BCCI વર્લ્ડ કપ માટે 4 લાખ ટિકિટો જાહેર કરશે:8મી સપ્ટેમ્બરે રાત્રે 8 વાગ્યાથી ખરીદી કરી શકશે

By: nationgujarat
08 Sep, 2023

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વર્લ્ડ કપ માટે 4 લાખ ટિકિટો બહાર પાડશે. 8 સપ્ટેમ્બરે રાત્રે 8 વાગ્યાથી ચાહકો આ ટિકિટો ખરીદી શકશે. ભારતની વર્લ્ડ કપ મેચોની ટિકિટ 10 મિનિટમાં જ વેચાઈ ગઈ. ઘણા ચાહકોને ટિકિટ ખરીદવાની તક પણ ન મળી, જેના પછી તેઓએ સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી.

આક્રોશ બાદ BCCIએ કહ્યું કે ભારતમાં ક્રિકેટની વાસ્તવિક જિંદગી ચાહકો જ છે. આને ધ્યાનમાં રાખીને બોર્ડે ટુર્નામેન્ટ માટે વધારાની ટિકિટો બહાર પાડવાનો નિર્ણય કર્યો હતો. ODI વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થશે. આખી ટુર્નામેન્ટ ભારતમાં જ યોજાવાની છે.

સ્ટેટ એસોસિયેશન સાથે વાત કર્યા બાદ નિર્ણય લેવાયો
પ્રેસ રીલીઝ જારી કરતી વખતે, BCCIએ જણાવ્યું હતું કે બોર્ડ 8 સપ્ટેમ્બરે ટિકિટ વેચાણ માટે એક નવો તબક્કો શરૂ કરશે. બોર્ડે કહ્યું, ‘વર્લ્ડ કપની ટિકિટોની ઘણી માગ છે, જેના કારણે પ્રશંસકો ટિકિટ મેળવી શક્યા નથી. આને ધ્યાનમાં રાખીને બોર્ડે હોસ્ટિંગ સ્ટેટ એસોસિએશન સાથે વાત કરી અને લગભગ 4 લાખ ટિકિટો બહાર પાડવાનો નિર્ણય લીધો છે.’

સત્તાવાર વેબસાઇટ પરથી ટિકિટ ખરીદી શકશે
BCCIએ કહ્યું, ‘ક્રિકેટ વર્લ્ડ કપની સામાન્ય ટિકિટનું વેચાણ 8 સપ્ટેમ્બરે રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે. ચાહકો ICCની સત્તાવાર વેબસાઇટ https://tickets.cricketworldcup.com/ પરથી ટિકિટ ખરીદી શકશે. આ પછી પણ, જો જરૂર પડશે, તો ચાહકોને ટિકિટ વેચાણના આગામી તબક્કા વિશે જાણ કરવામાં આવશે.’

ભારતની ટિકિટ 6 જુદા જુદા તબક્કામાં વેચવામાં આવી હતી
ભારતની વર્લ્ડ કપ મેચની ટિકિટ 6 અલગ-અલગ તબક્કામાં વેચાઈ હતી, પરંતુ ટિકિટનું વેચાણ શરૂ થયાની મિનિટોમાં જ તમામ ટિકિટો વેચાઈ ગઈ હતી. ભારત-પાક મેચની ટિકિટ ત્રીજી સપ્ટેમ્બરે વેચાઈ હતી, તે પણ થોડીવારમાં વેચાઈ ગઈ હતી. આ પછી, ચાહકોએ સોશિયલ મીડિયા પર BCCI અને બુક માય શો (ટિકિટ વેચવાની વેબસાઇટ)ની ટીકા કરી. એવું કહેવામાં આવ્યું હતું કે BCCIએ વેચાણ માટે કુલ ટિકિટમાંથી માત્ર 15થી 25% જ રજૂ કરી હતી.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14 ઓક્ટોબરે રમાનારી ભારત-પાકિસ્તાન મેચ પણ બહુ ઓછા દર્શકોને તે મેચની ટિકિટ મળી શકી હતી. જ્યારે આ મેદાનની પ્રેક્ષકોની ક્ષમતા એક લાખ 32 હજાર છે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ મેચની કેટલીક ટિકિટો 10થી 55 લાખ રૂપિયા સુધીની કિંમતમાં બ્લેકમાં વેચાઈ રહી છે.

ભારતની મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ
ભારત સિવાય અન્ય ટીમની મેચની વર્લ્ડકપ ટિકિટોનું વેચાણ 25 ઓગસ્ટથી શરૂ થઈ ગયું છે. ટીમ ઈન્ડિયાની વોર્મ-અપ મેચ સહિત લીગ સ્ટેજની તમામ મેચની ટિકિટો વેચાઈ ગઈ છે. પરંતુ અન્ય ટીમની મેચ ટિકિટ હજુ પણ ICCની સત્તાવાર વેબસાઇટ પર વેચાઈ રહી છે.

આ મહત્વની મેચની ટિકિટ હજુ વેચાઈ નથી
કેટલીક મહત્વપૂર્ણ મેચોની ટિકિટ હજુ પણ ICCની સત્તાવાર વેબસાઇટ પર સંપૂર્ણ રીતે વેચાઈ નથી. કેટલીક મહત્વપૂર્ણ મેચો નીચે મુજબ છે…

ઇંગ્લેન્ડ vs ન્યૂઝીલેન્ડ – અમદાવાદમાં 5 ઓક્ટોબરે રમાશે.

  • શ્રીલંકા vs પાકિસ્તાન – હૈદરાબાદમાં 10 ઓક્ટોબરે રમાશે.
  • ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 12 ઓક્ટોબરે લખનઉમાં રમાશે.
  • ઓસ્ટ્રેલિયા vs શ્રીલંકા – 16 ઓક્ટોબરે લખનઉમાં રમાશે.

ભારતની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે
ODI વર્લ્ડ કપની શરૂઆત 5 ઓક્ટોબરથી ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચથી થશે. 10 શહેરોમાં કુલ 48 મેચ રમાશે. ટુર્નામેન્ટની વોર્મ-અપ મેચો 29 સપ્ટેમ્બરથી શરૂ થશે. ભારતની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે 8 ઓક્ટોબરે ચેન્નઈમાં થશે. લીગ તબક્કાની છેલ્લી મેચ ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે 12મી નવેમ્બરે રમાશે. સેમિફાઈનલ 15 અને 16 નવેમ્બરે અને ફાઈનલ 19 નવેમ્બરે રમાશે.


Related Posts

Load more