BAPS – આજે પ્રમુખ સ્વામીનો 102માં પ્રાગટ્ય દિવસ, વાંચો વિશેષ અહેવાલ

By: nationgujarat
07 Dec, 2023

 

અજોડ સર્જક પ્રમુખસ્વામી મહારાજ

સાધુ કૌશલમૂર્તિદાસ

BAPS સંસ્થા

એ જ હવા, એ પાણી અને એ જ ખોરાક આપણે લઈએ છીએ, અને મહાપુરુષો લે છે, પણ એકને ‘સજ્જન’ પુરુષ કહેવામાં પણ શરમ આવે અને બીજાને મહાપુરુષ, યુગવિભૂતિ કે ભગવત્સ્વરૂપ જેવા શબ્દોથી નવાજ્યા પછી પણ હોઠથી માંડી ને હૈયા સુધી ક્યાંય સંતોષ નથી થતો !

‘પ્રમુખસ્વામી મહારાજ’ નામ આજે હજારો લોકો માટે દંતકથા સમાન બની રહ્યું છે. જેમણે એમને નિકટથી જોયા છે, તેમને એમનામાં કઈ વિશેષતાનાં દર્શન થાય છે? વૈશ્વિક પ્રતિભા હોવા છતાં, નહોતું તેમની પાસે વૈશ્વિક ભાષા અંગ્રેજી કે રાષ્ટ્રીય ભાષા હિન્દી પરનું પ્રભુત્વ ! નહોતા એ વ્યાસપીઠના પ્રકાંડ વક્તા, નહોતું એમની પાસે શબ્દોના વીજળી જેવા ચમકારા કે વેશાભુષાનું  પ્રભામંડળ. વિદ્વત્તાની છાંટ પણ એમના સરળતા નીતરતા વ્યક્તિત્વમાં દેખાતી નથી. તે છતાં એવું શું હતું, કે ભૂમંડળની સર્વોચ્ચ કળાઓના જાણકારોએ તેમના શરણમાં સુખ માન્યું છે ? એક હજારથી અધિક ઉચ્ચશિક્ષિત અને ઉચ્ચ ખાનદાનના યુવકોને બ્રહ્મચર્યના પાલન સાથે ત્યાગી બનાવી સંસારની રચનાત્મક સેવાઓમાં જોડી શક્યા છે?

ઘણાને આશ્ચર્ય છે આજે ૧૦૨માં વર્ષમાં પ્રવેશ કરનાર આ યુગવિભૂતિનાં કાર્યોથી. જિંદગીનાં એકાવન વર્ષ માત્ર અને માત્ર પડદા પાછળ રહીને તેઓ સમાજ માટે જાતને નીચોવતા રહ્યા હતા. ૧૯૭૧માં એકાવન વર્ષની વયે જ્યારે બી.એ.પી.એસ. સંસ્થામાં સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુપદે આસીન થયા, ત્યારે એમની આંખોમાં જે ઋજુતા, સાધુતા, સરળતા અને સમર્પણનો સમંદર ઘુઘવતો હતો, આજે સમગ્ર હિન્દુ સમાજના વિશ્વગુરુની કક્ષાએ બિરાજમાન થયા છતાં તેમની ચોપાસ એ જ સુકુમાર સૌમ્યતાનાં સ્ફુલ્લિંગો જોવા મળે છે.

૫૦ વર્ષોમાં એમના દ્વારા થયેલાં વિદ્યામંદિરો, સંસ્કારધામો, ગુરુકુળો, રાહતકાર્યો, હોસ્પિટલો કે વ્યસનમુક્તિ યજ્ઞો જેવા વિરાટ કાર્યોની યાદી આપીશું તો આ જગ્યા માત્ર સાદી જાણકારીનું અઘરું લિસ્ટ જ બનશે. અઘરું એટલા માટે કે બી.એ.પી.એસ. સંસ્થાનાં વિશ્વપટે પચાસ દેશોમાં ફેલાયેલાં સવાસોથી વધુ સામાજિક, શૈક્ષણિક આધ્યાત્મિક સેવાકાર્યોને આ નાનકડો કાગળપટ કેવી રીતે સમાવી શકે?

