વડતાલધામમાં દ્વિશતાબ્દી ઉપક્રમે – વચનામૃત જયંતિની ઉજવણી

By: nationgujarat
16 Dec, 2023

વડતાલધામમાં દ્વિશતાબ્દી ઉપક્રમે – વચનામૃત જયંતિની ઉજવણી.
સૌ સત્સંગીઓને ર૦૧૦ સુધી દરરોજ ૧ વચનામૃતનો એક પાઠ વાંચવા મહારાજશ્રીનો અનુરોધ૫. ૫૦૦ ઉપરાંત ભક્તોએ મહાપૂજા કરી ધન્યતા અનુભવી. ભક્તોએ વચનામૃતનુ સમૂહપાઠ કર્યો.

વડતાલઃ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે માગસર સુદ – ૪ ને શનિવારના રોજ ૨૦૪ મી વચનામૃત જયંતિ નિમિત્તે , આચાર્ય મહારાજ અને સંતોની ઉપસ્થિતિમાં , મંદિરના પટાંગણમાં મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ૫૦૦ થી વધુ સત્સંગી ભાઈબહેનોએ મહાપૂજાનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. મંદિરના મુખ્ય દરવાજા નજીક ભગવાન શ્રી સ્વામિનારાયણે કહેલ વચનામૃતની પ્રસાદીની છત્રી પર આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે પૂજન કરી આરતી ઉતારી હતી. આ પ્રસંગે આચાર્ય મહારાજે આર્શીવચન પાઠવતા જણાવ્યું હતું કે આજે વચનામૃત જયંતિના શુભદિને મહાપૂજામાં બેઠેલ સૌ ભક્તો ખૂબ ભાગ્યશાળી છે. મહારાજશ્રીએ સૌ ભક્તોને ૨૦૧૦ સુધી રોજ ૧ વચનામૃતનો પાઠ કરવા અનુરોધ કર્યો હતો. ભગવાન શ્રીહરિએ સંવત-૧૮૭૯ થી સંવત ૧૮૮૬ સુધી ગઢડા, વડતાલ, લોયા, કારિયાણી, સારંગપુર, પંચાળા વિગેરે સ્થાનોએ કહેલ વચનામૃત આપણા સંપ્રદાયના ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીએ વચનામૃતનો સંગ્રહ કર્યો હતો. જેને ભગવાન શ્રીહરિએ પ્રમાણિત કર્યો હતો. ભગવાનનો એક-એક શબ્દ અમૃતરૂપે હોય છે. અલગ-અલગ સ્થળોએ શ્રીહરિની ઉપદેશવાણી અમૃતવાણી પર પ્રશ્નોત્તરી થઈ હતી. તેનું ચાર નંદસંતોએ સંકલન કરી ભગવાનની આજ્ઞા સાથે ગ્રંથરૂપે પ્રકાશિત કર્યો હતો.

વચનામૃત જયંતિ નિમિત્તે વડતાલ મંદિરના પટાંગણમાં પ્રસાદીની છત્રી સામે વિશેષ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને વચનામૃત ગ્રંથ પર ગુલાબની પાંદડીઓથી અભિષેક કરવામાં આવ્યો હતો. મહાપૂજા ઉત્સવના યજમાન નિરાલીબેન હિતેશભાઈ પટેલ (બામણગામ) ધ્વારા વંચનામૃત ગ્રંથનું પૂજન કરવામાં આવ્યું હતું. અને ગ્રંથ પર ગુલાબના પુષ્પથી અભિષેક કરાયો હતો. સાંખ્યયોગી ભાવનાબેન, સંગીતાબેન (ખાંધલી), કૃપાબેન, સુરભીબેન(વડતાલ) યજમાનના પ્રેરક હતા. આ પ્રસંગે વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારી ડૉ.સંતવલ્લભ સ્વામીની તથા અન્ય સંતો મહારાજશ્રી સાથે ઉપસ્થિત રહ્યા હતા. ચેરમેન-કોઠારીશ્રી તથા સંતોએ પ્રસાદીની છત્રી પર પુષ્પ વર્ષા કરી અભિષેક કર્યો હતો. મહાપૂજાની સમગ્ર વિધિ મંદિરના ભુદેવ ધીરેનભાઈ ભટ્ટે કરાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂ.શ્યામવલ્લભ સ્વામીએ કર્યું હતું.


Related Posts

Load more