રાજકારણમાં કોઈ કોઈનું સગું નથી હોતું એવી ઉક્તિ કુતિયાણામાં સાવ સાચી પડી છે. જે ખરેખર સગાં થાય છે એવો કોટડાનો ઓડેદરા પરિવાર અને સરમણ મુંજા પરિવાર અહીં સામસામે હતો. સત્તાવાર રીતે ભાજપના પ્રતીક પર ઢેલીબહેન ઓડેદરાના વડપણ હેઠળ પેનલ રચાઈ હતી. તેની સામે સમાજવાદી પાર્ટીના નેજાં હેઠળ કાંધલ જાડેજાની આગેવાની હેઠળની પેનલ મેદાનમાં હતી. અહીં ટાઈ પડી હોવાનું જાણવા મળે છે. કુતિયાણા નગરપાલિકાની 24 સીટમાંથી સમાજવાદી પાર્ટીને 14 સીટ મળતા કાંધલ જાડેજાનો દબદબો યથાવત રહ્યો છે. જ્યારે ભાજપને 10 સીટ મળતા ઢેલી બહેનને મોટો ફટકો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઢેલીબેન 1995થી કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ હતા. આમ તેમના એક ચક્રી શાસનનો અંત આવ્યો છે.
ઢેલીબેનના પરિવારના 4 લોકોને ટિકિટ આપી હતી
ઓડેદરા પરિવાર અને સરમણ મુંજા જાડેજા સગા મામા-ફોઈના ભાઈઓ થાય. પરંતુ બંને પરિવાર વચ્ચે લાંબા સમયથી મનદુઃખની સ્થિતિ પ્રવર્તે છે. ઓડેદરા પરિવારના ઢેલીબહેનનો દબદબો કુતિયાણામાં એવો છે કે 1995થી આજ સુધી દરેક વખતે તેઓ પાલિકાની ચૂંટણીમાં બિનહરિફ જીતીને પ્રમુખ બનતાં રહ્યાં છે. તેમનો પ્રભાવ અહીં એટલો પ્રબળ છે કે ભાજપનું હાઈકમાન્ડ પણ તેમને અવગણી શકતું નથી. તેનો સીધો પૂરાવો એ છે કે દરેક પાલિકામાં પરિવારમાંથી એક જ ઉમેદવારને ટીકિટ આપવાનો ભાજપે નિયમ રાખ્યો હોવા છતાં ફક્ત કુતિયાણામાં અપવાદ સ્વીકારવો પડ્યો અને ઢેલીબહેનના પરિવારમાંથી ચાર લોકોને ટીકિટ આપવી પડી હતી. સ્વયં ઢેલીબહેન ઉપરાંત તેમનો દીકરો, પુત્રવધુ રાંભીબહેન અને નાનાબહેન જીવીબહેન ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં હતા.
કાંધલ જાડેજા પોતે જ એક પાર્ટી છે
ઢેલીબહેનના ત્રીશ વર્ષના શાસનમાં કુતિયાણા વિકાસથી સદંતર વંચિત રહ્યું હોવાની વ્યાપક છાપ છે. સ્થાનિક સ્તરે થતી ચર્ચા મુજબ ઢેલીબહેને ખૂબ ભ્રષ્ટાચાર આચરીને છૂટક મદદ વડે પોતાની મસિહાની છબી બનાવી હોવાનું કહેવાય છે. તેમની સામે આ વિસ્તારના ધારાસભ્ય કાંધલ જાડેજાને મેદાનમાં ઉતારવામાં ભાજપનું જ એક જૂથ પ્રેરકબળ બન્યું હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે, અહીં સમાજવાદી પાર્ટીનું કોઈ નામોનિશાન નથી અને કાંધલ જાડેજા પોતે જ એક પાર્ટી છે. તેમના નામનું જ અહીં આગવું મહત્વ રહ્યું છે. એનસીપી, અપક્ષ, સપા એમ વિવિધ પક્ષમાંથી ધારાસભ્ય બનેલાં કાંધલ જોકે રાજ્યસભાની ચૂંટણીમાં નિયમિત રીતે ભાજપની તરફે મતદાન કરતાં રહે છે અને આડકતરી રીતે ભાજપના જ ધારાસભ્ય હોય એમ વર્તે છે.
આથી કુતિયાણામાં ઢેલીબહેન જીતે તો ય ભાજપ જીતે અને કાંધલ જીતે તોય ભાજપને જ ફતેહ મળે એવી ગણતરી સાથે લોહા લોહે કો કાટતા હૈ એ ઉક્તિ ભાજપે સાચી પાડી ગણાય.ગુજરાતમાં અહી પણ સમાજવાદી પાર્ટીનો ઉમેદવાર જીત્યો
છોટાઉદેપુર નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર મૂફીર શેખની 1 વોટથી જીત થઈ છે. ઉમેદવાર મૂફીર શેખની એક વોટથી જીત થતા તેમના સમર્થકો ભાવુક બન્યા હતા. આ ચૂંટણીમાં 1 વોટનું પણ મહત્વ સમજાયું છે. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી માટે પહેલીવાર સમાજવાદી પાર્ટીના 6 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા. જોકે, તમામ 6 ઉમેદવારોની જીત થતા ઉમેદવારોમાં ખુશી છવાઈ છે. નગર પાલિકાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના 6 ઉમેદવારોની જીત થતા બોર્ડ બનાવવામાં નિર્ણાયક સાબિત થશે. તો બીજી તરફ, સમાજવાદી પાર્ટીની જીત થતા ઉમેદવારોએ લોકોનો આભાર માન્યો