વાંચો, આ યુગના વિરલ ત્યાગમૂર્તિ પ્રમુખસ્વામી મહારાજની અપરિગ્રહતાને ! એક વાર તેઓ ટ્રેનમાં આણંદથી મુંબઈ જઈ રહ્યા હતા. રિર્ઝવેશનની ટિકિટ રૂ.૫૦ આપવાના બાકી નીકળતા હતા. ટી.ટી.એ આવીને તેની માંગણી કરી. સંજોગવશાત્ સ્વામીશ્રી તથા સંતો સાથે તે સમયે એક પણ સત્સંગી ગૃહસ્થ હાજર ન હતા. સ્વામીશ્રીએ ટી.ટી.ને વિનંતી કરી કે અમારી પાસે તો એક કોડી પણ નથી. પરંતુ આગલા સ્ટેશને કોઈ સત્સંગી સદ્ગૃહસ્થ આવશે તેઓની પાસેથી આપને રૂપિયા અપાવી દઈશું. ટી.ટી. અને આજુબાજુ બેઠેલા અન્ય ભાવિકોને નવાઈ લાગી. જેઓની આજ્ઞાથી સંસ્થા દ્વારા કરોડો રૂપિયા છાત્રોની શિષ્યવૃત્તિ માટે વપરાયા છે અને કરોડો રૂપિયા ભૂકંપ કે દુષ્કાળ જેવી કપરી સ્થિતિમાં લોકોની સહાય માટે ખર્ચાયા છે એ વિશ્વવ્યાપી સંસ્થાના સૂત્રધાર પ્રમુખસ્વામી મહારાજ પાસે રૂપિયા પચાસ જેવી નજીવી રકમ પણ નથી ! ત્યાં બેઠેલા ઘાટકોપરના એક સજ્જને તરત જ એ રૂપિયા ભરપાઈ કરી દીધા. ‘ત્યાગીએ પોતાની નામે કે પોતાના પાસે પોતાનો કરીને એક પૈસો પણ ન રાખવો.’ ભગવાન સ્વામિનારાયણની આ આજ્ઞાનું ચુસ્તપણે પાલન કરનાર સ્વામીશ્રીને મન માળા એ જ મૂડી છે અને એમનું નિર્ભય નાણું માત્ર પરમાત્મા છે. લાખો લોકોને આ પ્રતીતિ એટલી ઊંડી છે કે લોકો સ્વામીશ્રીના વચને સમાજનાં રચનાત્મક કાર્યોમાં પોતાના ખજાના ખાલી કરતાં લેશ પણ અચકાતા નથી.

૧૯૮૭ના દુષ્કાળમાં બી.એ.પી.એસ. દ્વારા સ્વામીશ્રીએ કેટલકેમ્પ શરૂ કરાવેલા. મુંબઈમાં એક સજ્જને આવીને સ્વામીશ્રીને કહ્યું, ‘આપની સંસ્થા અમને વિશ્વસનીય લાગે છે. મારે રૂપિયા સવા લાખનું દાન કરવું છે. આપ સ્વીકારો.’ સ્વામીશ્રીએ શાંતિથી વાત સાંભળીને કહેલું, ‘અત્યારે અમારે ત્યાં પૂરતું દાન આવી જ ગયું છે. જો તમે રાજી હો તો અમરેલી, ગઢડા અને બોટાદમાં ચાલતા અન્ય સંસ્થાઓના ઢોરવાડાઓને પૈસાની સખત જરૂર છે. તમે આ દાન ત્યાં આપી આવો !

લોકોના વિશ્વાસનો વિકાસ આવી અનાસક્તિનો આધાર લઈને ઊંચકાતો રહે છે….

