મધ્ય ગુજરાતમાં વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લામાં નર્મદા નદીમાં પૂર આવ્યું છે. સરદાર સરોવર ડેમમાંથી 18 લાખ ક્યુસેક પાણી છોડાતા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કર્યા હતા કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવવા માટે સરદાર સરોવર ડેમને છલોછલ ભરવામાં આવ્યો હતો.ઉજવણીના ભાગરૂપે એક સાથે પાણી છોડાતા આસપાસના ગામડાની જમીનો ધોવાઈ અને રહેણાંક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. ભાજપની આ નૌટંકી સરકારે વડાપ્રધાનને વ્હાલા થવા માટે આ પગલું લીધું હતું. તેના કારણે નર્મદા અને આસપાસના વિસ્તારોના લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.
બબ્બે માળ સુધી નર્મદાના પાણી ચડી ગયા
રાજ્યસભા સાંસદ અને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કરીને જણાવ્યું હતું કે, અત્યંત દુઃખની વાત છે કે ભરૂચના નર્મદા ડેમમાંથી 17 લાખ ક્યુસેકથી વધારે પાણી એક સાથે છોડવામાં આવ્યું છે. 18.2 લાખ ક્યુસેક પાણી એકસાથે છૂટ્યું છેલ્લે અને એના કારણે ભરૂચના નર્મદાના નીચેના વિસ્તારોમાં બે-બે માળ સુધી પાણી ચડી આવ્યા. લોકોની તબાહી થઈ ગઈ છે. ગામડાંમાં જે ખેડૂતો હતા એના ખેતરો સંપૂર્ણ બરબાદ થઈ ગયા છે. આ ખેતરો નવસાધ્ય પણ ન થઈ શકે એટલી હાલત ખરાબ છે. અને આ થવાનું એ કારણ છે કે આજે વડાપ્રધાનનો જન્મદિવસ છે અને એ જ દિવસે નર્મદાનો ડેમ ફૂલ થયો, પાણીના વધામણાં કર્યા, મુખ્યમંત્રીએ જઈને પૂજન કર્યુ, આ નાટક કરવા માટે થઈને છેલ્લા અઠવાડિયાથી પાણી વધતું હતું.
ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, ટર્બાઈન બંધ કરી દીધા એના બદલે થોડું થોડું પાણી છોડ્યું હોત તો આ તબાહી ન થઈ હોત. લોકોને આટલી મુશ્કેલી પડી ન હોત. હું વિનંતી કરીશ. કદાચ વડાપ્રધાન, હું નથી માનતો કે વડાપ્રધાનને પણ આ ખબર હોય આ મામલે. પરંતુ ગુજરાતની ભાજપની સરકાર નૌટંકી કરવા માટે અથવા વડાપ્રધાનને વ્હાલા થવા માટે આ પ્રકારે લોકોના જીવ જોખમમાં મૂકાય, લોકોની સંપૂર્ણ જમીનો ધોવાઈ જાય, તબાહી થઈ જાય આ પ્રકારનું કામ ન થવું જોઈએ. ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી નૌટંકી કરવા આવું ન કરે એવી જરૂર આશા રાખીશ.
ચાણોદમાં નર્મદા નદીનાં પાણી ફરી વળ્યાં
નર્મદા નદીમાં ઘોડાપૂરની સ્થિતિને પગલે તીર્થધામ ચાણોદ પાણી-પાણી થઈ ગયું છે. ચાણોદની હાલત એટલી હદ સુધી ગંભીર બની ગઈ છે કે, છેલ્લા 24 કલાકથી ગામમાં વીજળી ડૂલ, લોકોના ઘર બે માળ સુધી પાણીમાં ગરકાવ અને રાતથી ગ્રામવાસીઓ અને તેમના બાળકો ભૂખથી ટળવળી રહ્યા હોય તેવો માહોલ છે. લોકોની દુકાનોનો માલસામાન પાણીમાં પલળી ગયો છે અને અમુક સામાન પાણીમાં વહી ગયો છે. દિવ્ય ભાસ્કરની ટીમ ચાણોદની આ સ્થિતિનું નિરિક્ષણ કરવા પહોંચી તો લોકોએ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી અને સરકાર સમક્ષ મદદની માંગ કરી હતી.