અમદાવાદમાં એક જ ટિકિટ, એકસરખા ભાડામાં કરી શકાશે BRTS-AMTS બસમાં સફર

By: nationgujarat
31 Jul, 2023

અમદાવાદના સિટી પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધાની વાત કરીએ તો એમટીએસ, બીઆરટીએસ અને મેટ્રો કાર્યરત છે. કોઈ પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ વિભાગ હોય એ લોકોની સુવિધા માટે નીતનવા પ્રયોગ કરે છે, અમદાવાદમાં પણ આવા ઘણાં પ્રયોગો થયા છે, જેમાં ઘણાં સફળ થયા છે, તો ઘણાં નિષ્ફળ ગયા છે. હાલમાં એએમટીએસ અને બીઆરટીએસને ઈન્ટીગ્રેટ કરવાની વાત ચાલી રહી છે, જે લગભગ 1 વર્ષમાં થઈ જશે. જો આ ઈન્ટીગ્રશનની વાત કરીએ તો એ ચાર તબક્કામાં થવાનું છે. જેમાં પ્રથમ તબક્કામાં એએમટીએસ અને બીઆરટીનું ભાડું સરખું કરાશે, બીજા તબક્કામાં એએમટીએસ અને બીઆરટીમાં એક ટિકિટમાં મુસાફરી કરી શકાશે, ત્રીજા તબક્કામાં રૂટ રેશનલાઈઝેશન કરાશે અને ચોથા તબક્કામાં જરૂર હોય તે રૂટમાં બસ શરૂ કરાશે. ભવિષ્યમાં મેટ્રો સાથે પણ વિચારણા કરવામાં આવશે તેવું AMCએ જણાવ્યું છે.

એક જ ટિકિટમાં બન્ને બસ સેવાનો લાભ લઈ શકાશે
પહેલા તબક્કાની વાત કરીએ તો એએમટીએસ અને બીઆરટીની ટિકિટના ભાવ સરખા કરવા, જેનો અમલ હમણાં જ થયો છે. ભાવ સરખાં કરવા એ બસ શરુઆત છે. ભાવ સરખા કર્યા બાદ એએમટીએસ અને બીઆરટીએસને ઘણો ફાયદો થયો છે. ભાવ સરખો કરવાથી છૂટા પૈસાની કોઈ મગજમારી રહેતી નથી અને લોકોનો પણ સારો પ્રતિસાદ મળ્યો છે. બીજા તબક્કાની વાત કરીએ તો એમાં એએમટીએસ અને બીઆરટીની ટિકિટ એક કરવામાં આવશે, જેથી તમે એએમટીએસ કે બીઆરટીએસ કોઈ પણ એકની ટિકિટ લઈ બંનેમાં મુસાફરી કરી શકશો. ઉદાહરણ તરીકે જો તમે એએમટીએસની ટિકિટ લેશો તો પણ તમે બીઆરટીએસમાં જઈ શકશો.

ત્રીજા તબક્કામાં રૂટ રેશનલાઈઝન કરાશે
ત્રીજા તબક્કામાં રૂટ રેશનલાઈઝેશ કરાશે. જેમાં જો એક જ રૂટ પર બીઆરટીએસ અને એએમટીએસ બંને કાર્યરત હશે એવા રૂટ શોધીને એ રૂટ પર કોઈ એક જ સુવિધા ચાલુ રાખશે, જેથી ત્યાંની બસોને ડાયવર્ટ કરીને જે રૂટ પર જરૂર હશે ત્યાં ચલાવવામાં આવશે, જે ચોથો તબક્કો હશે. જેથી બીજા ઘણા રૂટનો પણ સમાવેશ થઈ શકે, જેથી લોકો વધુમાં વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી શકે.


Related Posts

Load more