ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત

By: nationgujarat
20 Feb, 2025

Gujarat Budget News | ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ આજે ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કરશે. કનુ દેસાઈ ચોથું બજેટ રજૂ કરવાના છે.

કયા મુદ્દાઓ પર મૂકાશે ભાર? 

આ વખતે બજેટમાં કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને સિંચાઇની બાબતો જેવા મુદ્દાઓ પર ભાર મુકવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ  ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થઈ ગઇ હતી.  રાજ્યપાલે 37 મિનિટના ભાષણમાં રાજ્યના વિકાસના અનેક પાસા રજૂ કર્યા હતાં.

બજેટ અંગે ઋષિકેશ પટેલનું નિવેદન.. 

રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું કે આ વખતે ગુજરાતનું વધારા સાથેનું બજેટ રજૂ કરવામાં આવશે. ગુજરાતની આશાઓ અને અપેક્ષાઓ પર બજેટ ખરું ઉતરશે. દરેક ક્ષેત્રને આવરી લેતું બજેટ રજૂ કરવામાં આવશે. જેમાં દરેકની આશાઓને ધ્યાનમાં રાખવામાં આવી છે.

આ વખતનું બજેટ 11 ટકા વધુ હોવાનો અંદાજ 

નાણા મંત્રી કનુભાઈ આ વખતે બજેટમાં લગભગ 11 ટકાનો વધારી શકે છે. જેથી આ વખતનું બજેટ લગભગ પોણા ચાર લાખ કરોડની રકમને આંબી શકે છે. જ્યારે બીજી બાજુ થોડા દિવસ પહેલા જ રાજ્યમાં 9 મહાનગરપાલિકાઓ અને 1 નવા જિલ્લા અંગે જાહેરાત કરવામાં આવી હતી જેને લઇને પણ બજેટમાં મહત્ત્વની જાહેરાત કરવામાં આવી શકે છે.

ગત વર્ષનું બજેટ 3,32,465 કરોડનું હતું 

ગયા વર્ષે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ વિધાનસભામાં 2024-25નું બજેટ રજૂ કર્યું હતું. રાજ્ય સરકારે જે બજેટ 2024-25 રજૂ કર્યું હતું એ ઐતિહાસિક કુલ 3 લાખ 32 હજાર 465 કરોડનું બજેટ હતું. ત્યારે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ તેમનું ત્રીજુ બજેટ રજૂ કર્યું હતું.

ગુજરાતનું પહેલું બજેટ કોણે રજૂ કર્યું હતું? 

1 મે 1960ના રોજ મહારાષ્ટ્રથી ગુજરાત અલગ થયું. ત્યારપછી ગુજરાતનું પહેલું બજેટ ડૉ. જીવરાજ મહેતાએ રજૂ કર્યું હતું. તે સમયે ડૉ. જીવરાજ મહેતા મુખ્યમંત્રી પણ હતા અને નાણાંમંત્રીનો હોદ્દો પણ તેમની પાસે જ હતો. ગુજરાતનું પહેલું બજેટ 22 ઓગસ્ટ 1960 ના રોજ અમદાવાદ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.

પેપરલેસ બજેટ રજૂ કરાશે

 

ગુજરાત વિધાનસભામાં આજે નાણાંકીય વર્ષ 2025-26નું પેપરલેસ બજેટ રજૂ કરાશે. આ બજેટમાં કુલ 10 જેટલી નવી જાહેરાતો પણ કરાઈ શકે છે. વર્ષ 2024-25ના ખર્ચના પૂરક પત્રક પણ રજૂ થશે.

વિપક્ષની કેવી છે તૈયારી? 

ગુજરાત વિધાનસભામાં આ બજેટ સત્ર લગભગ દોઢ મહિનો ચાલશે. જેમાં વિપક્ષે પણ સરકારે ઘેરવાની તૈયારી કરી રાખી છે જેમાં વિપક્ષ દ્વારા જમીન કૌભાંડ, ખ્યાતિકાંડ, ભરતી કાંડ સહિતના વિવિધ મુદ્દે સરકારે ઘેરવાનો પ્રયાસ કરશે.

બજેટ પર ગૃહમાં 4 દિવસ ચર્ચા થશે 

આ વખતે કનુભાઈ દેસાઈ પર રજૂ કરવામાં આવનારા સામાન્ય બજેટ પર ગૃહમાં 4 દિવસ ચર્ચા થશે. નોંધનીય છે કે ગુજરાત સરકારનું આ વર્ષનું બજેટ 3.72 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. સત્રના પ્રથમ દિવસે બે મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવશે. પહેલું બિલ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (નોંધણી અને નિયમન) (સુધારા) બિલ 2025 છે. જ્યારે બીજું બિલ ગુજરાત સ્ટેટ ફિઝીયોથેરાપી કાઉન્સિલ (રદ) બિલ 2025 છે.


Related Posts

Load more