BAPS – પ. પૂ. મહંતસ્વામીજીના સાનિધ્યમાં બોચાસણ ખાતે કાર્તિકી પૂનમ – દેવ દિવાળીના ઉત્સવની ઉજવણી કરવામાં આવી

By: nationgujarat
27 Nov, 2023

તા.૨૭ નવેમ્બર, ૨૦૨૩ સોમવારે બી.એ.પી.એસ.ના ગાદીસ્થાન બોચાસણમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પાવન સાનિધ્યમાં કાર્તિકી પૂનમ અને દેવ-દિવાળીનો ઉત્સવ ભવ્યતા અને દિવ્યતાથી ભક્તિસભર રીતે ઉજવાયો હતો. દેવ-દિવાળી નિમિતે મંદિરમાં ભગવાન સમક્ષ વિવિધ વાનગીઓનો કલાત્મક અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. કાર્તિક પુર્ણિમાનું વિશેષ માહાત્મ્ય હોઈ, વળી પ્રતિવર્ષ પ્રગટ સત્પુરુષના સાનિધ્યમાં બોચાસણ ખાતે આ સમૈયો ઉજવાતો હોઈ, સમગ્ર ચરોતર અને દૂર-સૂદૂરથી હરિભક્તો આ ઉત્સવનો લાભ લઈને વર્ષની શરૂઆતમાં જ દેવ દિવાળીએ ભગવાન અને ગુરુના દર્શન – આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે.

સવારે ૮.૩૦થી શ્રી સ્વામિનારાયણ બાગ – બોચાસણ ખાતે આજના ઉત્સવની મુખ્ય સભા  “બી..પી.એસ. સંસ્થાના વિકાસના મૂળમાં સાધુતા” એ કેન્દ્રિય વિચાર સાથે થઇ હતી. જેમાં વિદ્વાન સંતોએ વિષયને આનુષંગીક પ્રેરક વક્તવ્યો આપ્યા હતા. ધૂન- કીર્તન બાદ પૂજ્ય અનિર્દેશ સ્વામીએ આજના ઉત્સવનો મહિમા વર્ણવીને બી.એ.પી.એસ સંસ્થાના સર્વાંગી વિકાસની ગાથા રજૂ કરીને તેના મૂળમાં અક્ષરબ્રહ્મ સ્વરૂપ ગુણાતીત સત્પુરુષની “સાધુતા”નું મૂલ્ય એટલે: “નિયમ ધર્મ”, “નિર્મળ અંતઃકરણ” અને “ભગવાન પ્રત્યેની નિષ્ઠા”ના ગુણોના સામર્થ્યને ગણાવ્યું હતું.

ત્યારબાદ વિદ્વાન વક્તા સંતોએ તેઓના વક્તવ્યોમાં સાધુતાના આ ગુણો ગુણાતીત સત્પુરુષમાં કઈ રીતે વિદ્યમાન છે તેની વિશેષ છણાવટ કરીને પ્રગટ સત્પુરુષની સાધુતાનું દર્શન કરાવ્યુ હતું.

પૂજ્ય નારાયણમુનિ સ્વામીએ ગુણાતીત સત્પુરુષમાં “નિયમ ધર્મઅંતર્ગત જણાવ્યુ હતું કે સ્વામીશ્રીના જીવનમાં ભગવાન અને ગુરુના પ્રત્યેક આજ્ઞા વચનોની આજીવન દ્રઢતા છે. નિયમ ધર્મના ભોગે એમને કશું જ ખપતું નથી.બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં નિયમ ધર્મ પાલનનું સાતત્ય સૌએ અનુભવ્યું છે. સત્પુરુષના જીવનમાં આવી દ્રઢતા જોઈને સત્સંગ સમાજમાં અનેક સંતો, હરિભક્તો અને નાના નાના બાળકોના જીવનમાં પણ ધર્મ નિયમની દ્રઢતાના હજારો પ્રસંગો નોંધાયા છે.  સદગુરુ સંતવર્ય પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ પ્રેરણા વચનો આપતા જણાવ્યુ કે “ભગવાનમાં નિષ્ઠા અને ભગવાનનો દ્રઢ આશરો હોય તો સતત તેમને રાજી કરવાના વિચારથી નિયમ ધર્મની દ્રઢતા થાય છે”. નિયમ પાળવાથી ભગવાન રાજી થાય છે.