એક કરોડ કોહીનૂર કરતાં અને દસ કરોડ સ્યમંતક મણિઓ કરતાં આપણી સાંસ્કૃતિક વિરાસત અને તેનું જ્ઞાન વધારે કિંમતી છે એમ તમે માનો છો?  આપણી નવી પેઢી સંસ્કારો, સંયમ, મૂલ્યનિષ્ઠા અને આપણા ઇતિહાસનાં જ્વલંત પાત્રો, ઋષિઓ, અવતારો અને ભારતીય જ્ઞાનવારસાના માલિકોને વિસારે પાડતા જાય છે, તેમ તમને નજરે દેખાય છે ? જો આવું અમૂલ્ય જ્ઞાન કોહિનૂરો કરતાં પણ મોંઘું હોય તો એ જ્ઞાન અને આપણા સમૃદ્ધ વારસાના ગૌરવને, આવનારી હજારો પેઢીઓ સુધી વહેતું રાખે તેવા અક્ષરધામના નિર્માણ પાછળનો ખર્ચ કેટલો મામૂલી છે !

કાકાસાહેબ કાલેલકરે મંદિરને તેની સમાજિક સેવાની ફરજો પ્રત્યે જાગૃત કરતો લેખ ૧૯૩૦માં લખ્યો હતો. પણ આજે આખું ગુજરાત જાણે છે અને સાથે સાથે બી.એ.પી.એસ. દ્વારા પાઠ્યપુસ્તકોથી માંડી છાત્રવૃત્તિઓ મેળવનારા હજારો-હજારો આદિવાસી બાળકો પણ અનુભવપૂર્વક જાણી ચૂક્યા છે કે સંસ્થાનાં મંદિરો છેલ્લાં ૧૦૦ વર્ષોથી દુષ્કાળે-દુષ્કાળે, અતિવૃષ્ટિની હોનારતોમાં, ભૂકંપના તાંડવો પછી અને ત્સુનામીના ચિત્કારો પછી દેશભરમાં સહાયોની ગંગોત્રી બનીને લાખો લોકોની આંતરડી ઠારતાં રહ્યાં છે. માત્ર ગુજરાત સરકાર જ નહીં, છેક યુનો (UNO) સુધી બી.એ.પી.એસ. સંસ્થાનાં સેવાકાર્યોની નોંધ લેવાતી રહી છે. જો તમને જાણ ન હોય તો કહેવાનું કે ભૂકંપગ્રસ્ત ગામ અને અન્ય ગામોમાં થઈને ૮૦ થી વધુ શાળાઓ-વિદ્યામંદિર બાંધનારી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા ગુજરાતની ધર્મસંસ્થાઓમાં સૌથી પ્રથમ ક્રમે બિરાજમાન છે.

જેમને પોતાનું એક કુટુંબ પણ નથી, જેમના નામે જગતમાં એક ટુકડો જમીન નથી, રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપ્રમુખોથી માંડીને અદના-આદમી  જેમને પોતાના હૃદયમાં સ્થાન આપે છે, પણ જેઓ કેવળ સિદ્ધાંતને વરેલા રહીને પરમાત્મસુખના જ ભોક્તા રહે છે, જેમને ૯૫ વર્ષનું બહુજનસુખાય, બહુજનહિતાય જીવન વ્યતીત કર્યા પછી પણ, હજુ યે જગતભરમાં ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મનાં મૂલ્યોનો પ્રચાર, પ્રસાર અને વિકાસ થતો રહે તે જોવામાં જ આત્મતૃપ્તિ  વળે  છે તેવા જ લોકોત્તર પુરુષ પ્રમુખસ્વામી મહારાજના વરદ હસ્તે ‘અક્ષરધામ’ જેવા અદ્વિતીય પરિસરનું સર્જન શક્ય બનતું હોય છે. ભગવાન તેવા જ નિષ્કલંક હાથ અને અધ્યાત્મસભર હૈયામાંથી વહેતી શ્રદ્ધાંજલિની આશા રાખતો બેઠો હોય છે.

