BCCI હાર્દિક પંડયાના પરફોર્મન્સથી નારાજ, કેપ્ટેનશીપ જશે ?

By: nationgujarat
20 Aug, 2023

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરનાર જસપ્રીત બુમરાહે માત્ર પોતાની બોલિંગથી જ નહીં પરંતુ તેની કેપ્ટનશિપથી પણ તમામ ક્રિકેટ નિષ્ણાતોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. આયર્લેન્ડ સામેની T20 શ્રેણીની પ્રથમ મેચમાં, ભારતે ડકવર્થ એન્ડ લુઈસ (DLS) પદ્ધતિ હેઠળ યજમાન ટીમને 2 રને હરાવ્યું હતું. આ મેચમાં બુમરાહે શાનદાર બોલિંગ કરીને બે વિકેટ ઝડપી હતી. બુમરાહે 6 બોલરોનો ઉપયોગ કર્યો અને તે બધાને સારી રીતે ફેરવ્યા.

જસપ્રીત બુમરાહ  વર્લ્ડ કપ જેવી મોટી ઈવેન્ટમાં વાઈસ કેપ્ટન તરીકે જોવા મળી શકે છે.  ભારતીય ટીમના સત્તાવાર કેપ્ટન રોહિત શર્મા છે, પરંતુ ટીમ ઈન્ડિયા પાસે કોઈ સત્તાવાર ઉપ-કેપ્ટન નથી. દરેક પ્રવાસમાં અલગ-અલગ વાઇસ-કેપ્ટનની નિમણૂક કરવામાં આવે છે. તાજેતરના મહિનાઓમાં, હાર્દિક પંડ્યા રોહિત શર્માની ગેરહાજરીમાં વન-ડે ઈન્ટરનેશનલમાં ટીમનું સુકાન સંભાળતો જોવા મળ્યો છે.

આયર્લેન્ડ પ્રવાસ પુરો થયા બાદ ભારતીય ટીમ એશિયા કપમાં ભાગ લેવાની છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ જસપ્રિત બુમરાહને એશિયા કપ માટે ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવી શકે છે. એટલે કે હાર્દિક પંડ્યા કરતાં બુમરાહને મહત્વ આપવામાં આવી શકે છે. નિષ્ણાતોના મતે જસપ્રીત બુમરાહને આયર્લેન્ડ સામે કેપ્ટન બનાવવામાં આવ્યો હતો જેથી કરીને તેને એશિયા કપમાં વાઇસ કેપ્ટન તરીકે પસંદ કરી શકાય.

તાજેતરના કેટલાક પ્રવાસોમાં, હાર્દિક પંડ્યાને વનડેમાં વાઇસ-કેપ્ટન અને ટી-20માં કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવી રહ્યો છે. પરંતુ વેસ્ટ ઈન્ડિઝ સામે ટી20 સીરીઝ હાર્યા બાદ તેની કેપ્ટનશીપ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. ઘણા વિચિત્ર નિર્ણયો માટે હાર્દિકની આલોચના થઈ હતી, જેના કારણે તેને એશિયા કપ અને વર્લ્ડ કપમાં વાઇસ કેપ્ટન્સી આપવામાં ન આવી શકે.

એશિયા કપ 30 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી શ્રીલંકા અને પાકિસ્તાનમાં રમાશે. 50 ઓવરના ફોર્મેટવાળી આ મેગા ટુર્નામેન્ટ માટે સોમવારે (21 ઓગસ્ટ) ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવનાર છે. તમને જણાવી દઈએ કે એશિયા કપ પછી ભારતીય ટીમે ઓક્ટોબર-નવેમ્બરમાં ODI વર્લ્ડ કપ 2023 પણ રમવાનો છે, જેના કારણે આ ટૂર્નામેન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે.


Related Posts

Load more