ગુજરાતના આ મંદિરમાં માતાજીને ચઢે છે ચટાકેદાર ભોગ, પ્રસાદમાં મળે છે પિત્ઝા-બર્ગર અને હોટડોગ-પાણીપુરી

By: nationgujarat
07 Aug, 2023

Gujarat Tourism : ગુજરાતમાં ભાત ભાતના અનોખા મંદિર આવેલા છે. કેટલાક મંદિર એવા છે, જેમાં લપસિયા ખાવા પડે છે, તો કેટલાકમા મીઠાની બાધા રાખવી પડે છે. તો એક મંદિરમાં પથરીનો દુખાવો દૂર થાય છે. આવા વધુ એક અનોખા મંદિર વિશે જાણીએ. જ્યાં મંદિરમા પ્રસાદ તરીકે પિત્ઝા, બર્ગર, હોટડોગ તેમજ પાણીપૂરીનો ભોગ ચઢાવાય છે. આ મંદિર રાજકોટમાં આવેલું છે. રાજકોટના જીવંતિકા મંદિરમાં માતાજીને આ પ્રકારની પ્રસાદી ચઢાવવામાં આવી છે.

પ્રખ્યાત બન્યું જીવંતિકા માતાનું મંદિર
અનોખી પ્રસાદીને કારણે હાલ રાજકોટનું જીવંતિકા માતાનું મંદિર ચર્ચામાં આવ્યું છે. કારણ કે, અહી જીવંતિકા માતાને પ્રસાદીમાં સુખડી કે લાડુ નથી ચઢતા. પરંતુ પિત્ઝા, બર્ગર, હોટડોગ તેમજ પાણીપૂરીનો ભોગ ધરાવાય છે. મંદિરમાં આરતી થાય એટલે બાળકોને ચટાકેદાર પ્રસાદ અપાય છે. આ કારણે અહી મોટી સંખ્યામાં બાળકો પ્રસાદ લેવા આવતા હોય છે. મંદિરમાં પ્રસાદીમાં કોલ્ડ્રીંગ પણ આપવામાં આવે છે. તો ક્યારેક બાળકોને ભેળ, વડાપાઉ, સેન્ડવીચ જેવી વસ્તુઓ પણ અપાય છે.

કેમ ચઢાવાય છે આવો ભોગ
આવી પ્રસાદી વિશે મંદિરના આચાર્ય એઇમપ્રસાદ દવે જણાવે છે કે, અત્યારે કળિયુગ છે. જીવંતિકા માતા ખાસ બાળકોના માતાજી છે. આ કારણે બાળકોની પ્રિય વસ્તુ માતાજીને ધરાવવામાં આવે તો માતાજી પણ ખુશ થાય છે. આપણે જેમ આપણા બાળકોને પ્રિય વસ્તુ આપીએ તો બાળકો સાથે સાથે તેના માતા-પિતા પણ ખુશ થાય છે. તેવી રીતે માતાજીને બાળકોની પ્રિયવસ્તુ પ્રસાદરૂપે ધરવામાં આવે તો માતાજી પણ ખુશ થાય છે. અત્યારના બાળકોને ભેળ, વડાપાઉં, સેન્ડવિચ, હોટડોગ, પાણીપુરી અને પિઝા ભાવે છે. જેને લઈને અમે માતાજીને આ અવનવી વાનગીઓ ધરાવીએ છીએ.

આ મંદિર લગભગ 60 વર્ષ જેટલુ જૂનું છે. કહેવાય છે કે, જીવંતિકા માતા ભક્તોની ઈચ્છા પૂર્ણ કરે છે. અનોખી પ્રસાદીને કારણે હવે દેશવિદેશમાં જીવંતિકા માતાનું મંદિર ફેમસ બની ગયું છે. વિદેશમાં પણ રહેતા લોકો આ જીવંતિકા માતાની માનતા માને છે. અને જો બાધા પૂરી થાય તો વિદેશથી ચોકલેટ, બિસ્કીટના પાર્સલ માતાને મોકલે છે. અનેક લોકો ભક્તિથી જીવંતિકા માતાની માનતા માને છે. તો બાળકો માટે આ મંદિર હોટફેવરિટ બની ગયું છે. ખાસ કરીને માતા પોતાના સંતાનો માટે જીવંતિકા માતાની માનતા માનતા હોય છે. જેથી તે બાધા પૂરી થાય તો મંદિરમાં આવી પ્રસાદી ચઢાવે છે. આમ, આવો ચટાકેદાર પ્રસાદ ખાવા માટે અનેક બાળકો મંદિર જતા હોય છે. મહિલાઓ પોતાના બાળકોના લાંબા આયુષ્ય માટે જીવંતિકા માતાની પૂજા કરતી હોય છે. તેમજ વ્રત પણ કરતી હોય છે.


Related Posts

Load more