મા અંબાનું ધામ ગુજરાત જ નહીં પરંતુ દેશ અને વિદેશના કરોડો માઈભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. માના ધામમાં દર વર્ષે અને ખાસ ભાદરવી પૂનમે લાખો શ્રદ્ધાળુ શીશ નમાવવા માટે આવે છે. અહીં આવતો દરેક યાત્રિક માની આસ્થા અને ભક્તિમાં લીન હોય છે. પરંતુ માઈભક્તોની લાગણી દૂભાય અને તેમના આરોગ્ય સાથે છેડા કરવાનું કામ મંદિર ટ્રસ્ટે કર્યું છે. અંબાજીમાં આસ્થા અને ઉંમગ સાથે માઈભક્તો મોહનથાળનો પ્રસાદ લેતા હોય છે. પરંતુ આજ પ્રસાદ નકલી ઘીમાંથી બનાવવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. હવે આ મામલો વધુ ગરમાવો પકડતા હવે GCMMF આ મામલે કૂદી છે અને AMUL ઘી મામલે મોટો ખુલાસો કર્યો છે.
તમને જણાવી દઈએ કે ભાદરવી મેળા પહેલા જ પ્રસાદ માટે વપરાતા ઘીના નમૂના લેવામાં આવ્યા હતા, હવે જ્યારે તેનો રિપોર્ટ આવ્યો તો તેમાં ઘીના સેમ્પલ ફેઈલ આવ્યા છે. એટલે કે જે ઘીનો પ્રસાદ લાખો ભક્તોએ હોંશે હોંશે લીધો હતો તે બિનઆરોગ્યપ્રદ હતો. ગુણવત્તાવગરના ઘીનો હતો. અંબાજી મંદિરે મોહનથાળનો પ્રસાદ બનાવવા માટે મોહિની કેટરર્સને કોન્ટ્રાક્ટ આપેલો છે. ફુડ વિભાગે મેળા પહેલા 180 ઘીના ડબ્બા સીઝ કર્યા હતા, અને તેના સેમ્પલ ચકાસણી માટે મોકલ્યા હતા. પ્રસાદમાં વપરાતું ઘી ગુણવત્તયુક્ત ન હોવાનું સામે આવતા કોંગ્રેસે સરકાર પર પ્રહારો કર્યા છે.
અંબાજી મંદિરનો પ્રસાદ બનાવવા માટે ઉતરતી કક્ષાના ઘીનો પુરવઠો પૂરો પડાતો હોવા અંગેના અહેવાલો અમારા ધ્યાનમાં આવ્યાં છે. આ ગંભીર બાબત અંગે હાથ ધરાયેલી તપાસમાં જાણવા મળ્યું છે કે આ નિમ્ન કક્ષાના ઘીનો પુરવઠો મોહિની કેટરર્સ દ્વારા પૂરો પાડવામાં આવતો હતો. મોહિની કેટરર્સ દ્વારા મંદિરના ટ્રસ્ટને પૂરા પાડવામાં આવતા 15 કિલોના ઘીના ડબ્બા પર સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન (સાબર ડેરી)ના બનાવટી લેબલ લગાવાયા હતાં.