પાટણમાં પોલીસ બંદોબસ્ત સાથે નીકળેલા વરઘોડામાં ધીંગાણું: એક જ જાતિના બે જૂથ વચ્ચે અથડામણ, 25 ઈજાગ્રસ્ત

By: Nation Gujarat Team
14 Mar, 2026
પાટણ: સરસ્વતી તાલુકાના વાયડ ગામમાં વરઘોડો કાઢવા જેવી સાધારણ બાબતમાં એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે ભારે હિંસક અથડામણ સર્જાઈ છે. અગાઉના પ્રતિબંધ અને વિવાદોને જોતા ભારે પોલીસ બંદોબસ્ત સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો, પરંતુ અદાવત રાખીને આજે ફરી બંને જૂથો સામસામે આવી જતાં મામલો બિચક્યો હતો. એક જ જાતિના બે અલગ અલગ જૂથો સામે આવી જતાં આ હિંસક અથડામણમાં અંદાજે 25 જેટલા લોકો ઈજાગ્રસ્ત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
વિગતે વાત કરીએ તો, પાટણ જિલ્લા સરસ્વતી તાલુકા વાયડ ગામમાં વરઘોડો કાઢવા બાબતે લાંબા સમયથી સામાજિક અને સ્થાનિક સ્તરે વિવાદ ચાલી રહ્યો હતો અને વરઘોડા પર પ્રતિબંધ જેવી સ્થિતિ હતી. આ સંજોગોમાં એક પરિવારે લગ્ન પ્રસંગ હોવાથી સુરક્ષા માટે પોલીસ બંદોબસ્તની માંગણી કરી હતી. ત્યારે ગઈકાલે શુક્રવારે પોલીસની હાજરીમાં વરઘોડો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો અને માતાજીના મંદિરે દર્શન કરીને જાન રવાના થવાની તૈયારીમાં હતી, પરંતુ મજાનો માહોલ કેટલાક શખ્સોને ખૂંચ્યો હતો.
ઘટનાસ્થળે હાજર સામાજિક આગેવાન બચુસિંહ રાઠોડના જણાવ્યા અનુસાર, જ્યારે પરિવારના 15-20 સભ્યો હાજર હતા, ત્યારે અચાનક બીજા જૂથના લોકોનું ટોળું મંડળી બનાવીને ધસી આવ્યું હતું. હુમલાખોરો હાથમાં ધારિયા, લાકડીઓ અને પથ્થરો લઈને આવ્યા હતા અને કંઈ પણ સમજાય તે પહેલાં જ ટોળાએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો અને નિર્દોષ લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં મહિલાઓ અને વડીલો સહિત અનેક લોકો લોહીલુહાણ થયા હતા.બાદમાં બે પક્ષો વચ્ચે સર્જાયેલી આ જૂથ અથડામણ એટલી ઉગ્ર હતી કે, તેમાં અંદાજે 25 જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. જેથી આ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં કેટલાક લોકોના માથાના ભાગે ગંભીર ઈજાઓ હોવાથી તેઓની હાલત નાજુક હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
હાલ આ ગંભીર ઘટનાની જાણ થતાં જ પાટણ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો વાયડ ગામમાં ઉતારી દેવામાં આવ્યો છે. વરઘોડો પોલીસની હાજરીમાં નીકળ્યો હોવા છતાં આ પ્રકારે હુમલો થતાં પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. હાલમાં ગામમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે.પોલીસે આ મામલે રાયોટિંગ અને હુમલાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. હુમલાખોરોની ઓળખ કરવા માટે સ્થાનિકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. સામાજિક અદાવતમાં થયેલી આ હિંસાને કારણે ગામમાં ભારે તંગદિલી જોવા મળી રહી છે. પોલીસે શાંતિ જાળવવા અપીલ કરી છે અને હુમલાખોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.


Related Posts

Load more