છોટા ઉદેપુરમાં આખી નકલી સરકારી કચેરી ઉભી કરી 4 કરોડનું કૌભાંડ થઈ ગયું

By: nationgujarat
28 Oct, 2023

ગુજરાતમાં અત્યાર સુધીમાં ઘણીવાર નકલી સરકારી અધિકારી કે નકલી પોલીસ પકડાઈ ચૂકી છે, પરંતુ હવે આખે આખી કાગળ પર જ ખોટી સરકારી કચેરી ઊભી કરીને કરોડોનું કૌભાંડ આચરવામાં આવતું હોવાનો ખુલાસો થયો છે. આ મામલે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરાતા તેમના 12 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. નકલી સરકારી કચેરીનો ચોંકાવનારો મામલો સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

સરકારને લાગ્યો 4 કરોડનો ચૂનો

છોટા ઉદેપુરના બોડેલીમાં સંદીપ રાજપૂત નામના ભેજાબાજે કાર્યપાલક ઈજનેર શ્રી સિંચાઈ પ્રોજેક્ટ બોડેલી નામના બોગસ ડોક્યુમેન્ટથી ખોટી સરકારી કચેરી બનાવી નાખી. કાગળ પર બનેલી આ કચેરીથી તેણે 2021થી સરકારને ચૂનો લગાવવાનું શરૂ કર્યું અને કુલ 93 કામની આદિજાતિ પ્રયોજના વિભાગની કચેરીમાંથી 4 કરોડ 15 લાખ રૂપિયાની ગ્રાન્ટ મેળવીને ઉચાપત કરી નાખી. આ કૌભાંડ 26 જુલાઈથી લઈને અત્યાર સુધીના કામોમાં કરવામાં આવ્યું હતું.

કેવી રીતે પકડાયું કૌભાંડ?

જોકે આ ઉદવહન સિંચાઈ યોજનાની મીટિંગ થતા તેમાં બોડેલી સિંચાઈ વિભાગના કાર્યપાલ ઈજનેર ધવલ પટેલને બોર્ડર વિલેજ યોજનાના વર્ષ 2023-24 ઉદવહન સિંચાઈ યોજનાના 12 કામોના 3.74 કરોડની દરખાસ્ત વિશે પૂછવામાં આવતા તેમણે આવી કોઈ જ દરખાસ્ત ન કરી હોવાનું સામે આવ્યું. જે બાદ ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને તપાસ શરૂ કર્યો હતો અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

બે આરોપીઓની પોલીસે કરી ધરપકડ

પોલીસે આ મામલે તપાસ હાથ ધરીને સંદીપ રાજપૂત અને અબુબકર સૈયદ નામના બે ઠગોની ધરપકડ કરી હતી. બંનેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેમના 12 દિવસના રિમાન્ટ મંજૂર કર્યા હતા. હાલમાં પોલીસ દ્વારા સમગ્ર કૌભાંડ મામલે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે, એવામાં આગામી દિવસોમાં આ કૌભાંડમાં અનેક મોટા ખુલાસાઓ થઈ શકે છે.


Related Posts

Load more