દિલ્હીમાં સત્તા ગુમાવતાં જ પંજાબમાં વિખેરાશે AAP! 30 ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં હોવાનો દાવો

By: nationgujarat
09 Feb, 2025

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટી આમ આદમી પાર્ટી હારી ગઈ છે, જેના કારણે હવે પંજાબમાં પણ પાર્ટીના વિઘટનની આશંકા છે. પંજાબ વિધાનસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રતાપ સિંહ બાજવાએ દાવો કર્યો છે કે મુખ્યમંત્રી ભગવંત માન ટૂંક સમયમાં મહારાષ્ટ્રના એકનાથ શિંદેના માર્ગ પર ચાલી શકે છે. બાજવા કહે છે કે, ‘AAPના 30 થી વધુ ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં છે અને ગમે ત્યારે પાર્ટી બદલી શકે છે.’

દિલ્હીમાં હારને કારણે AAPના ભવિષ્ય પર સવાલ ઉઠવા લાગ્યા 

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 70માંથી 48 બેઠક સાથે ઐતિહાસિક જીત હાંસલ કરી હોવાથી હવે આમ આદમી પાર્ટીના ભવિષ્ય પર સવાલો ઉઠવા લાગ્યા છે. આ ચૂંટણીમાં માત્ર 22 બેઠકો સુધી જ AAP સીમિત રહી હતી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોતે નવી દિલ્હી બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરવેશ વર્મા સામે 4,089 મતોથી હારી ગયા હતા. આ કારણે જ બાજવાએ દાવો કર્યો કે AAP પંજાબમાં પહેલાથી જ બે જૂથોમાં વહેંચાયેલું છે, એક જે ભગવંત માનની સાથે છે અને બીજો જે દિલ્હીના નેતૃત્ત્વ સાથે તાલમેલ જાળવી શકતો નથી.

પ્રતાપ સિંહ બાજવાએ દાવો કર્યો કે ભગવંત માન કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયના સંપર્કમાં છે આથી તે દિલ્હીના AAP યુનિટથી અલગ રસ્તો અપનાવી શકે છે. પંજાબના AAP પ્રમુખ અમન અરોરાએ તાજેતરમાં કહ્યું હતું કે, ‘પંજાબના મુખ્યમંત્રી બનવા માટે શીખ હોવું જરૂરી નથી.’ બાજવાનું અમન અરોરાના નિવેદન વિષે કહેવું છે કે આ નિવેદન દિલ્હી નેતૃત્ત્વના ઇશારા પર આપવામાં આવ્યું છે, આથી ભવિષ્યમાં કેજરીવાલને પંજાબની રાજનીતિમાં લાવવા માટે ભૂમિકા તૈયાર કરી શકાય. તેઓ પહેલાથી કેજરીવાલને પંજાબ મોકલવાની તૈયારી કરી રહ્યા છે. દિલ્હીની હાર પહેલા જ તેને આ વાતનો અહેસાસ થઈ ગયો હતો.

દિલ્હીની હાર બાદ ભગવંત માનની સરકાર માટે ટકી રહેવું મુશ્કેલ

પંજાબમાં AAPની સરકાર બની ત્યારથી પાર્ટીના ઘણા ધારાસભ્યો અસંતુષ્ટ હોવાનું કહેવાય છે. બાજવાએ કહ્યું કે, ‘ઘણા ધારાસભ્યો છેલ્લા એક વર્ષથી કોંગ્રેસના સંપર્કમાં છે અને માન સરકારના ભવિષ્યને લઈને ચિંતિત છે. કેન્દ્ર સરકારની નજર પણ પંજાબની AAP સરકાર પર ટકેલી છે અને આવનારા સમયમાં મોટા રાજકીય ફેરફારો થઈ શકે છે. દિલ્હીની હાર બાદ ભગવંત માનની સરકાર માટે ટકી રહેવું મુશ્કેલ છે.


Related Posts

Load more