અમદાવાદના પ્રથમ નાગરિક મેયર પ્રતિભા જૈનના શાહીબાગ વિસ્તારમાં સિવિલ હોસ્પિટલ બહાર મોડી રાત્રે દબાણ દૂર કરવા ગયેલા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓને ટીમ ઉપર સ્થાનિક લારી-ગલ્લાવાળાઓ દ્વારા કરવામાં આવેલા હુમલા મામલે નોનવેજની લારી ચલાવતા કનુ ઠાકોર નામના શખસ સહિત 16 લોકો સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા નોંધાવેલી ફરિયાદમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટે કનુ ઠાકોર સહિત અન્ય લોકોને તેમની લારી હટાવવાનું કહેતા તેઓએ ના પાડી દીધી હતી. જે બાદ રમ્ય ભટ્ટે મજૂરોને લારીને ઉપાડી લેવા કહેતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. લોખંડનો સળિયો લઈ ‘આજે જીવતા જવા દેવાના નથી’ તેમ કહીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના માથામાં સળિયો મારી દીધો હતો.
અસારવામાં સિવિલ નજીક એએમસીના મધ્યઝોનના ડેપ્યુટી કમિશનર રમ્ય ભટ્ટ પર જીવલેણ હુમલાનો મામલે 9 લોકો સામે નામજોગ સહીત કુલ 16 લોકો સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. જે અંતર્ગત પોલીસે 5 આરોપીઓની અટકાયત કરી છે. જેમના નામ કનુ ઠાકોર, નરેશ રાવત, અંકિત ઠાકોર, જગદીશ ઝાલા અને સંદીપ મરાઠે છે. આરોપીઓએ લારીઓના દબાણ દૂર કરવાની કાર્યવાહી થતા હુમલો કર્યો હતો. આ 5 આરોપીઓ ઉપરાંત અન્ય 11 આરોપીઓની પોલીસે શોધખોળ શરૂ કરી છે.
અત્રે જણાવવાનું કે દબાણ દૂર કરવાની ડ્રાઇવ દરમિયાન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્યા ભટ્ટ પર હુમલો કરવામાં આવ્યો હતો. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે SVP હોસ્પિટલ લઈ ખસેડવામાં આવ્યા. અસારવામાં સિવિલ હોસ્પિટલની નજીકના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે ટોળા દ્વારા દબાણ દૂર કરતી ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો.