સુરતમાં ઇસ્કોન બ્રિજ જેવી ઘટના,લોકોએ કારચાલકને પકડી મેથીપાક ચખાડ્યો

By: nationgujarat
31 Jul, 2023

સુરતમાં અમદાવાદમાં તથ્ય પટેલે કરેલ અકસ્માતની યાદ તાજી થઈ છે. કાપોદ્રામાં રાત્રે પૂરપાટ ઝડપે આવતા સ્વિફ્ટ કારના ચાલકે બીઆરટીએસ રૂટમાં ત્રણ બાઈકચાલક અને બે રાહદારીને ઉડાવ્યા હતા. આ ઘટનાને પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. આ અકસ્માતમાં લોકોએ કારચાલકને પકડી મેથીપાક ચખાડ્યો હતો. આ સાથે જ ઘટનાસ્થળે ઉપસ્થિત લોકોએ ‘આ તથ્યનો ભાઈ જ છે’ કહી કડક સજાની માગ કરી હતી.

મળતી માહિતી પ્રમાણે, ઉત્રાણના રાજપૂત ફળિયામાં રહેતો 27 વર્ષીય સાજન પટેલ બર્થડે પાર્ટીમાં દારૂ પીને સ્વિફ્ટ કાર નંબર GJ-05- RR-9995 લઈને રચના સર્કલ જવા નીકળ્યો હતો. જવાહનરનગર ચાર રસ્તા પરથી બેફામ જતા આ યુવકે કાર ધીમી કરવાને બદલે સ્પીડમાં હંકારી હતી. સાજન પટેલ ઉત્રાણમાં રહે છે અને ગાડીઓની લે-વેચનો ધંધો કરે છે. સાજન સ્વસ્થ થતાં પોલીસે તેની ધરપકડ કરી છે.

કાર ઊભી રાખવાને બદલે ભગાવવાનો પ્રયાસ કર્યો
કાપોદ્રા વિસ્તારમાં આવેલી સ્નેહ મુદ્રા સોસાયટી પાસે રાત્રે સ્વિફ્ટ કારના ચાલક સાજન પટેલે બીઆરટીએસ રૂટમાં ત્રણ બાઈક અને બે રાહદારી સહિત 6 જેટલા લોકોને અડફેટે લઈ ઉડાવ્યા હતા. પૂરપાટ ઝડપી આવી રહેલી સ્વિફ્ટ કારે એક બાદ એક એમ ત્રણ બાઈકો અડફેટે લીધાં હતાં. બીઆરટીએસ રૂટ પૂરો થઈ રહ્યો હતો, ત્યાં ચાર રસ્તા પર બાઇકસવાર લોકો રોડ ક્રોસ કરી બીઆરટીએસ રૂટમાં જઈ રહ્યા હતા, ત્યારે અકસ્માત થયો હતો. અકસ્માત થવા છતાં કાર ઊભી રાખવાને બદલે સાજન પટેલે ભગાવવાનો પ્રયાસ કર્યો હતો. લોકોએ કારચાલક સાજન પટેલને પકડ્યો ત્યારે દારૂના નશામાં હોવાનું જાણવા મળ્યું હતું.

લોકોએ કારચાલકને મેથીપાક ચખાડ્યો
કારચાલકે અંદાજે 20 ફૂટ જેટલા બાઈકચાલકોને ઢસડી નાખ્યા હતા. ત્યારબાદ કારની એરબેગ પણ ખૂલી ગઈ હતી. અકસ્માતના સ્થળથી 25 ફૂટ દૂર કાર રોકાઈ હતી. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. લોકોએ કારચાલકને કારમાંથી બહાર કાઢી માર પણ માર્યો હતો.

કાપોદ્રા પોલીસનો કાફલો ઘટનાસ્થળે
અકસ્માતની જાણ થતાં કાપોદ્રા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ત્યારબાદ ઇજાગ્રસ્તોને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કારચાલકને સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. તમામ ઈજાગ્રસ્તોને હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે.

કારચાલક દારૂના નાશમાં હોવાની આશંકા
લોકોના જણાવ્યા પ્રમાણે કારચાલક દારૂના નશામાં હતો. જેથી લોકો વધુ ઉશ્કેરાયા હતા અને કારચાલકને માર માર્યો હતો. કાપોદ્રા પીઆઇ એમ.બી. વાછાણીએ જણાવ્યું હતું કે, કારચાલક દારૂના નશામાં હોવા અંગે સ્મીમેર હોસ્પિટલમાં સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સાથે જ ફરિયાદ નોંધવાની પણ તજવીજ ચાલી રહી છે. વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે.


Related Posts

Load more