ગુજરાત સરકાર 24,700 શિક્ષકોની ભરતી કરશે, TET-TAT ઉમેદવારોના આંદોલન વચ્ચે શિક્ષણ મંત્રીનું નિવેદન

By: nationgujarat
24 Feb, 2025

Education Minister Praful Pansheriya Statement : આજે રાજ્યભરમાંથી ટેટ-ટાટના ઉમેદવારો આંદોલન માટે ગાંધીનગર પહોંચી રહ્યા છે. બીજી તરફ આંદોલન આક્રમક બને તે પહેલાં પોલીસ દ્વારા અટકાયત શરૂ કરી દેવાઈ છે. આ દરમિયાન ટેટ-ટાટ પાસ ઉમેદવારો માટે ગાંધીનગરથી ખુશીના સમાચાર સામે આવ્યા છે. શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ શિક્ષકોની ભરતીને લઇને મોટું નિવેદન આપતાં કહ્યું છે કે, ‘ગુજરાત સરકાર 24,700 શિક્ષકોની ભરતી કરશે. સરકારે બાંહેધરી આપી છે તે પ્રમાણે ભરતી થશે. આચાર સંહિતાના કારણે ભરતી પ્રક્રિયામાં મોડું થયું છે. સરકાર દ્વારા ભરતી અંગે જે સત્તાવાર જાહેરાત કરાઈ છે, તે તમામ જગ્યા પર ચોક્કસ ભરતી કરાશે.’

આ રીતે શિક્ષણ મંત્રીએ નિવેદન આપી આંદોલન પર ઠંડુ પાણી રેડી દેવાનો પ્રયાસ કર્યો છે. જો કે જોવાનું એ રહ્યું કે પ્રફુલ્લ પાનસેરિયાના નિવેદન બાદ ટેટ-ટાટના ઉમેદવારો આંદોલન પાછું ખેંચશે કે પછી આંદોલન ઉગ્ર બનશે.

ગુજરાતમાં TET-TAT પાસ ઉમેદવારોએ પોતાના પડતર પ્રશ્નોને લઈ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે આજે સોમવારે (24મી ફેબ્રુઆરી) આ ઉમેદવારો ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ આંદોલનમાં પહોંચી રહ્યા છે. જેને લઈને સત્યાગ્રહ છાવણીએ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

આ આંદોલનને મજબૂત બનાવવા માટે ટેટ-ટાટ પાસ ઉમેદવારો સોશિયલ મીડિયાના માધ્યમથી વીડિયો પોસ્ટ કરી હાજર રહેવા માટે અપીલ કરી હતી. જેના પગલે આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ ઉગ્ર આંદોલનમાં જોડાવવા માટે રાજ્યભરમાં બહોળી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગર પહોંચી રહ્યા છે. આ બધા ઉમેદવારો ગાંધીનગર સિવિલ હોસ્પિટલની બહાર એકઠા થયા છે. ત્યારે આંદોલનના સ્થળે પહોંચે તે પહેલાં પોલીસે ઉમેદવારોની અટકાયત સિલસિલો શરૂ કરી દીધો છે. ઉમેદવારોની અટકાયત કરાતા પોલીસ આંદોલનકારી ઉમેદવારો ઘર્ષણના દ્વશ્યો સર્જાયા હતા. પોલીસે અત્યાર સુધીમાં 250થી વધુ ઉમેદવારોની અટકાયત કરી છે.


Related Posts

Load more