ગુજરાતમાં ઇ- ટૂ વ્હીલરના રજિસ્ટ્રેશનમાં બે મહિનામાં 58.23 ટકાનો ઘટાડો

By: nationgujarat
29 Jul, 2023

એક તરફ કેન્દ્ર સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનોના (Electric vehicles) ઉપયોગ માટે નાગરિકોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે. આ પહેલા કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિક વાહનો માટે સબસિડીની પણ જાહેરાત કરી હતી. જો કે 1 જૂન 2023થી ઇલેક્ટ્રિક ટૂ વ્હીલર પરની સબસિડી ઘટાડી દીધી છે. જેના પગલે ગુજરાતમાં બે જ મહિનામાં ઇલેક્ટ્રિક ટૂ વ્હીલરનું પ્રમાણ 58.23 ટકા ઘટી ગયુ છે. લોકસભામાં આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે

કેન્દ્ર સરકારે સબસિડીમાં ઘટાડો કર્યો

કેન્દ્ર સરકારે 1 જૂન, 2023ના રોજ અથવા તે પછી નોંધાયેલા ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સને લાગુ પડતી FAME-II (ફાસ્ટર એડોપ્શન ઓફ મેન્યુફેક્ચરિંગ ઓફ ઈલેક્ટ્રિક વ્હીકલ ઈન ઈન્ડિયા) યોજના હેઠળ આપવામાં આવતી સબસિડીમાં ઘટાડો કર્યો છે.

નોટિફિકેશન બહાર પાડી કરાઇ હતી જાણ

ઇ-ટૂ વ્હીલરની સબસીડીમાં ઘટાડા અંગે ભારે ઉદ્યોગ મંત્રાલયે ફેરફાર અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતુ. જે અંતર્ગત ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માટે ડિમાન્ડ ઇન્સેન્ટિવ તરીકે આપવામાં આવતી સબસિડી 15000 રૂપિયા પ્રતિ કિલોવોટ કલાકથી ઘટાડીને 10000 રૂપિયા પ્રતિ કિલોવોટ કલાક કરવામાં આવી હતી. ત્યારે ઇલેક્ટ્રીક ટૂ વ્હીલરમાં અપાતી સબસીડીમાં કરેલા ઘટાડાની સીધી અસર જૂન મહિનામાં ઇલેકટ્રીક ટૂ વ્હીલરની ખરીદી પર સ્પષ્ટ દેખાઇ.

લોકસભામાં આ આંકડા રજૂ કરવામાં આવ્યા

લોકસભામાં રજૂ કરાયેલા આંકડા અનુસાર ગુજરાતમાં છેલ્લા બે મહિનામાં ઇલેક્ટ્રિક વ્હીકલના રજિસ્ટ્રેશનમાં 58.23 ટકાનો ઘટાડો નોંધાયો છે. એટલે કે મે મહિનામાં થયેલી 9624 ઇલેકટ્રીક ટૂ વ્હીલરની નોંધણી સામે જૂન મહિનામાં માત્ર 4019 ઇલેકટ્રીક ટૂ વ્હીલરની નોંધણી થઇ છે. મહત્વનું છે કે થોડા મહિનાઓ પહેલા જ કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માટેની પ્રોત્સાહન મર્યાદા એક્સ-ફેક્ટરી કિંમતના 40 ટકાથી ઘટાડીને 15 ટકા કરી છે. સબસિડી ઘટાડવાનો બોજ સીધો ગ્રાહકના ખિસ્સા પર જોવા મળી શકે છે.એક અંદાજ મુજબ ટુ વ્હીલરની કિંમત 25-35 હજાર રૂપિયા મોંઘી થઈ શકે છે.


Related Posts