ગિફ્ટ સિટીમાં શૂટ સ્પેસના MD ઉત્પલ પટેલનું 400 કરોડનું કૌભાંડ

By: Nation Gujarat Team
13 May, 2026

રાજ્યના આર્થિક હબ ગણાતા ગિફ્ટ સિટીમાંથી એક મોટું રોકાણ કૌભાંડ સામે આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીએ ટેરાબાઈટ ડેટા સ્પેસમાં રોકાણના નામે ગુજરાત, હરિયાણા અને ગોવા સહિતના અંદાજે 33,000થી વધુ રોકાણકારો સાથે 400 કરોડનું કૌભાંડ આચાર્યું

આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ઉત્પલ પટેલ મૂળ અરવલ્લી જિલ્લાનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. તેણે ગિફ્ટ સિટીમાં આલીશાન ઓફિસ ખોલી અને ભવ્ય ઇવેન્ટ્સ યોજીને લોકોનો પોતાની તરફ આકર્ષયા હતા. કંપનીએ રોકાણકારોને લોભામણી સ્કીમ આપી હતી કે, જો તેઓ ડેટા સ્પેસમાં રોકાણ કરશે તો તેમને દર મહિને 5% જેટલું માતબર વળતર આપવામાં આવશે. રોકાણકારોના જણાવ્યા મુજબ, શરૂઆતના તબક્કામાં વળતર સમયસર આપીને કંપનીએ લોકોનો વિશ્વાસ જીત્યો હતો. આ જોતા ઘણા લોકોએ 5 લાખથી લઈને 3 કરોડ જેવી મોટી રકમ રોકી દીધી હતી. જોકે છેલ્લા બે મહિનાથી પેમેન્ટ બંધ થઈ જતાં રોકાણકારોના જીવ અધ્ધર થઈ ગયા છે.

પીડિત રોકાણકાર મેહુલભાઈ શાહના જણાવ્યા અનુસાર, ઉત્પલ પટેલ છેલ્લા કેટલાય દિવસથી સંપર્ક વિહોણો થયો છે. અગાઉ જ્યારે તે વાત કરતો હતો, ત્યારે રોકાણકારોને ધમકાવતો હતો કે જો પોલીસ ફરિયાદ કે કેસ થશે તો તેને તકલીફ પડશે અને જો તેને તકલીફ પડશે તો કોઈને પૈસા પાછા નહીં મળે. હાલમાં તે ફરાર હોવાની આશંકા છે. અરજદારોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે આ શખ્સ હજુ પણ અટક્યો નથી. તેણે વધુ એક નવી વેબસાઈટ શરૂ કરી છે, જેમાં ક્રિપ્ટો કરન્સી મારફતે 1,000 ઉઘરાવવામાં આવી રહ્યા છે. આ મામલે સ્થાનિક પોલીસ અને સાયબર ક્રાઇમમાં અરજીઓ કરવામાં આવી છે.

આજે 40થી વધુ રોકાણકારોએ CID ક્રાઇમના ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. અધિકારીઓએ જણાવ્યું છે કે, જો DGP કક્ષાએથી આદેશ મળશે તો આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા કાયદેસરની તપાસ હાથ ધરીને સત્તાવાર રીતે ફરિયાદ નોંધવામાં આવશે. રોકાણકારોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી તેમના પૈસા પરત નહીં મળે ત્યાં સુધી તેમની લડત ચાલુ રહેશે. વધુમાં ભાવેશપુરી ગોસ્વામીએ કહ્યુ કે, અમે લોકલ પોલીસ સ્ટેશનમાં તો એક અરજી આપેલી હતી. એ અરજીના આધારે અમારી તપાસ તો ચાલુ થઈ ગઈ છે. પણ અહીંયા અમે આર્થિક ગુના નિવારણ શાખામાં અમારું મળવાનું કારણ એ હતું કે આ એક વન ટાઈમ પોન્ઝી સ્કીમ છે. એટલે આમાં પૈસા ઉઘરાવ્યા, અમુક રકમ પાછી આપી પછી વધારે પૈસા ઉઘરાવવાનું શરૂ કર્યું. આ રીતે કરીને લગભગ 35,000 લોકોનું આમાં ઇન્વોલ્વમેન્ટ છે. એટલે હવે બધા લોકોને ન્યાય મળે એના માટે અમે અહીંયા મળવા માટે આવ્યા હતા. આર્થિક ગુના નિવારણ શાખામાં અમારી અરજી ફોરવર્ડ થઈને આનું જેટલું બને એટલું ફાસ્ટ કામ થાય.

અંદાજે જોવા જઈએ તો એક ટેરાબાઈટ પ્રમાણે 38,000થી 39,000 ઉઘરાવતા હતા. 95,000 ટેરાબાઈટ છે. એટલે લગભગ બધાનું 400 થી 500 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ હશે. હજુ પૈસા ઉઘરાવવાની પ્રક્રિયા એના તરફથી ચાલુ છે. એટલે અમને ન્યાય મળે, બધા નાના-નાના માણસો છે જેના માટે અમે અહીંયા આવ્યા છીએ.


Related Posts

Load more