સુરતના સાત ધોરણ ભણેલા નટુકાકાએ ઇલેક્ટ્રિક રિંગબાઈક બનાવી

By: nationgujarat
05 Aug, 2023

સુરતના સાત ધોરણ ભણેલા નટુકાકાએ હોલિવૂડ ફિલ્મમાં આવતી બાઈકને ટક્કર મારે તેવી ઇલેક્ટ્રિક રિંગબાઈક બનાવી છે. આ રિંગબાઈક લઇને નટુકાકા જ્યારે રસ્તા પર નીકળે ત્યારે લોકોની તેના પરથી નજર જ હટતી નથી. ભંગારમાંથી એક એક સ્પેરપાર્ટસ ભેગા કરીને આ સુંદર રિંગબાઈકને બનાવી છે. રિંગબાઈક 30થી 35 કિમીની સ્પીડ સાથે સારી એવરેજ પણ આપે છે. તેમજ રિંગબાઈકને અપ્રતિમ રીતે શણગારવામાં પણ આવી છે. નટુકાકાએ 4 મહિનામાં આખી બાઈક તૈયાર કરી. લોકો રિંગબાઈકને જોઈને પૂછે છે કે, કાકા આ બાઈક અમારે પણ બનાવી છે! ત્યારે કેવી રીતે નટુકાકાએ અદભૂત રિંગબાઈક કરી તૈયાર જૂઓ વિગતવાર…

નાનપણથી જ કંઈક અલગ કરવાનું ગમતું
સુરતના અઠવા વિસ્તારમાં ધોરણ 7 ભણેલા 64 વર્ષિય નટુભાઈ પટેલ પરિવાર સાથે રહે છે. તેમના દીકરાઓના ઘરે પણ દીકરાઓ છે. 42 વર્ષ પહેલી શરૂ કરેલા શ્રીકૃષ્ણ ઓટો ગેરેજને આજે પણ નટુભાઈ ચલાવી રહ્યા છે. નટુભાઈને નાનપણથી જ કંઈક અલગ કરવાનું ગમતું હતું. અત્યાર સુધીમાં તેમણે નોર્મલ સાઇકલને બેટરી સાઇકલ, એક્ટિવા ટુ ઈન વન, બાઈક ટુઈન વન સહિતની બાઈક બનાવી છે.

42 વર્ષથી સામાન્ય ગેરેજ ચલાવતા નટુકાકા
નટુકાકા છેલ્લા 42 વર્ષથી સામાન્ય ગેરેજ ચલાવી રહ્યા છે. નટુ કાકાએ જણાવ્યું હતું કે, સાઈકલને બેટરીથી ચાલતી બનાવી ત્યારબાદ એક સચિનની એક કંપનીએ મને બોલાવ્યો હતો. ત્યાં હજુ પણ કામ ચાલુ જ છે. મને બોલાવે ત્યારે ત્યાં જવાનું અને તેનું કામ કરી આપવાનું. એક બાઈક કમ્પલેટ બનાવી દઉ ત્યારે મને 1700 રૂપિયા મળે છે. હું આવી એક દિવસમાં ત્રણ કમ્પલેટ કરી દઉ છું. 2019માં કામ શરૂ કર્યું હતું હજુ પણ ચાલી રહ્યું છે.

બાળકો ઘરે રિંગમાં રમતા હતા ને વિચાર આવ્યો
મને કંઈક નવું બનાવવાનો વિચાર હતો. આ દરમિયાન બાળકો ઘરે રિંગ સાથે રમતા હતા. જો આખી રિંગ ફરી જાય તો બાળકો પડી જતા હતા. જેથી તેના પર વજનીયા બાંધીને રિંગને આખી ફરતા બંધ કરી દીધી હતી. ત્યારબાદ આ રિંગ પરથી જ બાઈક બનાવવાનો વિચાર આવ્યો હતો. પછી આખી ડિઝાઈન તૈયાર કરી હતી. પહેલા રિંગ બનાવી તે થોડી લંબગોળ બની જેથી તે સરખી ચાલી ન હતી.

4 મહિનામાં આખી બાઈક તૈયાર કરી
રિંગ લોખંડની હતી એટલે તે સરખી રીતે ચાલે નહીં. જેથી તેના પર સાઈકલના ટાયર અને ટ્યુબને જોડીને આખી રિંગ પર ટાયર બનાવ્યા છે. રિંગને પણ સરખી કરી લેતા એકદમ ગોળ હોવાથી સરખી રીતે ચાલી હતી. ત્યારબાદ 4 મહિનામાં ભંગારમાંથી બાઈકને લગતા પાર્ટ શોધવાનું શરૂ કરી 4 મહિનામાં આખી બાઈક તૈયાર કરી દીધી હતી.

સ્ટિયરિંગ ટર્ન મારતું બનાવ્યું
પહેલા તો રિંગ હતી એટલે તે સીધી જ ચાલે, કોઈ મેદાન કે સીધો રસ્તો હોય તેમાં જ ચાલે એમ હતી. આ સાથે બેલેન્સ પણ રહેતું ન હતું. પછી એવું થયું કે હું એકલો ચલાવું એમાં મજા નહીં આવે. દુનિયાનો લોકો ચલાવે એવી બનાવવાના વિચાર સાથે સ્ટિયરિંગ ટર્ન મારતું બનાવ્યું હતું. આ સાથે આ બાઈક આખી ઈલેક્ટ્રિક છે.

30થી 35 કિમીની સ્પીડ અને એવરેજ
આ રિંગબાઈક 30થી 35 કિમીની ઝડપે ચાલે છે અને 30થી 35 કિમીની અવરેજ આપે છે. ઇલેક્ટ્રિક બેટરી કીટ, સ્ટીલની પાઇપ, બાઈકના જમ્પર અને બેલન્સ માટે ઘણાં ટેસ્ટ કર્યા ત્યારે તેને બેલેન્સ કરી શક્યા હતા. આ આખી બાઈકમાં ભંગારમાંથી સ્પેર પાર્ટસ લીધા છે એટલે કેટલાક સ્પેરપાર્ટ્સ સસ્તા મળ્યા હતા. તો કેટલાક સ્પેરપાર્ટ્સ ખૂબ જ મોંધા આવ્યા હતા. જેથી અત્યાર સુધીમાં 80થી 85 હજાર સુધીનો ખર્ચો થયો છે. હજુ તેને શણગારવામાં 5થી 10 હજાર રૂપિયાનો ખર્ચા થવાની શક્યતા છે.

નટુકાકાએ કહ્યું- જેટલા ઓર્ડર આવે એટલી બનાવવા તૈયાર
નટુકાકા જ્યારે રસ્તા પર રિંગબાઈક લઈને નીકળે છે. ત્યારે લોકો જોતા રહી જાય છે અને આ બાઈક ક્યાં બનાવડાવી અને કેવી રીતે બનાવી તે અંગે પૂછે છે. જ્યારે નટુકાકા કહે છે કે, આ બાઈક મેં જ બનાવી છે. તો સો કોઈ આશ્વર્યચકિત થઈ જાય છે. આ સાથે તેમને પણ આવી બાઈક બનાવવી છે એવું કહે છે. નટુકાકા પણ કહે છે કે જેટલા ઓર્ડર આવશે તે હું બનાવી દેવા તૈયાર જ છું.


Related Posts

Load more