મોંઘવારીનો વિકાસ વધ્યો – અદાણી CNGના ભાવમાં એક જ દિવસમાં ₹4.45નો વધારો

By: Nation Gujarat Team
23 Oct, 2026

દિવાળીના તહેવાર પહેલાં જ અમદાવાદમાં CNG વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. અદાણી CNGના ભાવમાં એક જ દિવસમાં પ્રતિ કિલો 4.45 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તહેવારો દરમિયાન લોકો ખરીદી અને મુસાફરીનું આયોજન કરી રહ્યા છે, ત્યારે આ ભાવ વધારાથી CNG આધારિત વાહનચાલકોને તેની અસર થવાની છે. રોજિંદી કમાણીમાંથી ગેસનો ખર્ચ કાઢતા રિક્ષાચાલકો માટે આ ભાવવધારો આર્થિક બોજ વધારનારો બનશે અને દિવાળી દરમિયાન બજેટ પણ ખોરવાઈ શકે છે.

છેલ્લે ઓગસ્ટ 2026માં પણ એક સાથે ચાર રુપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જેના કારણે પ્રતિ કિલો અદાણી CNGનો ભાવ 94.2 રૂપિયાનો હતો, જો કે ફરી એક વાર 4.45 રુપિયાનો વધારો કરવામાં આવતા હાલ નવો ભાવ 98.47 રૂપિયા પર પહોંચી ગયો છે.

અગાઉ ભાવવધારા સામે રિક્ષા ચાલકોમાં નારાજગી હતી અગાઉ પણ અદાણી દ્વારા CNGના ભાવમાં વધારો થતાં અમદાવાદમાં રિક્ષાચાલકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ગેસના ભાવમાં સતત વધારો થતો હોવા છતાં રિક્ષાના ભાડામાં તે પ્રમાણે વધારો થતો નથી, તેવી રજૂઆતો રિક્ષાચાલકો દ્વારા કરવામાં આવી હતી. પરંતુ વાહન વ્યવહાર કમિશનર સાથે બેઠક કર્યા બાદ ભાડામાં વધારો કરવાની છૂટ આપવામાં આવી હતી. પરંતુ તે સમયે પણ રિક્ષા ચાલકોને જોઈએ તેટલો ભાડામાં વધારો મંજૂર કરવામાં આવ્યો ન હતો. તેમજ ઓનલાઈન એપ્લિકેશન દ્વારા પણ ભાડામાં કોઈ વધારો કરવામાં ન આવતા બંધ પાળી વિરોધ કર્યો હતો. પરંતુ તેમ છતાં રિક્ષા ચાલકોની માંગણીઓ સ્વીકારવામાં ન આવતા અત્યારે ભારત ટેક્સી સિવાય તમામ ઓનલાઇન એપ્લિકેશનનો બહિષ્કાર કરી રિક્ષા ચાલકો સવારી ભરી રહ્યા હતા.

રિક્ષા ચાલકો પર આર્થિક બોજ વધી શકે પેટ્રોલ અને ડીઝલની સમકક્ષ CNGના ભાવ પહોંચી જતા દૈનિક મુસાફરી કરતા વાહન ચાલકો, રિક્ષા ચાલકો અને કેબ ડ્રાઈવરોનું દિવાળી દરમિયાન બજેટ ખોરવાઈ શકે છે. તેમજ ભાડામાં પણ પૂરતો વધારો કરવામાં ન આવતા હવે રિક્ષા ચાલકોને ઘર ચલાવવું પણ મુશ્કેલ બની જવાનું છે.

અદાણી ગેસને બીજા ક્વાર્ટરમાં ₹173 કરોડનો નફો અદાણી ટોટલ ગેસે આ વર્ષના બીજી ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કરી દીધા છે. કંપનીને 173 કરોડ રૂપિયાનો નફો થયો છે. ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન કંપનીને 163 કરોડ રૂપિયાનો નફો થયો હતો, એટલે કે આ વખતે નફામાં આશરે 5.9%નો વધારો થયો છે. કંપનીની આવક પણ 34% વધીને 2109 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન કંપનીની આવક 1,576 કરોડ રૂપિયા રહી હતી. CNG અને ઘરોમાં રસોઈ માટે વપરાતા PNGની માગ વધવાને કારણે કંપનીની કમાણીમાં આ તેજી જોવા મળી છે.

એક વર્ષમાં અદાણી ટોટલ ગેસનો શેર 11 ટકા ઘટ્યો અદાણી ટોટલ ગેસનો શેર આજે 0.70% ઘટીને 555 રૂપિયા પર બંધ થયો. આ શેર છેલ્લા એક વર્ષમાં 11% ઘટી ગયો છે. રિસર્ચ એનાલિસ્ટ વિરાટ જગદના અનુસાર, જ્યાં સુધી શેર ₹582ને પાર ન કરે ત્યાં સુધી તેમાં નવી ખરીદીથી બચવું જોઈએ. 2026-27ના પ્રથમ ત્રિમાસિક (એપ્રિલ-જૂન)માં કંપનીનો નફો 14.2% ઘટીને ₹141.7 કરોડ રહ્યો, જે એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિકમાં ₹165.2 કરોડ હતો. જ્યારે ઓપરેશનલ આવક 27.3% વધીને ₹1,907 કરોડ પર પહોંચી હતી.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score