ભાવભીની આંખે બાપ્પાને વિદાય,ઢોલ-નગારાં સાથે ગણપતિ વિસર્જન

By: nationgujarat
28 Sep, 2023

દસ દિવસ સુધી બાપ્પાને રંગચંગે પૂજી, આરાધના કરી ગુજરાતીઓએ ધામધૂમપૂર્વક ગણેશ મહોત્સવ ઊજવ્યો. આજે અંતિમ દિવસે ગુજરાતભરમાં લોકો ગણેશ વિસર્જન કરી રહ્યા છે. ગુજરાતનાં ચાર મોટાં શહેરોમાં સવારથી જ ભાવિકો ગણેશ વિર્સજન કરી રહ્યા છે. અમદાવાદ અને રાજકોટમાં ઢોલ-નગારાં સાથે ગણપતિ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. જ્યારે સુરતમાં ડુમ્મસના દરિયે કૃત્રિમ તળાવમાં ભાવિકો ભાવભીની આંખે ગણપતિ વિસર્જન કરી રહ્યા છે. બીજી તરફ વડોદરામાં એક પરિવારે ઘરમાં જ ગણપતિ વિસર્જન કરી સમાજને પ્રેરણા પૂરી પાડી છે.

રાજકોટમાં 7 સ્થળે ગણપતિ વિર્સજનનું આયોજન
રાજકોટ મનપા દ્વારા શહેરમાં સાત સ્થળે વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ 80થી વધુનો સ્ટાફ ખડેપગે રાખવામાં આવ્યો છે. સાથે જ ક્રેઇન સહિતની તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી. વિસર્જન દરમિયાન કોઈ દુર્ઘટના ન બને તે માટે પોલીસ પણ સતત સતર્ક રહી હતી. જોકે, પોતાના હાથે ગણપતિ વિસર્જન કરવા ઇચ્છતા લોકો શહેરથી 15 કિમી દૂર ન્યારા ખાતે પહોંચ્યા હતા અને વિધિવત્ રીતે ગણપતિની પૂજા-અર્ચના કરી વિસર્જન કર્યું હતું.ન્યારા નજીક ગણપતિ બાપ્પાની મૂર્તિઓનું વિસર્જન કરવા આવેલા જિજ્ઞાબેન વોરાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગણપતિ વિસર્જન ક્યારેય થતું નથી. આ તો એક પરંપરા છે કે, ગણપતિ મહોત્સવ બાદ તેનું વિસર્જન કરવું, જે પરંપરા નિભાવવા આવ્યા છીએ. જોકે, ગણપતિ રિદ્ધિ-સિદ્ધિના દાતા છે અને તેમનું વિસર્જન ક્યારેય થાય જ નહીં. ગણપતિ બાપ્પા તો સૌના ઘરમાં અને દિલમાં સદાય બિરાજમાન હોય જ છે. કોરોના બાદ લોકોની ગજાનન પ્રત્યેની શ્રદ્ધામાં અનેકગણો વધારો થયો છે.વધુમાં જણાવ્યું હતું કે, ગણપતિ મહોત્સવ દરમિયાન અનેક સ્થળે ખૂબ મોટાં આયોજનો થાય છે. જેમાં ગરીબ લોકોને ભોજન જેવી વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે. ભગવાન પાસે અમે પ્રાર્થના કરીએ છીએ કે, તમને અમે વિદાય આપતા નથી, પરંપરા અનુસાર આ વિસર્જન કરીએ છીએ. પણ તમે અમારા ઘરમાં અને હૃદયમાં સદાય વસવાટ કરજો અને લોકોનાં વિઘ્નોને સદાય દૂર કરતા રહેજો. ગણપતિ બાપા આવતા વર્ષે ઝડપથી પાછા આવે તેવી પ્રાર્થના અમે કરીએ છીએ.અન્ય એક ભાવિક નિશાબેન જેઠવાએ જણાવ્યું હતું કે, 10 દિવસ સુધી ગણપતિ દાદાનું ભાવભક્તિથી પૂજન અર્ચન કર્યું છે અને આજે વિદાયની ઘડી આવતા તેમનું વિસર્જન કરવા આવ્યા છીએ. અહીં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર તેમની પૂજા કરી ગણપતિ વિસર્જન કર્યું છે. જોકે, આ વિદાય બાદ હવે સાવ ખાલી-ખાલી લાગશે. અમે અમારા કારખાનામાં ગણપતિનું સ્થાપન કર્યું હતું.સુરત શહેરમાં 20થી વધુ કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યાં છે. જેમાં પણ ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. સુરત શહેરમાં ગણેશ વિસર્જનને લઈ સુરત શહેર પોલીસ દ્વારા તમામ કૃત્રિમ તળાવો, વિસર્જન રૂટ સહિત હજીરા અને ડુમ્મસ દરિયા કિનારાના ઓવારા પર પણ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. નવ દિવસ સુધી દુંદાળા દેવની ભક્તિભાવ પૂર્વક પૂજા અર્ચના કર્યા બાદ આજે ભક્તો દ્વારા ભાવભીની આંખે વિદાય આપવામાં આવી રહી છે. પોલીસ વિભાગ દ્વારા ગણેશ વિસર્જન અંગેના ટ્રાફિક નિયમન જળવાઇ રહે તે માટેના વિવિધ રૂટો અંગેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.


Related Posts