અમદાવાદના ડાયમંડ એસોસિયેશનના પૂર્વપ્રમુખ વલ્લભભાઈ જી. પટેલે પાંત્રીસ હજાર ભાવિકોની સભામાં અને પ્રમુખસ્વામીની ઉપસ્થિતિમાં એક ભયાવહ આંકડો દર્શાવતાં કહ્યું હતું કે ‘અમારા સવા લાખ જેટલા હીરાના કારીગરો સરેરાશ રોજના વીસ રૂપિયા ગુટખા, તમાકુ, બીડી કે અન્ય વ્યસનો પાછળ વાપરે છે. જેના વાર્ષિક ખર્ચનો ગુણાકાર પહોંચે છે રૂપિયા ૯૦ કરોડ.’

દારુ, પાર્ટીઓ, વ્યભિચારની ‘ગંગોત્રી’ જેવી હોટલો, ક્લબો, પાર્લર કે મોજમજાના નામે વૃત્તિ બહેકાવનારાં સ્થળો આજે બિલાડીના ટોપની જેમ વધતા રહે છે, જે આપણી યુવા પેઢીના સત્ત્વને જળોની જેમ ચુસતા રહે છે. તેવા અનીતિધામોના ખર્ચા આપણી પ્રજાને કેમ વાગતા નથી ? પૂજ્ય પ્રમુખસ્વામીની આજ્ઞાથી સત્સંગી સમુદાય આવા વિપરીત ખર્ચાઓ બચાવીને પોતાનું ધન ભગવાન સ્વામિનારાયણના ચરણે ‘અક્ષરધામ’ સમાં સાસ્કૃતિક ધામોના નિર્માણ માટે  વાપરે છે, ત્યારે આપણે આત્મવિશ્વાસથી એટલું જરૂર કહી શકીએ  કે જે ધામો સ્વામીશ્રી સમા ભગવત્સ્વરૂપ સંતના સંકલ્પથી અને તેઓના સમર્પિત સમુદાયના ભગીરથ પુરુષાર્થથી આ ધરતી પર સર્જાયાં છે, એવાં સ્થાનો માટેની અખૂટ શ્રદ્ધા માનવી હૃદયમાંથી યુગો સુધી પણ મટવાની નથી.

સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આપણી પાસે વૈદિક વિરાસતનો વિશ્વને પરિચય કરાવે તેવું એક પણ તીર્થ ભારતભૂમિમાં બન્યું ન હતું. સ્વામીશ્રીએ તે સર્જીને એક નવયુગના નિર્માણનો શંખનાદ કરી દીધો છે. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થામાં પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ દર છ દિવસે એક મંદિર બાંધે છે. એટલે સન ૨૦૦૭માં તેઓનું ‘ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝ’ દ્વારા સમ્માન થયું હતું. સ્વામીશ્રીનાં કરકમળો દ્વારા બી.એ.પી.એસ. સંસ્થાનાં કૂલ ૧૨૦૦ કરતાંય વધુ મંદિરો સ્થાપાયાં છે, જે માનવ-ઉત્કર્ષનાં મહાન કેન્દ્રો છે. આજથી ૧૦૦ વર્ષ પહેલા સ્વામી વિવેકાનંદજીએ વ્યાખ્યાનો દ્વારા અમેરિકાની ધરતી પર હિન્દુ ધર્મનો ઉદ્ઘોષ કર્યો હતો, પ્રમુખસ્વામી મહારાજે હજારો વર્ષ સુધી સંસ્કૃતિની વિજયધજા લહેરાવતાં ભવ્ય ગગનચુંબી શિખરબદ્ધ મંદિરો સર્જીને પશ્ચિમની ધરતી પર હિન્દુ ધર્મની શાશ્વત પ્રતિષ્ઠા કરી છે. યુરોપ, અફ્રિકા, અમેરિકા, આસ્ટ્રેલિયા વગેરે ખંડોમાં કૂલ મળીને ૧૫૦ જેટલા મંદિરોનું તેમણે સર્જન કર્યું છે. વિશ્વના સૌથી મોટા મંદિર-ધર્મસ્થાન તરિકે છવાયેલા અંગકોરવાટના વિષ્ણુમંદિર રચાયા પછી વિદેશની ધરતી પર છેલ્લાં ૧૦૦૦ વર્ષમાં કલાસ્થાપત્યમાં અજેય પરંપરાગત ભારતીય સ્થાપત્ય શૈલીનાં પત્થરના મંદિરો રચવાનું સૌથી મોટું શ્રેય પ્રમુખસ્વામી મહારાજને જાય છે.

