સૌરાષ્ટ્રમાં અવિરત મેઘમહેરથી આજી-1 અને ન્યારી-1 બન્ને ડેમ ઓવરફ્લો થયા છે. ભાદર ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 3 ફૂટ જ બાકી છે. જ્યારે અન્ય 30 ડેમમાં અડધાથી 4 ફુટ સુધી નવા નીરની આવક થવા પામી છે. જ્યારે 34 ડેમમાં ઓવરફ્લો યથાવત રહ્યા હતા. જેમાં રાજકોટના ન્યારી-2, લાલપરી, સોડવદર, ફોફળ, મોજ, વાછપરી, વેરી ડેમ, છાપરવડી-1 અને 2 સહિતના ડેમનો સમાવેશ થાય છે. ગઈકાલે મોડી રાત્રે રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થતા નવા રાજકોટને પાણી પૂરું પાડતા ન્યારી-1 ડેમમાં નવા નીરની આવક થતા ડેમના 6 દરવાજા 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ગોંડલ-આટકોટ હાઈવે ભારે વરસાદના કારણે બંધ કરવામાં આવ્યો છે. કરમાળ ડેમનાં પાણીમાં ઘોડાપુર આવતા તમામ વાહન વ્યવહાર ખોરવાયો છે. કરમાળ ડેમનાં પાણી કરમાળ પીપળીયા ગામમાં ફરી વળતા તમામ ગામ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.
મોટાદડવા ગામ સહિતના પંથકમાં વરસાદ વરસતા બળધોઈ ગામમાં ઇક્કો ગાડી તણાઈ છે. તો બીજી તરફ ઉમરાળી ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ભાદર-1 ડેમ નિર્ધારિત સપાટીએ 80% ભરાયો હોવાથી હેઠવાસનાં ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. વાદીપરા ગામે નદીમાં ઘોડાપુર આવતા 15 લોકો ફસાયા છે. જોકે લોકોએ આવા ધસમસતા પ્રવાહમાં પીપરના વૃક્ષ ઉપર આશરો લીધો છે.
કરમાળ નદીમાં પૂર જેવી સ્થિતિ
મોટાદડવા ગામ સહિત આજુબાજુના તમામ પંથકમાં રાત્રિના ત્રણ વાગ્યાથી વરસાદ વરસતા બળધોઈ ગામમાં ઇક્કો ગાડી પાણીમાં તણાઈ જવા પામી હતી. બીજી તરફ હાલેન્ડાના ઉમરાળી ગામ સંપર્ક વિહોણું બન્યું છે. કરમાળ નદીમાં પૂર જેવી સ્થિતિ જોવા મળતા આ ગામની આવક જાવક બંધ થઈ જવા પામી છે.
ભાદર-1 ડેમ નિર્ધારિત સપાટીએ 80% ભરાયો
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનાં લિલાખા ગામ પાસે આવેલો ભાદર-1 ડેમ નિર્ધારિત સપાટીએ 80% ભરાઈ ગયો છે. ભારે વરસાદની આગાહીના પગલે ભાદર ડેમના હેઠવાસમાં આવતા ગોંડલ તાલુકાના લિલાખા, મસીતાળા, ભંડારીયા, ખંભાલીડા, નવાગામ, જેતપુર તાલુકાના મોણપર, ખીરસરા, દેરડી, જેતપુર, નવાગઢ, રબારીકા, સરધારપુર, પાંચપીપળા, કેરાડી, લુણાગરા, લુણાગરી, વાડાસડા, જામકંડોરણા તાલુકાનાં તરવડા, ઈશ્વરીયા ધોરાજી તાલુકાના વેગડી, ભુખી, ઉમરકોટ સહિતના ગામોના ગ્રામજનોને નદીના પટમાં અવર-જવર નહિ કરવા તથા સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
કોટડા સાંગાણીના વાદીપરા ગામે નદીમાં ઘોડાપુર
વાદીપરા ગામે સીમ વિસ્તારમાં નદીના પાણી ફરી વળતા 15 લોકો ફસાયા છે. નદીના ધસમસતા પ્રવાહમાં લોકોએ પીપરના વૃક્ષ ઉપર આશરો લીધો છે.
રાજકોટ જિલ્લાના મોટા દળવામાં ધોધમાર વરસાદ
કરમાળ ડેમના તમામ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. કરમાળ ડેમના સાત દરવાજા ખોલી દેવામાં આવતા આસપાસના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. કરમાળ ડેમમાં સવારથી અત્યાર સુધીમાં 8 ફૂટ પાણીની આવક થવા પામી છે. હજુ પણ પાણીની આવક ચાલુ છે. 13.10 ફૂટની સપાટીએ કરમાળ ડેમ ઓવરફ્લો થયો છે.