ગુજરાતમાં 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના ભાજપ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. ગુજરાતના નવા મંત્રીમંડળ માટે કુલ 26 મંત્રીની યાદી જાહેર કરી દેવાઈ છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષભાઇ સંઘવીને સ્થાન મળ્યુ છે તેમજ જીતુવાઘાણી,નરેશ પટેલ,અર્જુન મોઢવાડિયા,ડો.પ્રદ્યુમન વાજાને કેબિનેટ મંત્રીમા સ્થાન આપવામાં આવ્યું છે.
મોઢવાડિયાની ધીરજ ફળી, વાઘાણીની રી-એન્ટ્રી, મહિલા નેતા તરીકે રીવાબાની ગાંધીનગરમાં એન્ટ્રી મળી છે. તો કાંતિ અમૃતિયા માટે મંત્રીપદ એ લોટરી સમાન છે. જોકે, કાંતિ અમૃતિયાને મંત્રીપદ મળવાનું ફળ ગોપાલ ઈટાલિયાને જાય છે. સૌરાષ્ટ્ર બેલ્ટ અને પાટીદારોમાં જાયન્ટ કિલર બની રહેલા ગોપાલ ઈટાલિયાની સામે ટક્કર આપવા માટે પાર્ટીએ કાંતિ અમૃતિયાને મંત્રીપદ આપ્યું છે.
લેટેસ્ટ અપડેટ
કાંતિ અમૃતિયાને ગોપાલ સાથે મોરે-મોરો કરવાનું ફળ્યું છે. અગાઉ ખરાબ રસ્તાના મુદ્દે મોરબીના સ્થાનિકોમાં ‘વિસાવદર વાળી’ થવાની ચર્ચા બોલકી બની હતી, ત્યારે ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ તેને પોતાના સામેની ગોપાલ પ્રેરિત બગાવત ગણી હતી અને ગોપાલને મોરબીથી ચૂંટણી લડવા આહ્વાન કર્યું હતું. જવાબમાં ઈટાલિયાએ પણ તેમનો પડકાર સ્વીકારી લીધો હતો અને બંનેએ એકબીજાને રાજીનામાં આપીને મોરબીથી ચૂંટણી લડવાના હાકલાં-પડકારા કરી દીધા હતા. એવું કશું તો ખેર, થવાનું ન હતું પરંતુ ઊભરી રહેલાં યુવા નેતા ગોપાલ ઈટાલિયા સામે મોરેમોરો કરવા બદલ અમૃતિયાને મંત્રી બનાવીને તેમનું કદ ચોક્કસ વધારી દેવાયું છે.
રાદડિયાનું રિપ્લેસમેન્ટ બન્યા કાંતિ અમૃતિયા
જુનાગઢ, મોરબી, રાજકોટમાં ગોપાલ ઈટાલિયાનું પ્રભુત્વ વધી રહ્યું છે. ગોપાલ ઈટાલિયા જે રીતે જાહેર સભા કરીને જનમેદની ભેગી કરી રહ્યાં છે, તે જોતા ભાજપના પેટમાં ફાળ પડી છે. આવામાં પાટીદારોમાં વર્ચસ્વ ઉભું કરવા માટે ભાજપને કદાવર નેતાની જરૂર છે. આ લિસ્ટમાં જયેશ રાદડિયા હતા, પરંતું ભાજપે તેમનું પત્તુ કાપી નાંખ્યું છે. પાર્ટી સામે બળવો કરનાર જયેશ રાદડિયાને બીજીવાર પણ મંત્રીપદ ન મળ્યું. આવામાં મોરબીનો ગઢ સાચવવા માટે ભાજપે કાંતિ અમૃતિયાને ઉભા કર્યા. આ રીતે ભાજપ પાટીદારો પર પ્રભુત્વ જમાવી રાખશે.