આજે સૌરાષ્ટ્રના રાજકોટ અને જામનગરનમાં નવા મેયરની પસંદગી કરવામાં આવશે. રાજકોટમાં મેયર પદ માટે મહિલા અનામત છે. જામનગરમાં અનુસૂચિત જાતિ માટે અનામત છે. રાજકોટમાં મેયર પદ માટે બે ચહેરાઓના નામ ચર્ચામાં છે. મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ નૈનાબેન પેઢડીયા અને ખોડલધામ ટ્રસ્ટ સાથે જોડાયેલા વોર્ડ નંબર 10ના કોર્પોરેટર જ્યોત્સનાબેન ટીલાળા પૈકી એકની પસંદગી થાય તેવી શક્યતા પ્રબળ છે.
તો જામનગરમાં બીના કોઠારી પછી કોની પસંદગી થશે તેની ચર્ચાઓ થઈ રહી છે. જામનગરના નવા મેયરનું પદ અનુસૂચિત જાતિ માટે અનામત હોવાથી ભાજપના મોવડી મંડળ માટે પસંદગી થોડી સરળ રહે તેવી શક્યતા છે. ભાજપમાં અનામત બેઠક પરથી ચૂંટાયેલા ત્રણ કોર્પોરેટર પૈકી પક્ષ એકની પર પસંદગી થવાની સંભાવના છે.
રાજકોટના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે વોર્ડ નંબર 2ના કોર્પોરેટર જયમીન ઠાકર અને વોર્ડ નંબર 7ના કોર્પોરેટર અને સામાજિક આગેવાન દેવાંગ માંકડ પણ રેસમાં છે. રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડના 72 કોર્પોરેટરો પૈકી 68 સભ્યો ભાજપના ચૂંટાયેલા છે. ભાજપનું મોવડી મંડળ રાજકોટના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શાષક પક્ષના નેતા પસંદગીમાં લોકસભા ચૂંટણીના સમીકરણો ધ્યાને લેશે. જો કે ભાજપ ચર્ચાતા ચહેરાઓને બાજુ પર મુકીને નવા નેતાઓને પણ તક આપે તો નવાઈ નહીં.
જામનગરમાં સૌથી વધારે ચર્ચમાં વોર્ડ નંબર 15માંથી જ્યંતિ ગોહિલનું છે. પક્ષના વિશ્વાસુ તેમજ રાજકારણનો લાંબા ગાળાનો અનુભવ હોવાથી જ્યંતિ ગોહિલ રેસમાં શિરમોર છે. તો વોર્ડ નંબર 16ના કોર્પોરેટર વિનોદ ખીમસુરિયા પણ મજબૂત દાવેદાર મનાય છે. વિનોદ ખીમસુરિયા સંગઠનમાં હોદ્દેદાર રહી ચુક્યા છે. વહીવટી કુશળતાની સાથે જ પક્ષમાં સૌને સાથે લઈ ચાલવાની આવડતના કારણે પક્ષ તેમને પણ પસંદ કરી શકે છે. તો ત્રીજા વિકલ્પ પદે વોર્ડ નંબર 10ના મુકેશ માતંગનું નામ ચર્ચામાં છે.
જામનગર મહાનગર પાલિકાની 64 પૈકી 50 બેઠક પર ભાજપના કોર્પોરેટર જીતેલા છે. મેયર પદની રેસમાં ચાલી રહેલા ત્રણેય ચહેરા પ્રથમ વખત જ કોર્પોરેટર બન્યા છે. ભાજપના મોવડીમંડળે અનૂસુચિ જાતિ અનામતમાં પણ આગામી ચૂંટણી અને સ્થાનિક રાજકારણને લઈ પેટા જ્ઞાતિનું સમીકરણ બેસાડવાનું રહેશે.