અયોધ્યામાં રામલલાની મૂર્તિ કાળી કેમ છે? શિલ્પકાર અરુણ યોગીરાજના પત્નીએ જણાવ્યું ખાસ પથ્થર પસંદ કરવા પાછળનું કારણ

By: nationgujarat
25 Jan, 2024

અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનીને તૈયાર થઈ ગયું છે અને રામલલાની મૂર્તિના દર્શન પણ બધાને થઈ ગયા છે. જોકે હવે સવાલ એ થઈ રહ્યો છે કે રામલાલાની મૂર્તિ કાળા રંગની કેમ છે? તો આ મૂર્તિ માટે ઉપયોગમાં લેવાયેલ કૃષ્ણ શિલાના ગુણ વિશે અહીં વિગતવાર જાણી લઈએ.

અયોધ્યામાં રામ મંદિરના (Ayodhya Ram Mandir) ગર્ભગૃહમાં સ્થાપિત રામ લલ્લાની મૂર્તિની તસવીરો સામે આવ્યા બાદ કરોડો ભક્તોએ તેના દર્શન કર્યા. જોકે બધાને એક સવાલ થઈ રહ્યો છે કે રામલલાની મૂર્તિ કાળા રંગની કેમ રાખવામાં આવી છે. રામલલાની મૂર્તિ માટે ઉપયોગમાં લેવામાં આવેલા કાળા પથ્થર એટલે કે કૃષ્ણશિલા વિશે બહુ ઓછા લોકો જાણે છે. ત્યારે આ મૂર્તિને તૈયાર કરનાર શિલ્પકાર અરુણ યોગીરાજની પત્ની વિજેતા યોગીરાજે જણાવ્યું કે રામલલાની મૂર્તિ બનાવવા માટે આ પથ્થરનો ઉપયોગ કરવાનું ઘણાં ખાસ કારણ છે.

કૃષ્ણ શિલા એ એવા ગુણ છે કે જ્યારે તમે અભિષેક કરો છો, એટલે કે જ્યારે તમે મૂર્તિને દૂધ ચઢાવો છો, ત્યારે તમે તેનું સેવન કરી શકો છો. તેનાથી તમારા સ્વાસ્થ્ય પર કોઈ અસર થતી નથી. આ પથ્થરને કારણે દૂધના ગુણોમાં કોઈ ફેરફાર થતો નથી. આ કારણોસર આ પથ્થરની પસંદગી કરવામાં આવી છે. કારણ કે તે કોઈપણ એસિડ કે આગ કે પાણી સાથે પ્રતિક્રિયા આપતું નથી.

આ ઉપરાંત આ પથ્થર પર હવા અને સમયની અસર પણ ખૂબ જ સામાન્ય હોય છે જેના કારણે મૂર્તિ એક હજાર વર્ષથી વધુ સમય સુધી ચાલશે. અરુણ યોગીરાજના પત્ની વિજેતા યોગીરાજે એમ પણ કહ્યું કે ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપના માટે રામલલાની મૂર્તિ બનાવતી વખતે અરુણ યોગીરાજે ઋષિ જેવી જીવનશૈલી અપનાવી હતી. વિજેતા યોગીરાજે જણાવ્યું કે મૂર્તિ તૈયાર કરવાના સમગ્ર સમય દરમિયાન અરુણ યોગીરાજે ‘સાત્વિક ખોરાક’ જેમાં ફળો અને અંકુરિત અનાજના મર્યાદિત આહાર સાથે છ મહિના પસાર કર્યા.

અયોધ્યા રામ મંદિરના ‘ગર્ભ ગૃહ’માં સ્થાપિત કરવા માટે અરુણ દ્વારા બનાવવામાં આવેલી રામલલાની મૂર્તિની પસંદગી પર ખુશી વ્યક્ત કરતાં વિજેતાએ કહ્યું, “અમે તેના વિશે ક્યારેય વિચાર્યું ન હતું. પરંતુ અરુણમાં ઘણી પ્રતિભા છે. તેમની કળાને સમગ્ર વિશ્વમાં માન્યતા અને પ્રશંસા મળવી જોઈએ. વિજેતાના જણાવ્યા અનુસાર, અરુણ યોગીરાજ પાંચમી પેઢીના શિલ્પકાર છે. જેણે 11 વર્ષની ઉંમરે કોતરકામ કરવાનું શરૂ કર્યું અને ત્યારથી તે તેના પરિવારની સમૃદ્ધ પરંપરાનું પ્રતીક બની ગયું છે.

