વિદેશ મોકલવાનાના નામે વધુ એક છેતરપિંડી (Fraud) થઇ છે. કેનેડા જવાના સપના જોતા યુવક સાથે રૂ. 26 લાખની છેતરપિંડી થઇ છે. આ ઠગાઇ ગાંધીનગરના કલોલના (Kalol) યુવક સાથે થઇ છે. કેનેડાના વિઝા અપાવવાના બહાને એજન્ટે છેતરપિંડી કરી છે. યુવકના પિતાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.દેશભરમાંથી લોકોને વિદેશ જવાનો જાણે ખૂબ જ મોહ છે. વિદેશ જવા માટે લોકો કોઈ પણ હદ પાર કરે તેવુ જોવા મળી રહ્યુ છે. ખાસ કરીને ગુજરાતીઓ વિદેશમાં વધુ જતા હોય છે. કેટલાક લોકો કોઈ પણ ભોગે વિદેશ જવા માટે ઘેલા બની જાય છે. વિદેશ જવા લોકો એજન્ટોને મોં માગ્યા પૈસા આપે છે. લોકો કાયદેસર રીતે કે ગેરકાયદે વિદેશ જવા માટે કરોડો રુપિયાનું પાણી કરી નાખતા હોય છે. કેટલાક લોકો તો દેવું કરીને પણ વિદેશ જવા માટે આતુર હોય છે. જેના કારણે વિદેશ જવાની લાલચમાં લોકો સાથે છેતરપિંડી થતી હોય છે.
ગાંધીનગર જિલ્લાના કલોલમાં રહેતા એક યુવક સાથે આવી જ એક ઘટના બની છે. ગાંધીનગરના કલોકમાં એક યુવકને કેનેડા જવાનો અભરખો ભારે પડ્યો છે. વિદેશ જવાની લ્હાયમાં લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. વિદેશ મોકલવાના બહાને એજન્ટે લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે.
કલોલમાં રહેતા ધ્રુવ નામના યુવકને IELTSમાં 5 બેન્ડ આવ્યા હતા. તે કેનેડા જવા માગતો હતો. જેથી તેણે વિઝાનું કામ કરતા અમદાવાદના દંપતીનો સંપર્ક કર્યો હતો. આરોપી દંપતીએ આમંત્રણ વિઝા કન્સલ્ટન્સી નામની ઓફિસ ખોલી હતી. જ્યાં ધ્રુવ અને તેના પિતાને બોલાવીને મીટિંગ કરી હતી. ત્યારબાદ એજન્ટ દંપતી હિતેશ પટેલ અને શિવાંગીએ ટુકડે-ટુકડે કરીને રૂપિયા 26 લાખ ખંખેરી લીધા હતા,પરંતુ ધ્રુવને વિદેશ મોકલવાની કોઈ જ કાર્યવાહી કરી ન હતી.. એજન્ટ હિતેશ અને તેની પત્નીએ રૂપિયા પરત ન આપતા ભોગ બનનારે છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી છે.