ગીર સોમનાથ: સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં વર્ષોથી નારિયેળનું વાવેતર થતું આવ્યું છે, પરંતુ તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લો લીલા નાળિયેરના ઉત્પાદનમાં આગવું સ્થાન ધરાવતો બન્યો છે. આ વિસ્તારમાં દરિયાકાંઠાની ભેજવાળી પરિસ્થિતિ, જમીનની ફળદ્રુપતા અને યોગ્ય પોષણને કારણે નારિયેળનું વાવેતર સતત વધી રહ્યું છે. હાલમાં જિલ્લામાં અંદાજે 10,915 હેક્ટરમાં નારિયેળનું વાવેતર થાય છે, જ્યારે દર વર્ષે 1થી 2 વર્ષમાં સરેરાશ 150 એકર જેટલા નવા વાવેતરમાં વધારો થઈ રહ્યો છે.બાગાયત અધિકારી કે.પી. સોજીત્રાની માહિતી અનુસાર, પ્રતિ હેક્ટરે લગભગ 91,225 નારિયેળનું ઉત્પાદન થાય છે. આ આંકડા દર્શાવે છે કે જિલ્લામાં ઉત્પાદન ક્ષમતા સતત વધી રહી છે. ખેડૂતો હાઈબ્રિડ નારિયેળની જાતો અપનાવી રહ્યા છે, જેના કારણે ઉત્પાદનમાં વધારો જોવા મળે છે. ગુજરાતમાં નારિયેળનો મુખ્ય ઉપયોગ પીવા માટેના લીલા નાળિયેર તરીકે થાય છે, જ્યારે ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યોમાં તેનો ઉપયોગ મુખ્યત્વે ફળ અને રસોઈ માટે થાય છે.ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, ઉના અને કોડીનાર તાલુકા નાળિયેરના વાવેતર માટે જાણીતા છે. આ વિસ્તારોમાં જમીન ખૂબ જ ફળદ્રુપ છે અને દરિયાકાંઠાની ઠંડક તથા ભેજવાળા પવન વૃક્ષોને ઉત્તમ પોષણ આપે છે, જેના કારણે અહીંથી સૌથી વધુ નાળિયેરનું ઉત્પાદન થાય છે. ગીર સોમનાથનું મુખ્ય ધાર્મિક અને પર્યટન કેન્દ્ર એટલે સોમનાથ મંદિર, જ્યાં દરરોજ હજારો યાત્રાળુઓ, ભાવિકો અને પર્યટકો આવે છે. સોમનાથ મંદિરની આજુબાજુ લગભગ 50 થી 60 જેટલી રેકડીઓ અને દુકાનો પર લીલા નાળિયેરનું વેચાણ થાય છે. સ્થાનિક વેપારીઓ જણાવે છે કે સામાન્ય દિવસોમાં રોજના 30 રિક્ષા જેટલું નાળિયેર વેચાય છે, જ્યારે તહેવારો કે રજાના દિવસોમાં આ આંકડો 40 થી 50 રિક્ષા સુધી પહોંચે છે.
સોમનાથ ગૌરીકુંડ ચેકપોસ્ટ પાસે નાળિયેરની રેકડી ધરાવતા મનસુખભાઈ જણાવી રહ્યા છે કે યાત્રાળુઓ અહીંથી લીલા નાળિયેર પીવાથી વિશેષ સંતોષ અનુભવે છે. ઘણા યાત્રાળુઓ રાધનપુર, ભિલોડા, તેમજ ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના વિસ્તારોમાંથી આવતા હોય છે અને પરત જતા સમયે નાળિયેર સાથે લઈ જવાનું પસંદ કરે છે. આ રીતે નાળિયેરનું વાવેતર ફક્ત કૃષિ કે ઉત્પાદન પૂરતું જ નથી રહ્યું, પરંતુ તે સીધું પર્યટન અને સ્થાનિક આર્થિક પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલું છે.નાળિયેરના વધતા વાવેતરે ખેડૂતોને નવી આવકનું સ્ત્રોત પૂરું પાડ્યું છે. ખાસ કરીને હાઈબ્રિડ નાળિયેરના વાવેતરથી સરેરાશ પ્રતિ વૃક્ષ વધુ નાળિયેર મળે છે. એકવાર વૃક્ષ તૈયાર થઈ જાય પછી, વર્ષોથી સતત ઉત્પાદન મળતું રહે છે, જેના કારણે ખેડૂતોને લાંબા ગાળાની સ્થિર આવક મળે છે. ઉપરાંત, સ્થાનિક સ્તરે નાળિયેરનું વેચાણ હોવાથી, ખેડૂતોને યાર્ડ કે મોટી માર્કેટ પર આધાર રાખવાની જરૂર પડતી નથી.ગીર સોમનાથ જિલ્લામાં નાળિયેરનું વાવેતર સતત વધી રહ્યું છે. આવનારા વર્ષોમાં હવામાનની અનુકૂળતા અને પર્યટન સ્થળો પર વધતી માંગને ધ્યાનમાં રાખીને નાળિયેરનું વાવેતર અને ઉત્પાદન વધુ તેજીથી વધશે. રાજ્ય સરકાર અને કૃષિ વિભાગ દ્વારા યોગ્ય માર્ગદર્શન, ઉત્તમ જાતોના વિતરણ અને પાણી વ્યવસ્થાપન જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લો દેશના અન્ય રાજ્યોની સરખામણીએ લીલા નાળિયેરના ઉત્પાદનમાં આગવું સ્થાન મેળવી શકે છે.