સાધુતા એટલે “નિર્મળ અંતઃકરણ” એ વિષયક પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામીએ સ્વામીશ્રીની અજાત શત્રુતાના ગુણો અંતર્ગત તેમને કોઈનો વિરોધ નહીં, કોઈ સાથે સ્પર્ધા નહીં, બધાનું ભલું કરવાની, બધાને મદદ કરવાની ભાવનાના ગુણોને ઉજાગર કરતાં પ્રસંગો વર્ણવ્યા હતા.સ્વામીશ્રીના નિર્મળ અંતઃકરણને ઉજાગર કરતાં વિડીયો દર્શન બાદ સદગુરુ સંતવર્ય પૂજ્ય કોઠારી સ્વામી (પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી)એ જણાવ્યું ” કામ – ક્રોધ વગેરે દોષોથી રહિત નિર્મળ અંતઃકરણ હોય તો ભગવાન રાજી થાય છે અને આપણી સેવાને તેઓ સ્વીકારે છે. આપણામાં આંતરબાહ્ય શુદ્ધિ આત્મસાત થાય તે અંગે પ્રેરણાઓ આપી હતી. આ પ્રસંગે વિશિષ્ટ સેવા કરનાર હરિભક્તોને હાર પહેરાવી સન્માન્યા હતા.

સાધુતા એટલે “ભગવાન પ્રત્યેની નિષ્ઠા” એ વિષયક સદગુરુ સંતવર્ય પૂજ્ય વિવેકસાગર સ્વામીએ સ્વામીશ્રીમાં ભગવાન પ્રત્યે વિશ્વાસ, તેઓની ભગવાન પ્રત્યેની કર્તાપણાની સમજણ, સત્પુરુષના જીવનમાં ભગવાનની પ્રધાનતા, એમના જીવનના કેન્દ્રમાં ભગવાનનું સ્થાન, એમના ભક્તિમય જીવન અને ભગવત પરાયણતાના પ્રસંગો વર્ણવી સ્વામીશ્રીની ભગવાન પ્રત્યેની નિષ્ઠાને ઉજાગર કરી હતી.

બી.એ.પી.એસ. સંસ્થાના આંતરરાષ્ટ્રીય કન્વીનર અને સદગુરુ સંતવર્ય પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ આપણા જીવનમાં ભગવાનની નિષ્ઠા કઇ રીતે દ્રઢ થાય તેનું સુંદર માર્ગદર્શન આપ્યું હતું. બી.એ.પી.એસ સંસ્થા દ્વારા વિશ્વ સ્તરે સામાજિક સેવાઓ પૈકી આરોગ્ય ક્ષેત્રે નુતન આયામ અંતર્ગત સતત ૨૦ વર્ષથી આરોગ્ય સેવામા કાર્યરત વડોદરાના અટલાદરા ખાતેની સંસ્થાની “શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ”માં કેથલેબ સુવિધા શરૂ કરવા અંગે જાહેરાત કરી હતી.

આ પ્રસંગે વરિષ્ઠ સદગુરુ સંતવર્ય પૂજ્ય ડોક્ટર સ્વામીએ પ્રાસંગિક પ્રવચનમાં જીવન શુદ્ધિના પાઠ શીખવતા જણાવ્યું હતું “બીજા માટે ઘસાવું, સહન કરવું, મનગમતું મૂકવું અને બીજાને અનુકૂળ થવું” વગેરે  શુભ પ્રેરણાઓ આપી હતી.

આ પ્રસંગે વરિષ્ઠ સંતોએ હારતોરાથી પરમ પૂજ્ય સ્વામીશ્રીને વધાવ્યા હતા.

આ સાથે અડાસના બાળકો-યુવકોએ અક્ષર પુરુષોત્તમના ડંકા દિગંતમાં સંભળાય છે‘ તે ભક્તિસભર નૃત્ય રજુ કર્યું હતું.

સભાના અંતમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આશિર્વાદ આપતા જણાવ્યું હતું કે, “ભગવાન કર્તાહર્તા છે એમની મરજી વગર પાંદડું હલી શકે એમ નથી. વાત આપણે જીવમાં દ્રઢ કરવી. મહારાજ અને સ્વામીની નિષ્ઠા જીવનમાં દ્રઢ કરવી“.

આજના પ્રસંગે અંદાજીત ૨૫ હજાર ઉપરાંત હરિભક્તોએ ઉપસ્થિત રહી લાભ પ્રાપ્ત કર્યો હતો. તમામ હરિભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.


Related Posts

Load more