ગુજરાતની શાળાઓમાંથી ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓની સંખ્યા 1 લાખથી પણ વધુ.

By: nationgujarat
21 Aug, 2023

અમદાવાદ : ગુજરાતમાં શિક્ષણની શું દશા છે તેની વાત કરીએ તો 32 હજાર શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. જ્યારે 14,652 શાળામાં માત્ર એક જ વર્ગ છે. આ સિવાય સરકારી શાળાઓમાં 38 હજાર વર્ગખંડોની ઘટ છે. તો 5612 સરકારી શાળાઓને મર્જ કરી દેવાઈ છે અથવા તો તાળાં મારી દેવામાં આવ્યા છે. મહત્વનું છેકે રાજ્ય સરકાર ભણશે ગુજરાત, તો આગળ વધશે ગુજરાત, સાક્ષરતા અભિયાન જેવા મિશન ચલાવી રહી છે. જેના માટે કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવે છે. પરંતુ બીજીબાજુ ગુજરાતમાં વિદ્યાર્થીઓ શાળાઓ છોડી રહ્યા છે.  ત્યારે શું આવી રીતે રાજ્યનું શિક્ષણનું સ્તર ઉંચું આવશે? રાજ્યમાં ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓની સંખ્યા 1 લાખથી વધારે પર પહોંચી ગયો છે. એકલા અમદાવાદમાં 10,000 વિદ્યાર્થીઓએ શિક્ષણ છોડ્યું છે. તો હવે ઘોડા છૂટ્યા પછી સરકાર તબેલાને તાળા મારવા નીકળી છે. દીકરા-દીકરીઓને શાળામાં પરત લાવવા સરકારે કવાયત હાથ ધરી છે. શિક્ષણ વિભાગે જિલ્લા શિક્ષણાધિકારીઓને આદેશ આપ્યો છે.

ભણે ગુજરાત, વાંચે ગુજરાતનો દાવો પોકળ સાબિત થયો છે. ત્યારે ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓનો આંક વધતા જ ગુજરાત સરકાર દોડતી થઈ છે. ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા શિક્ષણ વિભાગે કામગીરી હાથ ધરી છે, શિક્ષણ છોડી ગયેલા વિદ્યાર્થીઓને ટ્રેક કરી માહિતી એકત્ર કરવા શિક્ષણાધિકારીઓને સૂચના અપાઈ છે. અમદાવાદ જિલ્લાના 10 હજાર ડ્રોપઆઉટ વિધાર્થીઓને પાછા લાવવા આદેશ છુટ્યો છે. આ માટે ઓડિયો ક્લીપ જાહેર કરી શિક્ષણાધિકારીઓને સૂચના અપાઈ.  શિક્ષણ સચિવ વિનોદ રાવે શિક્ષણાધિકારીઓને માહિતગાર કર્યા અને એક ઓડિયો ક્લીપ જાહેર કરી શિક્ષણાધિકારીઓને સૂચના આપી છે.

ધોરણ 8 માંથી 9માં ગયેલા વિદ્યાર્થીઓનો ચિંતાજનક ડ્રોપ આઉટ રેશિયો સામે આવ્યો છે. શૈક્ષણિક વર્ષ 2023 – 24 માં 18 ટકા જેટલો ડ્રોપ આઉટ રેશિયો સામે આવતા શિક્ષણ વિભાગની ચિંતા વધી છે. ધોરણ 8માંથી ધોરણ 9માં પહોંચેલા 1,84,244 વિદ્યાર્થીઓને ટ્રેક કરવામાં હાલના તબક્કે શિક્ષણ વિભાગ નિષ્ફળ ગયું છે. ગત શૈક્ષણિક સત્રમાં ધોરણ 8માં 10 લાખ 21 હજાર 537 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. આ વર્ષે ધોરણ 9માં 8 લાખ 24 હજાર 508 વિદ્યાર્થીઓને જ ટ્રેક કરી શકાયા, 12,785 રિપીટર વિદ્યાર્થીઓને પણ શિક્ષણ વિભાગે ટ્રેક કર્યા છે.

રાજ્યમાં સૌથી વધુ ડ્રોપ આઉટ રેશિયો કચ્છમાં 26 ટકા, દ્વારકામાં 25 ટકા, બનાસકાંઠામાં 24 ટકા, છોટાઉદેપુર અને ડાંગમાં 23 ટકા હોવાનું સામે આવ્યું છે. તો દાહોદમાં 22 ટકા, રાજકોટ, સુરેન્દ્રનગર, પાટણ, મોરબી અને બોટાદમાં 21 ટકા, તો ભાવનગર, જામનગર, અમરેલીમાં 20 ટકા ડ્રોપ આઉટ રેશિયો છે.

તમામ 1,84,244 વિદ્યાર્થીઓની વિગતો CTS [Child Tracking System] માં જિલ્લાના login માં (Std 9 updation pending/untracked Students) ઉપલબ્ધ કરાવાઈ છે. CTS ના આધારે ટ્રેક ના થઇ શકેલા બાળકોને ટ્રેક કરી તેમના અપડેશનની કામગીરી સત્વરે પૂર્ણ કરવા આદેશ કરાયો. ધોરણ 8 બાદ ધોરણ 9માં રાજ્યના અન્ય જિલ્લાઓની વાત કરીએ તો ડ્રોપ આઉટનો સૌથી ઓછો દર નવસારીમાં 8 ટકા એ સિવાય અન્ય તમામ જિલ્લાનો ડ્રોપ આઉટ રેશિયો 10 ટકાથી લઈ 20 ટકા વચ્ચે છે.


Related Posts

Load more