મૂર્તિની કૃષ્ણ શિલા એટલે શાલિગ્રામ છે કે અન્ય કોઈ પથ્થર? – તમને જણાવી દઈએ કે રામલલા માટે ત્રણ મૂર્તિનું નિર્માણ થયું હતું. જેમાં રાજસ્થાના સત્યનારાયણ પાંડેએ રામ લલાની શ્વેત મૂર્તિ બનાવી હતી. જ્યારે મૈસૂરના અરુણ યોગીરાજ અને બેંગલુરુના જી એલ ભટ્ટે શ્યામ મૂર્તિ બનાવી હતી. જેમાં અરુણ યોગીરાજની બનાવેલી મૂર્તિ પસંદ થઈ અને સ્થાપિત થઈ તેવામાં આજે અમે તમને આ મૂર્તિમાં ઉપયોગમાં લેવામાં આવેલી કૃષ્ણ શિલા વિશે માહિતી આપીશું.

અહીંથી મળી કૃષ્ણ શિલા – આ કૃષ્ણ શિલાની પસંદગી કર્ણાટકના કારકાલાથી કરવામાં આવી છે. આ પથ્થરને ગત વર્ષે ફેબ્રુઆરી-માર્ચ 2023માં પસંદ કરવામાં આવ્યો હતો. તેને ઉત્તર કર્ણાટકના કારકાલા જિલ્લાના નેલ્લીકેર તાલુકાના નાનકડા ગામ ઈડૂ પાસેથી મળેલી ખાણમાંથી પસંદ કરવામાં આવ્યો હતો. આ શિલાનું વજન 10 ટન હતું જ્યારે પહોળાઈ 6 ફૂટ અને 4 ફૂટની જાડાઈ હતી. આ શિલાને વિધિવત પૂજા કર્યા બાદ અયોધ્યા મોકલવામાં આવી હતી.

શિલાની પસંદગી કેવી રીતે થઈ? – જો સૂત્રોનું માનીએ તો ટ્રસ્ટના આગ્રહ પર વિખ્યાત વાસ્તુ શાસ્ત્રી કુશદીપ બંસલે સૌથી પહેલા આ શિલાનું નિરીક્ષણ કર્યું હતું અને વાસ્તુની દ્રષ્ટીએ ઉત્તમ જણાતા નેશનલ રોક ઈન્સ્ટીટ્યુટના વૈજ્ઞાનિકોએ તેની સાયન્ટિફિક તપાસ કરીને શિલાની રાસાયનિક સંરચનાની તપાસ કરી હતી.

આ તપાસમાં વૈજ્ઞાનિકોને જોવા મળ્યું કે શિલા દરેક પ્રકારના હવામાન અને વાતાવરણમાં હજારો વર્ષો સુધી ટકી શકે તેમ છે. તમને જણાવી દઈએ કે કૃષ્ણ શિલા મૂર્તિકારોની ફેવરીટ છે તેનું કારણ આ પથ્થરની સંરચના પણ છે. આ પથ્થર વધુ કડક પણ નથી અને વધુ મૃદુ પણ નથી હોતો. જો શિલા કઠોર હોય તો મૂર્તિની ભાવ ભંગિમાઓ પર અસર પડે છે અને જો મૃદુ હોય તો કોતરણી દરમિયાન તૂટી જવાનો ભય રહે છે. આ રીતે જોતા કૃષ્ણ શિલા બધી રીતે પરફેક્ટ છે.

આ શિલાની પસંદગી પાછળ પૌરાણિક મહત્વ પણ છે? – રામલલાની મૂર્તિમાં આ શિલાના ઉપયોગ પાછળ એક પૌરાણિક કથાનું પણ મહત્વ છે. કારકલાના જે સ્થાનેથી શિલા મળી છે તે તુંગ નદીના કિનારે છે અને અહીં જ 60 કિમી દૂર શ્રૃંગેરી શહેર આવેલું છે. આ શહેરનો ઉલ્લેખ શાસ્ત્રોમાં ત્રેતા યુગમાં પણ મળે છે. અહીં રહેતાં શ્રૃંગી ઋષીના નામ પરથી જ આ જગ્યાનું નામ પડ્યું છે.

આ એજ શ્રૃંગી ઋષી છે જેમણે દશરથ રાજાને ત્યાં પુત્રકામેષ્ટી યજ્ઞ કરાવ્યાનો ઉલ્લેખ મળે છે અને ત્યારબાદ રામ, લક્ષ્મણ, ભરત અને શત્રૃઘ્ન ચાર ભાઈઓનો જન્મ થયો હતો. તેથી રામલલાની મૂર્તિ એ જગ્યાની નજીકથી પ્રાપ્ત શિલાથી હોવા પર પણ એકમત સધાયો હતો કે આ મૂર્તિને જ સ્થાપિત કરવામાં આવે.


Related Posts

Load more