આ મંદિરોની સાથે જ આપણાં શાસ્ત્રોના પ્રાચીન  અને અનુભવપૂત જ્ઞાનને આધુનિક ટેકનોલોજીના માધ્યમ દ્વારા નવી પેઢી સુધી પહોંચાડવાની અજોડ અને મૌલિક સેવા પ્રમુખસ્વામી મહારાજે કરી છે : ‘વૉટર શો’ ના નિર્માણ દ્વારા. દિલ્હી અને ગાંધીનગરના અક્ષરધામમાં આ વૉટર શોમાં  લેસર, ફાયર, એનિમેશન, વૉટર સ્ક્રીન વગેરે નવીનતમ ટેકનોલોજીના માધ્યમથી પ્રમુખસ્વામી મહારાજે ભારતીય સંસ્કૃતિની અદ્ભુત વિરાસતનો સમસ્ત જગતને એક અદ્વિતીય પરિચય આપ્યો છે. જે આપણા સનાતન આધ્યાત્મિક વારસાની અદ્ભુત અને અજોડ પ્રસ્તુતિ છે.

માનવ, વિદ્યામંદિરોથી માત્ર વિદ્યા શીખશે તો બુદ્ધિનો વિકાસ જરૂર કરશે, પણ આસ્થા અને આત્મશ્રદ્ધાનો નહીં. મંદિરોએ ભારતની આત્મશ્રદ્ધાને સંકોરી છે. પ્રત્યેક ભારતીય નાગરિકનું મસ્તક ગર્વભેર ઊંચું રહે તેવી અસ્મિતા ભરી છે. ‘માત્ર ૪૫ વર્ષમાં ધર્મભૂમિ ભારતમાં આવાં સંસ્કારધામો આટલી મોટી સંખ્યામાં સર્જાય એ…. ચમત્કાર માત્ર યુગ પ્રવર્તક પ્રમુખસ્વામી મહારાજ દ્વારા જ ભગવાનને સિદ્ધ કરાવવો હતો.’ એમ કહીને એક વખતના શંકરાચાર્ય અને ભારતમાતા મંદિરના સંસ્થાપક મહામંડલેશ્વર સ્વામી સત્યમિત્રાનંદજી મહારાજ કહે છે, ‘‘યદા યદા હિ ધર્મસ્ય’ શ્લોક તો બહુત સુના હૈ, લેકિન મુઝે લગતા હૈ, યહ શ્લોક ૨૧વીં શતાબ્દી મેં ફિર સે ચરિતાર્થ કરને કે લિયે પરમાત્માને પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ કો પ્રેરિત કિયા હૈ. કોઈ સામાન્ય વ્યક્તિ ઇતને સમય મેં ઇતને સારે તીર્થધામોં કા નિર્માણ નહીં કર સકતા. સ્વામીજી ભલે એક સંપ્રદાય મેં બિરાજમાન હૈં, લેકિન વે ભગવત્સ્વરૂપ હૈં.’’

સનાતન વૈદિકધર્મના જ્યોતિર્ધર અને આસ્થાશૂન્ય હૃદયોમાં  ઈશ્વરશ્રદ્ધાનો પ્રાણ ફૂંકનાર, નિરાશાની કગાર પર પહોંચી રહેલા ધર્મરક્ષકોમાં  આશાની જ્યોતિ પ્રગટાવનાર ગુજરાતના પનોતાપુત્ર અને પરમાત્માના લાડકવાયા સંત પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ચરણોમાં તેઓના ૧૦૨મા પ્રાગટ્ય દિને કોટી કોટી વંદન !

 

 


Related Posts

Load more