રાજકોટની હોસ્પિટલમાંથી મહિલાઓની ગર્ભાવસ્થાના ચેક અપ સમયના આપત્તિજનક સીસીટીવી ફુટેજીસ વેચી રોકડી કરવાના કૌભાંડમાં સાઈબર ક્રાઈમ દ્વારા ધરપકડ કરાયેલા આરોપી રાયન પરેરા અને પરીત ધામેલીયાને ઘીકાંટા ફોજદારી કોર્ટે સાત દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો, જયારે અન્ય આરોપી વૈભવ બંડુ માનેને ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા હતા.
જો કે, સાયબર ક્રાઈમે કોર્ટ સમક્ષ બહુ મોટો ખુલાસો કર્યો હતો કે, આરોપીઓ છેલ્લા એક વર્ષથી ટેલીગ્રામ એપ મારફતે ન્યુડ વીડિયોની આપ-લે કરતા હતા. કોર્ટે પણ આરોપીઓના રિમાન્ડ મંજૂર કરતાં જણાવ્યું કે, આ સંવેદનશીલ ગુનાની ગંભીરતા જોતાં કેસના મૂળ સુધી પહોંચવા આરોપીઓની કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશને અને તપાસ જરૂરી છે.
અશ્લીલ સીસીટીવી કૌભાંડમાં સાયબર ક્રાઈમે વધુ ત્રણ આરોપીઓ રાયન રોબીન પરેરા (રહે. વસઈ, મુંબઈ વેસ્ટ), પરીત ઘનશ્યામભાઈ ધામેલીયા (રહે. કતારગામ, સુરત) અને વૈભવ બંડુ માને (મોરે કોલોની, જત ગામ મહારાષ્ટ્ર)ની ધરપકડ કરી આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઘીકાંટા ફૌજદારી કોર્ટમાં રજૂ કર્યા હતા. સરકારપક્ષ તરફથી ત્રણેય આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગણી કરતાં જણાવાયું હતું કે, ‘આરોપી પરીત ધામેલાયા અને રાયન પરેરાએ કેવી રીતે રાજકોટની પાયલ હોસ્પિટલના સીસીટીવી હેક કર્યા હતા…?, આ પ્રકારે આરોપીઓએ કુલ કેટલી જગ્યાએ સીસીટીવી કેમેરા હેક કરી તેના ફુટેજીસ મેળવ્યા છે..?, આરોપીઓએ ટેલીગ્રામ એપ મારફતે ન્યુડ વીડિયો આપ-લે કરી જુદા જુદા ગ્રુપમાં ફરતા કરતા હતા અને તેના થકી કેટલા નાણાં મેળવ્યા છે. ? તે જાણવાનું છે. તેમજ આરોપીઓ અન્ય રાજયના વતની છે તો તેમણે હોસ્પિટલનું એક્સેસ કેવી રીતે મેળવ્યું…?, તેઓની સાથે અન્ય કયા કયા અને કેટલા આરોપીઓ સંડોવાયેલા છે..? તેની પણ તપાસ કરવાની છે.
આરોપીઓ મહિલાઓના આવા ન્યુડ અને આપત્તિજનક વીડિયો વેચવા માટે માર્કેટીંગ પણ કરતા હતા તે કેવી રીતે અને કોની મદદથી કરતા હતા તેની પૂછપરછ કરવાની છે. આવા ન્યુડ વીડિયો વેચાણ થકી આરોપીઓના ખાતામાં કુલ કેટલી રકમ આવી છે…? તે સહિતની વિગતો આરોપીઓ પાસેથી કઢાવવાની છે.
કેસની ગંભીરતા ધ્યાને લઈ કોર્ટે આરોપીઓના યોગ્ય અને પૂરતા દિવસના રિમાન્ડ આપવા જોઇએ. સરકારપક્ષની રજૂઆત ધ્યાનમાં લીધા બાદ કોર્ટે આરોપી રાયન પરેરા અને પરીત ધામેલીયાના તા.3જી માર્ચ સુધીના અને આરોપી વૈભવ બંડુ માનેના તા.27મી ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
આરોપીઓએ મોબાઈલ ફોન-લેપટોપ ફોર્મેટ કરી નાખી પુરાવાનો નાશ કર્યો
પોલીસ તપાસમાં એવી પણ ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે, આરોપીઓએ તેમના મોબાઈલ ફોન અને જે લેપટોપ ગુના માટે ઉપયોગમાં લેતા હતા, તેને સંપૂર્ણપણે ફોર્મેટ કરી નાખ્યા હતા અને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો છે. જો કે, પોલીસે નિષ્ણાત તજજ્ઞોની મદદ લઈ ફોર્મેટ કરાયેલા ફોન અને લેપટોપનો ડેટા રિકવર કરવાના પ્રયાસો પણ શરૂ કર્યા છે.