વર્તમાન સમયમાં બેવડી ઋતુને કારણે અમદાવાદ શહેરમાં રોગચાળાએ અચાનક માથું ઉચક્યું છે. સ્વાસ્થ્ય પર પડી રહેલી આ માઠી અસરને કારણે શહેરની હોસ્પિટલોમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીનો આંકડો મોટો થઈ ગયો છે.
મોટાઓની સાથે-સાથે બાળકોના સ્વાસ્થ્ય પર પણ આ વાતાવરણની માઠી અસર પડી રહી છે. હોસ્પિટલના બાળ વિભાગની ઓપીડીમાં દૈનિક 100 થી 150 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. આ ઉપરાંત સામાન્ય તાવ, શરદી, ઉધરસ અને વાયરલ ઈન્ફેક્શનના કેસમાં પણ જો 1 મોટો વધારો જોવા મળ્યો છે.
અમદાવાદની જાણીતી સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવતા દર્દીઓની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના રેકોર્ડ મુજબ કુલ 15,986 ઓપીડી (આઉટપેશન્ટ ડિપાર્ટમેન્ટ) કેસ નોંધાયા છે, જે દર્શાવે છે કે, અમદાવાદ શહેરમાં બીમારીઓનું પ્રમાણ કેટલું ઝડપથી વધી રહ્યું છે.
હવામાનમાં ફેરફારને કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનું જોખમ પણ વધ્યું છે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 169 કેસ, મેલેરિયાના 13 કેસ, ટાઈફોડના 4 કેસ તેમજ સ્વાઇન ફ્લૂના 2 ગંભીર કેસ નોંધાતા આરોગ્ય વિભાગ પણ એલર્ટ થઈ ગયો છે.