પ્રદિપસિંહ વાઘેલા અંગે ભાજપનું નિવેદન સામે આવ્યું છે. ભાજપના મહામંત્રી રજની પટેલે પ્રદિપસિંહ અંગે સત્તાવાર નિવેદન આપતાં કહ્યું કે, પ્રદિપસિંહ વાઘેલાએ એમના વ્યક્તિગત કારણોસર પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, એમને પક્ષમાં કામ કરવામાં હાલ અનુકૂળતા નથી એવું કારણ આપ્યું છે. પક્ષને પ્રદિપસિંહ વાઘેલા બાબતે કોઈ ફરિયાદ મળી નથી. એમને કમલમમાં આવવા પર પ્રવેશબંધીની વાત પાયાવિહોણી હોવાનું જણાવ્યું હતું.
ગુજરાતના રાજકારણના સમીકરણોમાં બદલાવનો પવન જોવા મળી રહ્યો છે. હવે ભાજપમાંથી પાટીલ જૂથના નેતાઓ ટાર્ગેટ બની રહ્યાં છે. એવામાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે, ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું છે. છેલ્લા ચાર પાંચ દિવસથી રાજીનામાની ચાલી રહેલી ચર્ચા વચ્ચે છેવટે સમર્થન મળ્યું છે.
સુત્રો પરથી મળતી માહિતીમાં જાણવા મળ્યું છે કે, જમીન કૌભાંડને લઈ ભાંડો ફૂટતા રાજીનામું લેવાયું છે. પાર્ટીમાં કૌભાંડની અને અનેક બીજી ફરિયાદ મળી હતી, જેમાં અમુક પાર્ટીના નેતા અને કાર્યકરોને અવગણનાની ફરિયાદ પણ મળી હતી તેમજ તેમના સાથીદારોને અન્ય ઘણા કેસોમાંથી બહાર બચાવવાની ફરિયાદો પણ હાઇકમાન્ડને મળી હતી. ફરિયાદનો પોટલો દિલ્હી પહોંચ્યો અને રાજીનામું લઈ લેવા આદેશ આપ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
આ સિવાય જીમિત શાહ સામે ફરિયાદ અને તપાસ અંગે નિવેદન આપતાં કહ્યું કે, જીમિત શાહ પક્ષના કાર્યકર હોય પગલાં લેવાશે કે કેમ તે અંગે ફરિયાદ બાદ પોલીસ તપાસમાં જે ખુલશે એ પછી પક્ષ નક્કી કરશે. હાલ પાર્ટી દ્વારા જીમિત શાહના રાજીનામું સ્વિકારવામાં આવ્યું હોવાની પ્રદેશ મહામંત્રી રજની પટેલની સ્પષ્ટતા કરી હતી.