Gujarat Congress Protest in Gujarat Assembly: ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ બુધવારે (19 ફેબ્રુઆરી) વિધાનસભાના પ્રથમ દિવસે જ ગાંધીનગરમાં વિધાનસભાની બહાર દેખાવ કર્યો હતો. ધારાસભ્યોએ હથકડી અને સાંકળ લગાવીને અમેરિકાથી ગેરકાયદે ભારતીય અપ્રવાસીઓને પરત મોકલવાની પ્રક્રિયા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ હવે સરકારને ઘેરવા માટે આજે (22 ફેબ્રુઆરી) ખ્યાતિ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં થયેલા PMJY યોજનાના કાંડ મુદ્દે આજે કોંગ્રેસ દ્વારા વિધાનસભા પરિસરમાં વિરોધ કરવામાં આવ્યો હતો.
ગાંધીનગર વિધાનસભાના પગથિયા પર જ કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અમિત ચાવડા અને ધારાસભ્યો દ્વારા ‘નાટક’ રજૂ કરી ખ્યાતિ કાંડને રજૂ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય જીગ્નેશ મેવાણી , ઇમરાન ખેડાવાલા, ડૉ. તુષાર ચૌધરી ડૉક્ટર બન્યા હતા. જ્યારે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર દર્દી બન્યા હતા. ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી ભ્રષ્ટાચારનું રેકેટ ચાલે છે. કમિશન લેવા માટે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. આ ભાજપની સરકારમાં કમિશન માટે લોકોના જીવ લેવાયા છતાંય સરકારને શરમ આવતી નથી. દર્દીઓને હોસ્પિટલ લાવવામાં આવે , તેમને 1500 રૂપિયામાં આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવે છે. ખ્યાતિ હોસ્પિટલનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવી જોઈએ અને તેની CBI તપાસ પણ થવી જોઈએ.
હથકડી પહેરી કર્યો હતો વિરોધ
ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ બુધવારે (19 ફેબ્રુઆરી) ગાંધીનગરમાં વિધાનસભાની બહાર દેખાવ કર્યો હતો. વિધાનસભામાં અમિત ચાવડા, જીગ્નેશ મેવાણી અને શૈલેષ પરમાર સહિતના કોંગ્રેસ ધારાસભ્યોએ કાળા રંગના પોસ્ટર પહેરી તેમાં વિવિધ નારા લખી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સિવાય તેઓએ પોતાના હાથે હથકડી બાંધી હતી અને ડિપોર્ટેશન વખતે ભારતીયોને બાંધવામાં આવેલી હથકડીનો વિરોધ કર્યો હતો.