો સાથે મોટા હુમલાની જાહેરાત કરી છે.

હમાસે વધુમાં કહ્યું કે અમે હવે ઈઝરાયેલને નષ્ટ કરવા અને અલ અક્સા મસ્જિદ પરના તેના ગેરકાયદે કબજાને ખતમ કરવા માટે 15 મુદ્દાની યોજના તૈયાર કરી છે. અમે અલ અક્સા ઓપરેશન પર ઈઝરાયેલને પહેલા જ પરેશાન કરી દીધું છે અને હવે ઈઝરાયલને શુક્રવારે હમાસ દ્વારા અલ અક્સા ઓપરેશન માટે તૈયાર રહેવાની ચેતવણી આપવા માંગીએ છીએ.

આ પહેલા પણ લેબનાન અને સીરિયા સમયાંતરે હમાસને મદદ કરતા રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી આતંકી સંગઠન હિઝબુલ્લાહ પણ ઈઝરાયેલ વિરુદ્ધ ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી રહ્યું છે. મે 2021 માં થયેલા સંઘર્ષમાં, ઇઝરાયેલ પર લેબનાન, સીરિયા અને ઇરાક દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ વર્ષની શરૂઆતમાં પણ લેબનાને ઈઝરાયેલ પર રોકેટ છોડ્યા હતા. જો કે, અત્યાર સુધી ઈઝરાયેલના ઉત્તરીય ક્ષેત્રમાં નાના-મોટા હુમલાઓ થઈ રહ્યા છે. પરંતુ વર્તમાન સંઘર્ષ પણ 2006માં થયેલા યુદ્ધ જેવો છે. જે ફરી એકવાર મધ્ય પૂર્વને યુદ્ધમાં ધકેલી શકે છે.


Related Posts

Load more